દેશનાં 150 જીલ્લાઓમાં લોકડાઉન લાગશે?

29 April 2021 12:04 AM
India
  • દેશનાં 150 જીલ્લાઓમાં લોકડાઉન લાગશે?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની દરખાસ્ત: રાજયો સાથે ચર્ચા કરી કેન્દ્ર નિર્ણય લેશે: 15 ટકાથી વધુનો સંક્રમણ દર ધરાવતા જીલ્લામાં ‘ચેઈન તોડવાનો’ વ્યુહ

નવી દિલ્હી તા.28
કોરોનાની પ્રવર્તમાન ભયાનક લહેર સામે તમામ રાજયોથી માંડીને કેન્દ્ર સરકાર પણ ઝઝુમી રહી છે. તેવા સમયે સૌથી વધુ પ્રભાવીત દેશનાં 150 જીલ્લાઓમાં લોકડાઉન લાગુ પાડવા કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે.અંતિમ નિર્ણય લેતા પૂર્વે રાજય સરકારો સાથે સંકલન કરવામાં આવશે.કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા જ 150 જેટલા શહેર-જીલ્લાઓમાં લોકડાઉન લાગુ પાડવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. કોરોનાનો સંક્રમણ દર 15 ટકાથી વધુ હોય તેવા જીલ્લાઓમાં લોકડાઉનની ભલામણ છે. માત્ર આવશ્યક સેવાઓને જ છૂટ રાખવા સુચવ્યુ છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં 150 જેટલા જીલ્લાઓમાં લોકડાઉન લગાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે કેન્દ્ર દ્વારા સંબંધીત રાજયો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે.કોરોનાના વધતા કેસો રોકવા માટે લોકડાઉન જેવા કદમની અનિવાર્યતાં દર્શાવવામાં આવી છે.આરોગ્ય વિભાગે આ દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી છે. 15 ટકાથી વધુ સંક્રમણદર ધરાવતા 150 જીલ્લાઓનું લીસ્ટ પણ મોકલવામાં આવ્યુ છે. આવશ્યક સેવાઓને છુટછાટ આપીને અન્ય પ્રવૃતિઓ બંધ કરવામાં નહી આવે તોહ આરોગ્ય સીસ્ટમ પર બોજ વધવાની લાલબતી ધરવામાં આવી છે.કેન્દ્ર સરકારનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે વધુ પડતો સંક્રમણ દર ધરાવતા ક્ષેત્રોમાં લોકડાઉન જેવા કદમો અનિવાર્ય થઈ પડયા છે. કેટલાંક અઠવાડીયાના લોકડાઉનથી કોરોનાની ચેઈન તોડી શકાશે.
દેશમા અત્યારે કોરોનાના બેફામ કહેર વચ્ચે આરોગ્ય સેવાઓની ક્ષમતા પણ ખુટવા લાગી છે. ઓકસીજનની પણ કટોકટી થઈ છે. ઉત્પાદન વધારવા માટે સરકાર ઉંધા માથે છે.


Related News

Loading...
Advertisement