અંતે ચૂંટણી પંચની આંખ ઉઘડી : રોડ શો, પદયાત્રા અને રેલીઓ પર પ્રતિબંધ, માર્ગદર્શિકા જારી

23 April 2021 10:37 AM
India
  • અંતે ચૂંટણી પંચની આંખ ઉઘડી : રોડ શો, પદયાત્રા અને રેલીઓ પર પ્રતિબંધ, માર્ગદર્શિકા જારી

● કોરોનાની ઘાતક બીજી લહેર વચ્ચે પણ પાંચ રાજ્યોની ચૂંટણીમાં યોજાતી રેલીઓમાં હજારો લોકોની ભીડ જામતી હતી, હવે જનસભામાં પણ 500 લોકોની મંજૂરી અપાશે ● કોરોના સંક્રમણ વધ્યા બાદ નવી માર્ગદર્શિકા બહાર પાડી, નિયમોના ભંગ બદલ પાર્ટીઓ અને ઉમેદવારો સામે ચૂંટણી પંચે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ
ભારતીય ચૂંટણી પંચે કોરોના વાયરસના રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી ચૂંટણીને લઈને વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત મતદાન મથક પર મતદારો અને ચૂંટણી અધિકારીઓ માટેની ગોઠવણ અંગે સૂચના આપવામાં આવી છે. કમિશને કહ્યું છે કે આ માર્ગદર્શિકા ગત વર્ષે બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીઓમાં જારી કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે કહ્યું છે કે, જો સાયકલ, બાઇક, વાહન રેલી કરવાની મંજૂરી આપવામાં આવી છે, તો તે પાછી ખેંચી લેવામાં આવે છે. ચૂંટણી પંચે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી હતી કે જાહેરસભાઓ દરમિયાન ઘણા રાજકીય પક્ષો અને ઉમેદવારો સલામતીના ધોરણોનું પાલન કરતા નથી. પંચે જણાવ્યું હતું કે, કોઈ રોડ શો, પદયાત્રા અને સાયકલ, બાઇક અથવા વાહન રેલીની મંજૂરી આપવામાં આવશે નહીં.

ચૂંટણી પંચે કહ્યું છે કે, એક જ જગ્યાએ યોજાતી જનસભાઓમાં પણ 500 લોકોની જ મંજૂરી અપાશે. 500થીવધુ લોકોની જાહેર સભા યોજવી માન્ય રહેશે નહીં. આ જનસભા સમય દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાથી સંબંધિત અન્ય તમામ નિયમોનું પાલન કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. ખાસ કરીને બંગાળમાં યોજાતી રેલીઓ, સભાઓમાં હજારો લોકોની ભીડ જોવા મળતી હતી, કોરોના સંક્રમણ ચરમસીમા પર છે ત્યારે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે.

● મમતા બેનર્જીએ તમામ જનસભા - રેલીઓ રદ કરી

મમતા બેનર્જી હવે બંગાળની ચૂંટણીમાં વર્ચુઅલ લોકો સાથે વાતચીત કરશે. ગુરુવારે કરેલા એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, દેશભરમાં કોવિડ કેસોમાં થયેલા વધારા અને ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને હું મારી બધી સુનિશ્ચિત મિટિંગ્સ રદ કરું છું. હવે વર્ચ્યુઅલ રીતે લોકો સુધી પહોંચીશું. મમતાએ કહ્યું કે અમે ટૂંક સમયમાં વર્ચુઅલ મીટિંગ્સની સૂચિ જાહેર કરીશું.


Related News

Loading...
Advertisement