જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તે ધ્યાન રાખજો : પોલીસ સરપ્રાઇઝ ચેકીંગ કરશે

23 April 2021 10:14 AM
Government Gujarat
  • જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તે ધ્યાન રાખજો : પોલીસ સરપ્રાઇઝ ચેકીંગ કરશે

● કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ મહત્વના આદેશો જારી કર્યા ● રાજ્યના લગ્ન રજિસ્ટ્રેશનના પોર્ટલ પરથી પોલીસ યાદી મેળવી કરશે કામગીરી : લગ્ન સમારંભમાં 50થી વધુ લોકો હશે તો થશે કાર્યવાહી

ગાંધીનગર:
કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ ખતરનાક રીતે સંક્રમણ ફેલાયું છે ત્યારે જ રાજ્યમાં લગ્નસરાની સીઝન શરૂ થવાની છે. લગ્ન સમારંભમાં ભીડ ભેગી ન થાય તે માટે સરકારે 50થી વધુ વ્યક્તિઓના ભેગા થવા સામે પ્રતિબંધ લગાવ્યો છે. તેનો કડક અમલ કરવા માટે રાજયના પોલીસ વડા(ડીજીપી) આશિષ ભાટીયાએ મહત્વના આદેશો જારી કર્યા છે. તેમણે સોશ્યલ મીડિયા મારફત ગુજરાતવાસીઓને સંદેશો પાઠવ્યો હતો. જે મુજબ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસ લગ્ન સમારંભ ગોઠવવા માટેના રજીસ્ટ્રેશન માટે રાજય સરકારનું જે પોર્ટલ છે તેની યાદી મેળવીને સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરશે. જો 50થી વધુ વ્યક્તિઓની હાજરી લગ્ન સમારંભમાં જોવા મળી તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે.

ડીજીપી આશિષ ભાટીયા(આઇપીએસ)એ રાજયના તમામ જિલ્લા, શહેરના પોલીસ વડાને લગ્નમાં 50થી વધુ સંખ્યામાં લોકો હાજર ન રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. તેની સાથે પોલીસ વિભાગ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લઇને લોકો સ્વયંભૂ સરકારની 50 વ્યક્તિઓની હાજરીની ગાઇડલાઇનનું પાલન કરે. જો કોઇ જગ્યાએ આ ગાઇડલાઇનનો ભંગ થતો ધ્યાનમાં આવશે તો પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રી ભાટીયાએ વધુમાં જણાવાયું કે, લગ્ન સમારંભ ગોઠવવા માટેના રજીસ્ટ્રેશન માટે રાજય સરકારનું જે પોર્ટલ છે તેની યાદી પણ પોલીસ દ્વારા મેળવવામાં આવશે. અને પોર્ટલ પરથી મળેલી યાદી પ્રમાણેના લગ્ન સમારંભમાં જરૂર પડયે સ્થાનિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરીને નિયત સંખ્યા કરતાં વધુ સંખ્યામાં લોકો હાજર છે કે નહીં તેની ચકાસણી કરાશે.

● રાજ્યમાં કોવિડ ગાઈડલાઈન ભંગના દૈનિક 15થી 17 હજાર ગુના નોંધાય છે

રાજયના પોલીસ વડા દ્વારા જારી કરવામાં આવેલા આકડાં મુજબ કોરોના ગાઈડલાઈન ભંગ એટલે કે, સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવું, માસ્ક ન પહેરવું, જાહેરમાં થૂંકવું, જાહેરનામાના ઉલ્લંઘનના દૈનિક 15થી 17 હજાર કેસો નોંધાઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement