નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘૂસીને જૂનાગઢનો શખ્સ IPLના મેચ પર સટ્ટો રમ્યો : પોલીસે દબોચી લીધો

30 April 2021 06:15 AM
Ahmedabad Crime Sports
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘૂસીને જૂનાગઢનો શખ્સ IPLના મેચ પર સટ્ટો રમ્યો : પોલીસે દબોચી લીધો

IBના PSIની મદદગારીથી સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો હોવાનો ખુલાસો થતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો : આરોપી પાર્થ કંસારા સ્ટેડિયમમાં બેસી ગોતાના નિતેશ લીંબચીયા અને રાજસ્થાનના છોટુ મારવાડીના કોન્ટેકમાં રહી ફોન પર ઓનલાઇન સટ્ટો રમતો હતો

અમદાવાદ, તા.29
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્તની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે. સ્ટેડિયમમાં જ બિન્દાસ્ત સટ્ટો રમતા જૂનાગઢના શખ્સને ડીસીપી સ્ક્વોડે ઝડપી પાડ્યો હતો. કોરોના મહામારીના કારણે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ છે

ત્યારે આ શખ્સ આઈબીના જ એક પીએસઆઈની કારમાં બેસી સ્ટેડિયમમાં આવ્યો હોવાનો ખુલાસો થતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. હાલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની મેચો રમાઈ રહી છે. અહીં મેચને લઈ ચાંદખેડા પોલીસ અને ઝોન 2 ડીસીપી સ્ક્વોડનો પોલીસ બંદોબસ્ત હોય છે. પોલીસે સ્ટેડિયમમાં ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સના પ્રવેશવાના દરવાજેથી પાર્થ કંસારા (રહે. રાયકાનગર, જૂનાગઢ)નામનો શખ્સ બે મોબાઈલ સાથે પકડાયો હતો.

બંને મોબાઈલ ચેક કરતાં ગોતાના નિતેશ લીંબચીયા અને છોટુ મારવાડી (રહે. રાજસ્થાન) ના કોન્ટેકમાં રહી ફોન પર ઓનલાઇન સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું. આરોપીની વિગતે પૂછપરછ કરતા આઈબીમાં ફરજ બજાવતાં પીએસઆઈની સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપીની પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે, પોતાના સાગરીત નિતેશ લીંબચીયા મારફતે આઈબીના પીએસઆઈ કિશન રાઓલનો સંપર્ક થયો હતો.

અગાઉ તા.26 એપ્રિલના રોજ પીએસઆઈની સરકારી ગાડીમાં બેસી સ્ટેડિયમમાં ગયા હતા. જ્યારે 27મી એપ્રિલે પણ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ થઈ અને સ્ટેડિયમમાં ગયા હતા. આ મામલે પીએસઆઈનો શુ રોલ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારત - ઇંગ્લેન્ડના ક્રિકેટ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ શખ્સ મજૂર બની સ્ટેડિયમ ઘુસી ગયા હતા અને સટ્ટો રમતા હતા. તેઓને પોલીસે દબોચી લીધા હતા.

PSI અને બુકીને બચાવવા ગાંધીનગરમાં રહેતા પોલીસકર્મીના ધમપછાડા
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પીએસઆઈ અને ઝડપાયેલા બુકીને બચાવવા માટે ગાંધીનગરમાં રહેતા અને અમદાવાદમાં નોકરી કરતા એક પોલીસકર્મીએ પ્રયાસ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એ જોવું રહ્યું કે પોલીસ તપાસ કેટલી ઊંડાણ પૂર્વક થાય છે.


Related News

Loading...
Advertisement