વોટસએપ ગ્રુપમાં કોઈ અશ્લીલ કે વાંધાજનક પોસ્ટ કરે તો તેના માટે એડમિન જવાબદાર નથી

28 April 2021 12:00 AM
India Technology Top News
  • વોટસએપ ગ્રુપમાં કોઈ અશ્લીલ કે વાંધાજનક પોસ્ટ કરે તો તેના માટે એડમિન જવાબદાર નથી

મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠનો ચુકાદો: વોટસએપ એડમિન પાસે ગ્રુપના સભ્યોને જોડવા-હટાવવાનો જ અધિકાર હોય છે, અશ્ર્લીલ પોસ્ટ કરતાં રોકવાનો નહીં

મુંબઈ, તા.27
મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠે વોટસએપ ગ્રુપ્સના એડમીન્સને મોટી રાહત આપતો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે વોટસએપ ગ્રુપમાં સામેલ કોઈ વ્યક્તિ દ્વારા પોસ્ટ કરાયેલા અશ્લીલ સાહિત્ય બદલ એડમિનને જવાબદાર ગણી શકાય નહીં. ગ્રુપ એડમિન ઉપર ખોટી અથવા વાંધાજનક પોસ્ટ બદલ ગુનાહિત કાર્યવાહી કરી શકાય નહીં. આ સાથે જ અદાલતે 33 વર્ષીય યુવક વિરુદ્ધ નોંધાયેલા કેસને ફગાવી દીધો હતો.


અદાલતનો આ આદેશ પાછલા મહિને આવ્યો હતો પરંતુ તેની નકલ 22 એપ્રિલે ઉપલબ્ધ બની છે. જસ્ટિસ ઝેડ.એ.હક્ક અને જસ્ટિસ એ.બી.બોરકરની પીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે વોટસએપના એડમિન પાસે માત્ર ગ્રુપના સભ્યોને જોડવા અથવા હટાવવાનો જ અધિકાર હોય છે અને ગ્રુપમાં અપલોડ કરાયેલી કોઈ પોસ્ટ અથવા વિષયવસ્તુને નિયંત્રિત કરવા અથવા તેને રોકવાની ક્ષમતા હોતી નથી.
કોર્ટે વોટસએપ ગ્રુપના એડમિન કિશોર તરોનેની અરજી પર આ ચુકાદો આપ્યો છે. તરોનેએ ગોંદીયા જિલ્લામાં પોતાના વિરુદ્ધ 2016માં કલમ 354-એ(1)(4) (અશ્લીલ ટીપ્પણી), 509 (મહિલાની ગરિમા ભંગ કરવા) અને 107 (ઉશ્કેરવા) તેમજ અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનાઓને ફગાવવાનો અનુરોધ કર્યો હતો.


કિશોર તરોનોએ આક્ષેપ કર્યો હતો કે તે પોતાના વોટસએપ ગ્રુપના એ મેમ્બર વિરુદ્ધ પગલાં ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો જેણે ગ્રુપમાં મહિલા સભ્ય વિરુદ્ધ અશ્લીલ  અને અમર્યાદિત ટીપ્પણી કરી હતી. તરોને પર એવો પણ આરોપ લગાવ્યો કે તેમણે સંબંધિત સભ્યને ન તો ગ્રુપમાંથી કાઢ્યો કે ન તો તેને માફી માંગવા માટે કહ્યું હતું. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તરોનેના પક્ષમાં ચુકાદો આપ્યો તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને પણ રદ્દ કરી હતી.


અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું કે જો વોટસએપ ગ્રુપનો કોઈ સભ્ય વાંધાજનક પોસ્ટ કરે છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. એડમિન કોઈને નિયંત્રિત કરી શકતો નથી. તેની પાસે મર્યાદિત અધિકાર હોય છે. પીઠે એ પણ સ્પષ્ટ કર્યું કે અશ્ર્લીલ ક્ધટેન્ટ માટે કોઈ એડમિનને ત્યાં સુધી જવાબદાર ન માની શકાય જ્યાં સુધી એ સ્પષ્ટ ન થઈ જાય કે તે પણ આ યોજનાનો હિસ્સો હતો. કિશોર તરોનેએ પોતાના પક્ષમાં કહ્યું હતું કે ગ્રુપમાં પોસ્ટ કન્ટેન્ટ સાથે તેને કશા જ લેવા-દેવા નથી.


Related News

Loading...
Advertisement