રેમડેસીવીરની કાળાબજારીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું : વડોદરા - આણંદના 5 શખ્સો ઝબ્બે

30 April 2021 05:15 AM
Vadodara Crime Rajkot Gujarat
  • રેમડેસીવીરની કાળાબજારીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું : વડોદરા - આણંદના 5 શખ્સો ઝબ્બે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ફાર્મા માફિયાઓ પાસેથી 90 ઇન્જેકશન તથા 2 લાખ રોકડા મળી 7.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, : કાળા બજારીમાં ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સી સંડોવાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું : 20 હજારમાં એક રેમડેસીવીર વેંચતા હોવાની કબૂલાત, અત્યાર સુધીમાં 400 જેટલા ઈન્જેકશન બ્લેક માર્કેટમાં વેચી નાખ્યા

વડોદરા, તા.29
હાલ કોરોના મહામારીમાં લોકો માનવતા ભૂલ્યા હોય તેમ દવા, ઈન્જેકશન વગેરે વસ્તુની કાળાબજારી થવા લાગી છે. રાજ્યમાંથી કોરોના દર્દી માટે અકસીર એવા રેમડેસીવીરની કાળાબજારીના અનેક કિસ્સા સામે આવ્યા છે.

પરંતુ વડોદરા ક્રાઈમ બ્રાંચે દેશનું સૌથી મોટું રેમડેસીવીર કૌભાંડ ઝડપી પાડ્યું છે. અને વડોદરા તેમજ આણંદના 5 શખ્સોને દબોચી લીધા છે. ફાર્મા માફિયાઓ પાસેથી 90 ઇન્જેકશન તથા 2 લાખ રોકડા મળી 7.61 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રાથમિક પૂછપરછમાં 20 હજારમાં એક રેમડેસીવીર વેંચતા હોવાની કબૂલાત આપી છે. અત્યાર સુધીમાં 400 જેટલા ઈન્જેકશન બ્લેક માર્કેટમાં વેચી નાખ્યા હોવાનો ખુલાસો પણ થયો છે.

કાળાબજારીમાં ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સી સંડોવાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું છે. વડોદરાના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘે જણાવ્યું કે, રેમડેસિવિર ઇન્જેકશનના ઊંચા ભાવ લઈ કાળા બજારમાં વેંચતા હોવાની બાતમી ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી સુભાનપુરાના ઋષી જેધને નુતન વિદ્યાલય પાસેથી ઝડપી લીધો હતો. ત્યારે 17 ઇન્જેકશન મળી આવ્યા હતા.

તેની પુછપરછ કરતા વધુ વિગતો મળી હતી અને કલાલી રોડ પર શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આવેલા મેડીકલ સ્ટોરના કર્મચારી વિકાસ લક્ષ્મણ પટેલને પણ 12 ઇન્જેકશન સાથે ઝડપી લીધો હતો. આ બંને આરોપીઓની પુછપરછમાં આણંદના જયમન ફાર્મા મેડીકલ એજન્સીના જતીન પટેલ અને વિકાસના મિત્ર પ્રતિક નરેન્દ્ર પંચાલના નામો બહાર આવ્યા હતા. જેથી પોલીસે પ્રતિક પંચાલ અને તેના ભાગીદાર મનન શાહને 16 ઇન્જેકશન સાથે ઝડપી લીધો હતો.

આ બંને પાસેથી ઇન્જેકશનના વેચાણના રૂ.2 લાખ કબ્જે કરાયા છે અને કુલ 45 ઇન્જેકશન જપ્ત કર્યા હતા. વધુ આકરી પૂછપરછમાં આણંદના જતીન મહેશ પટેલનું નામ ખુલતા પોપીસે તેને પણ દબોચી 45 ઇન્જેકશન કબજે કર્યા હતા. 5 આરોપી મેડીકલ સ્ટોરના ફાર્માસિસ્ટ કે મેડીકલ એજન્સી ધરાવે છે. ઇન્જેકશનો એક બીજાનું કમિશન ચઢાવી વેચતા હતા. હાલ મળેલી વિગત મુજબ એક ઇન્જેકશનના 16 હજારથી માંડી 20 હજારમાં વેચતા હતા.

