તારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજે પોલીસ અમારુ કાંઇ નહી બગાડે કહી યુવકને માર માર્યો

23 April 2021 07:04 AM
Rajkot Crime
  • તારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજે પોલીસ અમારુ કાંઇ નહી બગાડે કહી યુવકને માર માર્યો

મોચી બજારનાં ચબુતરા પાસેનો બનાવ : ફુટવેરની દુકાન પાસે રીક્ષા રાખી આરોપીઓ ગાળાગાળી કરતા હોય તેને ટપારતા હુમલો કર્યો : અગાઉ પોલીસમાં અરજી કર્યાનું યુવાનનું રટણ

રાજકોટ તા.22
મોચી બજારમાં રહેતા અને ફુટવેરની દુકાન ધરાવતા યુવાનને ચારેક શખ્સોએ પાઇપ વડે માર મારતા તેને તુરંત જ અત્રેની સીવીલમાં ખસેડાયા છે. આરોપીઓએ જતા જતા કહયું તારે જયા ફરીયાદ કરવી હોય ત્યાં કરી લેજે પોલીસ અમારુ કાંઇ બગાડી નહી શકે. યુવાનની ફરીયાદ લેવા એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે તજવીજ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોચી બજારમાં રહેતા સમીરભાઇ કાદરભાઇ દોસાણી (ઉ.વ. 40) નામના યુવાન ગઇકાલે પોતે પોતાની મોચી બજાર ચબુતરા પાસે આવેલી ફતેહ ફુટવેર પાસે હતા ત્યારે ચામડીયા ખાટકીવાસમાં રહેતા ઇમરા અને તેના સાગરીતોએ પાઇપ વડે હુમલો કરતા તેને તુરંત જ સીવીલમાં ખસેડાયા હતા. સમીરભાઇને હોસ્પીટલમાં દાખલ કરનાર હનીફએ આક્ષેપ કર્યો હતો કે દુકાને જયારે મહીલાઓ ખરીદી માટે આવ ત્યારે આરોપીઓ રીક્ષા ટેકવી ગાળો બોલતા હોય છે.

જેથી તેને ટપારવા જતા ગાળો આપી ધમકી આપે છે કે તમારે જયાં પોલીસમાં ફરીયાદ કરવી હોય ત્યા કરી લેજો પોલીસ અમારુ કાંઇ નહી બગાડી શકે. જેથી એ ડીવીઝન પોલીસમાં અગાઉ અરજી પણ કરી હતી. છતા આરોપીઓ સુધરતા નથી. આ અંગે એ ડીવીઝન પોલીસે સીવીલ હોસ્પીટલે સમીરભાઇનું નિવેદન લેવા કાર્યવાહી શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement