જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ ટેસ્ટીંગ કીટ ખલાસ : સેન્ટરને તાળુ લાગ્યું

28 April 2021 11:31 PM
Jasdan
  • જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ
ટેસ્ટીંગ કીટ ખલાસ : સેન્ટરને તાળુ લાગ્યું

બપોર બાદ ટેસ્ટ કરાવવા આવતા લોકોને ધક્કો : પરત ફર્યા

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.28
જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંગળવારે કોવીદ ટેસ્ટ કરવાની કીટ ખલાસ થઈ જતા અનેક દર્દીઓને હોસ્પિટલે ધક્કો થયો હતો અને છેવટે ઘરે પાછા ફર્યા હતા. જ્યારે બપોર બાદ તો કોવીદ સેમ્પલ કલેક્શન સેન્ટરને તાળું જ લાગ્યું હતું.
આ અંગેની વિગતો મુજબ જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે એક કલાક અને સાંજે એક કલાક માટે કોવીદ નો રેપિડ ટેસ્ટ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવામાં આવે છે પરંતુ મંગળવારે સવારે અમુક લોકોનો ટેસ્ટ કર્યા બાદ કીટ ખલાસ થઈ ગઈ હતી અને લોકો ટેસ્ટ કર્યા વગર ઘરે પાછા ગયા હતા જ્યારે સાંજે ટેસ્ટ માટેના સેમ્પલ કલેક્શનના નિયત સમયે પણ કીટ ખલાસ થઇ ગઇ હોવાથી સેમ્પલ કલેક્શન સેન્ટર ને તાળું લાગી ગયું હતું. આ અંગે જસદણ બ્લોક હેલ્થ ઓફિસર ડો. સી. કે. રામનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટ કીટ ખલાસ થઈ ગઈ હતી પરંતુ હવે મર્યાદિત સંખ્યામાં ટેસ્ટ કીટ આવી હોવાથી જેનું ઓક્સિજન લેવલ 95 થી ઉપર હોય તેનો ટેસ્ટ કરવામાં નહીં આવે અને ખરેખર ઓક્સિજન લેવલ ઓછું હોય અને વધારે લક્ષણો હોય તો જ ટેસ્ટ કરવામાં આવશે.
જસદણ આરોગ્ય તંત્રના આવા વિચિત્ર નિયમથી અનેક લોકો કોવિદ પોઝિટિવ હોવા છતાં ટેસ્ટ નહી થઈ શકવાથી પોતે પોઝીટીવ છે તેનો ખ્યાલ જ નહી આવે આથી બીજા અનેક લોકોને સંક્રમિત કરશે તેવી ભીતિ છે. બીજી બાજુ જસદણમાં છેલ્લા ત્રણ - ચાર દિવસ દરમિયાન કોવિદનાં આરટીપીસીઆર ના સેમ્પલ લેવાયા બાદ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. આમ રિપોર્ટ નહીં થવાથી તેમજ રિપોર્ટ મોડા આવવાને કારણે કોરોના સંક્રમણ જસદણ પંથકમાં ખૂબ જ વધવાનો ડર છે. કોરોનાનો મોટો બ્લાસ્ટ થાય તે પહેલાં નિયમિત મોટી સંખ્યામાં કોવિદનાં ટેસ્ટ સરળતાથી કરવામાં આવે તેમજ આખા દિવસમાં સવારે અને સાંજે એક એક કલાક ને બદલે સવારે દશ થી બાર અને સાંજે ચાર થી છ ટેસ્ટ કરવાનો સમય કરવામાં આવે તેવી લોકોની માગણી છે. આ ઉપરાંત મંગળવારે સવારે વેક્સિન પણ ખલાસ થઈ ગઈ હતી જો કે બપોર બાદ વ્યક્તિનો સ્ટોક આવી ગયો હતો પરંતુ એક સાથે દસ વ્યક્તિને આપવાની હોવાથી દશ વ્યક્તિ નહી થતા અનેક લોકો વેકસીન લીધા વગર પાછા ફર્યા હતા.


Loading...
Advertisement