આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પતિએ મોબાઇલ લેવાની ના પાડતાં પત્નીનો આપઘાત

01 May 2021 02:39 AM
Botad
  • આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પતિએ
મોબાઇલ લેવાની ના પાડતાં પત્નીનો આપઘાત

બોટાદના તુરખા ગામનો બનાવ : મોબાઇલ તૂટી ગયા બાદ પત્નીએ જીદ પકડતા બંને વચ્ચે ઝઘડો થયા બાદ પગલુ ભરી લીધુ : પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.30
બોટાદનાં તુરખા ગામે પરિણીતાએ મોબાઇલ લઇ આપવાની પતિ પાસે જીદ પકડી હતી. તેમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પતિએ મોબાઇલ પછી લઇ આપવાનું કહેતાં પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તેઓને સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. ત્યારે તેનું સારવારમાં મોત નિપજયું હતું. આ અંગે હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે કાગળો કરી કાર્યવાહી કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તુરખાગામના શીતલબેન વિજયભાઇ પરમાર (ઉ.વ.23) નામના પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા શીતલબેનનું સારવારમાં મોત નિપજયું હતું. શીતલબેનને સંતાનમાં બે દિકરી છે અને લગ્નને પાંચ વર્ષ થયા છે. પતિ સેન્ટીંગનું કામ કરે છે. માવતર હરીપર ગઢકા આવેલું છે. પરિવારનાં જણાવ્યા મુજબ શીતલબેનનો મોબાઇલ તૂટી ગયો હતો. પતિને કહેલ કે મને મોબાઇલ લઇ આપો જેથી પતિ વિજયભાઇએ કહ્યું કે હાલ કામ ધંધા બરાબર નથી ચાલતાં અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે જેથી તને મોબાઇલ પછી લઇ આપીશ તેથી જીદે ચડેલી પરિણીતાએ પતિ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઝેરી દવા પી લીધી હતી. તેમના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Loading...
Advertisement