તબીબ પુત્રના લગ્નમાં નિયમોની ઐસીતૈસી : કાલાવડ રોડના રીસોર્ટ માલિક-બંને પરિવાર સામે ગુન્હો

01 May 2021 05:08 AM
Rajkot Crime
  • તબીબ પુત્રના લગ્નમાં નિયમોની ઐસીતૈસી : કાલાવડ રોડના રીસોર્ટ માલિક-બંને પરિવાર સામે ગુન્હો

પાંચ દિવસ પુર્વે લગ્નમાં 100થી વધુ માણસો એકઠા થયા હતા : પોલીસને બાતમી મળતા સીસીટીવી ચેક કરીને કેસ દાખલ કર્યો : લગ્ન સમારોહમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા, અનેક લોકો માસ્ક વગર ફરતા હતા :કાલાવડ રોડ ઉપર આવેલા એક રીસોર્ટમાં લગ્ન સમારંભ યોજાયેલો, ક્રાઇમ બ્રાંચે વરરાજાના પિતા ડો.કે.કે. રાવલ, દુલ્હનના પિતા ભરત વ્યાસ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. 30 :
કોરોના મહામારી વચ્ચે યોજાતા લગ્ન પ્રસંગોમાં પ0 થી વધુ લોકોએ હાજરી નહીં આપવી તેવો સરકારે આદેશ કર્યો છે. જેને પગલે રાજયભરમાં યોજાતા લગ્ન પ્રસંગોમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકીંગ ચાલી રહયુ છે. રાજકોટમાં પણ લગ્ન પ્રસંગોમાં પોલીસ તપાસ કરી રહી છે ત્યારે રાજકોટમાં નિયમ લાગુ થયા બાદ પ્રથમ વખત પ0 થી વધુ લોકો લગ્નમાં હાજર હોવાનો ખુલાસો થતા ગુનો દાખલ થયો છે.

કોરોના કાળમાં ખુદ એક તબીબના પુત્રના લગ્ન પ્રસંગમાં જ નીયમોનો ઉલાળીઓ થતા અને ડોકટર સામે ગુનો નોંધાતા ચકચાર મચી છે. આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દીયોરા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે. ગઢવી દ્વારા પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. જેમાં અપાયેલી માહીતી મુજબ સરકારે માર્ગદર્શીકા જાહેર કરી કોરોના મહામારી ફેલાતી અટકાવવા માટે લગ્ન પ્રસંગમાં ફકત 50 વ્યકિતઓને જ મંજુરી મેળવી હાજર રહેવા માટે આદેશ કરાયો છે. ઉપરાંત આ માર્ગદર્શિકા મુજબ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરાયુ છે.

જેનુ ચુસ્તપણે પાલન કરાવવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાંચને હાલમાં લગ્નગાળો ચાલુ હોવાથી શહેરમાં આવેલા મેરેજ હોલ,કોમ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટ, હોટલો, જ્ઞાતી-સમાજની વાડીઓ અને જયા લગ્ન પ્રસંગ યોજાતા હોય ત્યા સઘન ચેકીંગ કરવા સુચના આપી હતી. અને પાલન નહીં કરનાર વીરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કહયુ હોય તેથી એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે. જાડેજા અને તેની ટીમનો સ્ટાફ ફરજ પર હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાલાવડ રોડ પર આવેલા એક રીસોર્ટમાં ગઇ

તા.25 એપ્રીલ 2021 ના રોજ જાણીતા ગ્રેસ્ટોએન્ટ્રોલોજીસ્ટ (પેટના રોગના નિષ્ણાંત) ડો. કે.કે. રાવલના પુત્રના લગ્ન યોજાયા હતા. જે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો એકઠા થયા હતા તેમજ હાજર લોકોએ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કર્યુ નહોતુ. હકીકતના આધારે પીએસઆઇ શ્રી જાડેજાએ પોતાની ટીમ સાથે રીસોર્ટ ખાતે પહોંચી તા. 25 એપ્રીલના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. જેમાં મળેલી બાતમી સાચી ઠરી હતી. સીસીટીવીના ફુટેજ જોતા લગ્નપ્રસંગમાં 100 થી વધુ માણસો જોવા મળ્યા હતા. અને ફુટેજમાં જોવા મળતા અમુક લોકોએ માસ્ક પણ પહેર્યુ નહોતુ. તેમજ સોશ્યલ ડીસ્ટન્સના નીયમનું ઉલ્લંઘન પણ કરાયુ હતુ.

