સુરતની આયુષ હોસ્પિટલમાં મોડીરાત્રે આગ: દર્દીઓને અન્ય હોસ્પિટલે લઈ જતી વેળાએ ત્રણના મોત

27 April 2021 05:22 AM
Surat Gujarat
  • સુરતની આયુષ હોસ્પિટલમાં મોડીરાત્રે આગ: દર્દીઓને અન્ય હોસ્પિટલે લઈ જતી વેળાએ ત્રણના મોત

હોસ્પિટલમાં દાખલ 12 દર્દીઓને સિવિલ-સ્મિમેરમાં ખસેડતી વખતે પૂરતી સારવાર ન મળતાં મોતને ભેટ્યા

સુરત, તા.26
આખા ગુજરાતને અત્યારે કોરોના ધમરોળી રહ્યો છે અને રાજ્યની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે લગભગ દરેક હોસ્પિટલનું વહીવટી તંત્ર પણ ઉંધેમાથે થઈ જવા પામ્યું છે. આ બધાની વચ્ચે સુરતની આયુષ કોવિડ હોસ્પિટલમાં મોડીરાત્રે આગ લાગતાં દોડધામ થઈ પડી હતી. દરમિયાન હોસ્પિટલમાં દાખલ 12 કોરોના દર્દીઓ પૈકીના ત્રણ દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડતી વખતે પૂરતી સારવાર ન મળતાં રસ્તામાં જ તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સુરતના લાલ દરવાજા પાસે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગના પાંચમા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઈસીયુના કોરોના વોર્ડમાં ગતરાત્રે 11:30 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. જો કે આગની જાણ ફાયરબ્રિગેડને થઈ જતાં ફાયરબ્રિગેડે યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લઈ લેતાં મોટી ખુંવારી થતાં અટકી હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં 12 કોરોના દર્દી દાખલ હતા જેમને તુરંત જ સિવિલ અને સ્મિમેર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી ત્રણ દર્દીઓની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે રસ્તામાં જ તેમને દમ તોડી દીધો હતો. અચાનક આગ લાગતાં હોસ્પિટલના સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી અને જીવ બચાવવા મોટાભાગનો હોસ્પિટલનો સ્ટાફ બચવા માટે અગાસી પર દોડી ગયો હતો.


Related News

Loading...
Advertisement