શેરબજારમાં 800 પોઇન્ટની જોરદાર તેજી

29 April 2021 04:41 AM
Business Top News
  • શેરબજારમાં 800 પોઇન્ટની જોરદાર તેજી

કાલે એપ્રિલ ફયુચરના છેલ્લા દિવસ પૂર્વે તેજી ગ્રુપની જોરદાર પક્કડ : હેવીવેઇટ શેરો ઉંચકાયા

રાજકોટ તા.28
ભારતમાં કોરોનાના કહેર અને અનેક રાજયના લોકડાઉન જેવા નિયંત્રણોથી અર્થતંત્રને ફટકો પડવાની આશંકા જેવા વિપરીત કારણોની અવગણના કરીને શેરબજાર તેજીમાં ધમધમતું રહ્યું હોય તેમ આજે સતત ત્રીજા દિવસે જોરદાર તેજી વચ્ચે સેન્સેકસમાં 825 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. હેવી વેઇટ સહિત મોટા ભાગના શહેરોમાં ઉછાળો હતો.

શેરબજારમાં આજે શરૂઆત જ તેજીના ટોને થઇ હતી. થોડો વખત મોટી વધઘટે અટવાયેલુ રહ્યા બાદ હેવી વેઇટ શેરોમાં ધૂમ લેવાલી શરૂ થઇ જતાં તેજીએ જોર પકડયું હતું. અમેરીકી ફેડરલ રિઝર્વની વ્યાજદર અંગે બેઠક છે. તેની જાહેરાત પૂર્વે આજે જોરદાર તેજીને સૂચક ગણવામાં આવતી હતી. વિદેશી નાણા સંસ્થાઓ પણ સતત માલ વેંચતી હોવા છતાં આ તેજીથી ઇન્વેસ્ટરો પણ નવાઇ પામી રહ્યા છે.

શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે આવતીકાલે એપ્રિલ ફયુચરનો છેલ્લો દિવસ છે તે પૂર્વે બાજી તેજી ગ્રુપના હાથમાં હોવાની છાપ છે. કાલના વલણ પૂર્વે તેજી ગ્રુપ પકડ છોડવાના મૂડમાં નથી અન્યથા કોરોના સંબંધી ગભરાહટને કારણે ઇન્વેસ્ટર વર્ગ તો કેટલાક દિવસોથી દૂર જ થઇ ગયો છે. પરંતુ નક્કારાત્મક કારણો વચ્ચે પણ તેજી ગ્રુપના ઓપરેટરો માર્કેટને ખેંચી રહ્યા છે. કોર્પોરેટ ક્ષેત્રના પરિણામો ખૂબ સારા આવી રહ્યા હોવાની પણ અસર છે.

શેરબજારમાં આજે બજાજ ફાયનાન્સ, આઇસર મોટર્સ, ઇન્ડુસન્ડ બેંક, બજાજ ફીન સર્વિસ, એકસીસ બેંક, ટીવીએસ મોટર્સ, સ્ટેટ બેંક, પાવરગ્રીડ, ટાઇટન, બજાજ ઓટો, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતીય એરટેલ, એચડીએફસી, હિન્દ લીવર સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. તેજી બજારે પણ હિન્દાલ કો, બ્રીટાનીયા જેવા કેટલાક શેરો નબળા હતાં. મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 82પ પોઇન્ટના ઉછાળાથી 49770 હતો. જે ઉંચામાં 49801 તથા નીચામાં 49066 હતો.

નેશનલ સ્ટોક એકસચેન્જનો નીફટી 217 પોઇન્ટના ઉછાળાથી 14870 હતો. બેંક શેરો આજે લાઇટમાં હોય તેમ બેંક નીફટીમાં 950 પોઇન્ટનો ઉછાળો હતો. મીડકેપ ઇન્ડેક્ષ 300 પોઇન્ટનો સુધારો સૂચવતો હતો. શેરબજારમાં જોરદાર તેજીની સામે સોના-ચાંદીમાં ગાબડા પડયા હતા. સોનું 400 રૂપિયાના ઘટાડાથી કોમોડીટી એક્ષચેન્જમાં 46900 સાંપડયું હતું. ચાંદી 1200 રૂપિયાના ઘટાડાથી 67850 હતી.


Related News

Loading...
Advertisement