છેલ્લા દોઢેક માસમાં 400 જેટલા ઇન્જેકશન ઉંચા ભાવે વેચ્યા હતા. હાલ આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ અન્ય કોઈ સંડોવયેલુ છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

આરોપીઓ પોતાના કોન્ટેકટ મારફત કાળાબજારી કરતા
વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંઘએ જણાવ્યું કે, આરોપીઓ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શનો વેચતા હતા તેવું હાલની તપાસમાં સામે આવ્યું છે. કોઈ ડોક્ટરોની સંડોવણી હજુ સુધી બહાર આવી નથી. પહેલીવાર આટલી મોટી માત્રામાં ઇન્જેક્શન પકડાયા છે. આરોપીઓ પોતાના કોન્ટેક્ટ મારફતે તેઓ રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા હતા.

આરોપીઓ આ રીતે કાળાબજારી કરતા
આરોપી આણંદની સંતરામ સોસાયટીમાં રહેતો જતીન મહેશ પટેલ જયમન ફાર્મા નામની મેડીકલ એજન્સી ચલાવે છે અને તે આરોપી વિકાસને ઇન્જેકશન કાળા બજારમાં વેચતો હતો. આરોપી ઋષી પ્રદીપ જેધ (ઉં.વ.26, રહે, જય અંબે સોસા.ઇલોરાપાર્ક, વડોદરા) મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા વિકાસ પટેલ પાસેથી 13500માં ઈન્જેકશન ખરીદી 14 હજારમાં વેચતો હતો.

જ્યારે વિકાસ લક્ષ્મણ પટેલ (ઉ.વ. 35, રહે, સહજાનંદ ડુપ્લેક્ષ, કલાલી રોડ, અટલાદરા) આણંદની જયમન ફાર્મા નામની મેડીકલ એજન્સીના જતીન પટેલ પાસેથી ઇન્જેકશન લાવી કમિશન ચઢાવી વેચતો હતો. આ સિવાય પ્રતિક નરેન્દ્ર પંચાલ (ઉ.વ. 29, રહે, નિલનંદન કોમ્પલેક્ષ, ન્યુવીઆઇપી રોડ, વડોદરા) પણ મિત્ર વિકાસ પાસેથી ઇન્જેકશન લાવતો અને કમિશન ચઢાવીને વેચતો હતો.

જ્યારે મનન રાજેશ શાહ (ઉ.વ.34, રહે, સાકાર સ્પ્લેન્ડેરા, સમા સાવલી રોડ, વેમાલી, વડોદરા) આરોપી પ્રતિક પંચાલ અને મનન બંને ભાગીદારીમાં ધંધો કરતા હતા અને બંને વિકાસ પાસેથી ઇન્જેકશન લાવી કમિશન ચઢાવી વેચતા હતા.

કાળાબજારીમાં ખૂબ ઝડપથી ઈન્જેકશન વેંચતા બીજા 400 રેમડેસીવીર મંગાવ્યા’તા
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આરોપીઓ કોવિડ દર્દીઓના સગાની મજબૂરીનો લાભ લઈ રેમડેસીવીરના ઊંચા ભાવ વસુલતા હતા. લોકો મજબૂરી વશ થઈ ખરીદતા પણ હતા. કાળાબજારીમાં ટૂંકા સમયમાં જ આરોપીઓએ 400 ઈન્જેકશન બારોબાર વેચી નાખ્યા હતા

જેથી ઈન્જેકશન ઝડપથી વેંચતા હોવાના પગલે આરોપીઓએ વધુ 400 ઈન્જેકશન મંગાવ્યા હતા. જોકે તે પહેલાં જ પોલીસે તમામને દબોચી લીધા હતા. હાલ પોલીસની તપાસ ચાલુ છે પણ આ કૌભાંડમાં આણંદની સ્ટોર સંચાલક આયેશાની સંડોવણી ખૂલી છે. કૌભાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચે તેવી શક્યતા છે.


Related News

Loading...
Advertisement