સૈન્યની ‘મેડીકલ ટીમ’ને ગુજરાતમાં ઉતારાઈ

01 May 2021 12:05 AM
Ahmedabad Gujarat
  • સૈન્યની ‘મેડીકલ ટીમ’ને ગુજરાતમાં ઉતારાઈ

57 સભ્યોની નેવીની મેડીકલ ટીમ ખાસ વિમાનમાં કલીકટથી આવી પહોંચી: ડીઆરડીઓ હોસ્પીટલમાં ફરજ

અમદાવાદ તા.30
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધુને વધુ વકરી રહ્યો છે ત્યારે સૈન્યની 57 સભ્યોની મેડીકલ ટીમને અમદાવાદમાં ઉતારવામાં આવી છે. ડીઆરડીઓ હોસ્પીટલમાં તૈનાત કરવામાં આવી છે.ગુજરાતમાં કોરોનાની હાલત કથળી રહી છે. હોસ્પીટલમાં બેડથી માંડીને ઓકસીજન તથા રેમડેસીવીર સહિત તમામ સુવિધાઓની અછત છે. લોકો ભટકી રહ્યા છે. કેન્દ્ર સરકારને ડીઆરડીઓ હોસ્પીટલની દરખાસ્ત કરવામાં આવી હતી તે મંજુર રાખીને ગણતરીના દિવસોમાં ઉભી કરી દેવામાં આવી છે. સૈન્યની મેડીકલ ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે.


માહિતગાર સાધનોએ જણાવ્યું છે કે નૌકાદળની 57 મેડીકલ સભ્યો સાથેની ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે. તેમાં ચાર તબીબો, 7 નર્સ, 26 પેરામેડીકલ સ્ટાફ તથા 20 સપોર્ટીંગ સ્ટાફનો સમાવેશ થાય છે. પીએમ કેર ફંડમાંથી ઉભી થયેલી ડીઆરડીઓ હોસ્પીટલમાં તેઓને ફરજ સોંપવામાં આવી છે. અત્યારના તબકકે બે મહિના માટે જવાબદારી આપવામાં આવી છે તે જરૂર પડયે લંબાવવામાં આવશે.


સૂત્રોએ કહ્યું કે સૈન્યની 25 મેડીકલ ટીમને કલીકટથી ખાસ વિમાનમાં અમદાવાદમાં મોકલવામાં આવી હતી. ઓકસીજન વગેરેની સપ્લાય માટે કેન્દ્ર સરકારે નેવી, વાયુદળ સહિતની સૈન્ય પાંખોની મદદ લેવાનું શરુ કરી જ દીધુ છે. હવે મેડીકલ ટીમોને પણ મદદ માટે ઉતારવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ દિવસથી સૈન્ય વડાઓ સાથે બેઠક કરી રહ્યા છે. કોરોના સંકટમાં ઘેરાયેલા દેશને સૈન્ય મદદ માટે રણનીતિ ઘડવાનો આશય લેવાનું સ્પષ્ટ છે. સૈન્યમાં મેડીકલ સ્ટાફ મોટી સંખ્યામાં છે. અત્યાર સુધી ઓકસીજન સપ્લાય માટે વાયુદળ-નૌકાદળને ઉતારવામાં આવ્યા હતા. હવે હોસ્પીટલ સહાય માટે પણ મેડીકલ સ્ટાફને ઉતારવાનું શરૂ કરવાના નિર્દેશ છે.


Related News

Loading...
Advertisement