જેથી પોલીસે વરરાજાના પિતા ડો. કે.કે. રાવલ, દુલ્હનના પિતા ભરતભાઇ ચંદુભાઇ વ્યાસ, રીસોર્ટના માલીક અને રીર્સોટના મેનેજર સામે જાહેરનામા ભંગ બદલ ફરીયાદ દાખલ કરી આઇપીસી કલમ 269, 188 અને જીપી એકટ કલમ 135 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ 51 (બી) મુજબ ગુનો દાખલ કરી ડોકટર સહીત ત્રણ લોકોની અટકાયત કરી હતી. હાલ કોરોના મહામારી વચ્ચે ખુદ તબીબો જ નીયમોનું પાલન કરવા અનેક વખત અપીલ કરતા જોવા મળ્યા છે. ત્યારે એક ડોકટરે જ પોતાના પુત્રના લગ્નમાં લોકોના આરોગ્યની પરવાહ કર્યા વગર જે રીતે જમાવડો કર્યો તેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. પોલીસની તપાસમાં જણવા મળ્યું હતું કે જાન મોરબી ખાતેથી આવી હતી. કેટલા લોકો હાજર હતા તેનો સાચો આંકડો મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન આયોજન અંગેનું રજીસ્ટ્રેશન પણ કરાયું નહોતું
પોલીસે જણાવ્યા મુજબ ડો. કે.કે. રાવલના પુત્રના લગ્ન પ્રસંગનો સમારંભ તા.24 અને 25 ના રોજ યોજાયો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ પોર્ટલ ઉપર લગ્નના આયોજન અંગેની નોંધણી કરાવવાની હોય છે. પરંતુ ડો. કે.કે. રાવલે પોતાના પુત્રના લગ્ન સમારંભ અંગે ઓનલાઇન નોંધણી પણ કરાવી નહોતી.

કેટરીંગ સર્વિસ આપનારની પણ પુછપરછ થશે
પોલીસના જણાવ્યા મુજબ ડો.કે.કે. રાવલના પુત્રના લગ્ન પ્રસંગે કેટલા લોકોનો ભોજન સમારંભ યોજાયો હતો તે અંગે જાણકારી મેળવવા કેટરીંગ સર્વિસ આપનારની પણ પુછપરછ થશે અને મંડપની વ્યવસ્થા કરનારની પણ પુછપરછ કરવામાં આવશે જેથી કેટલા લોકોની હાજરી હતી તેનો સાચો આંકડો જાણી શકાશે.

હોટલ સંચાલકો પોલીસને જાણ કરે
પોલીસે હોટલ, રીસોર્ટ, મેરેજ હોલ અને જયાં લગ્ન પ્રસંગો યોજાતા હોય તેઓના સંચાલકોને અપીલ કરી હતી કે તેઓ લગ્નની નોંધણી અંગે પુષ્ટી કરે અને જો પ્રસંગમાં 50 થી વધુ લોકો હોય તો પોલીસને જાણ કરી સહકાર આપે.

350 લગ્નોમાં પોલીસનું ચેકિંગ
ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર સરકારની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન માટે પોલીસ ચેકીંગ કરી રહી છે. તા.24 થી લગ્ન ગાળાની સિઝન શરુ થઇ ત્યારથી આજ સુધીમાં સરકારના પોર્ટલ ઉપર નોંધણી થયેલા 350 જેટલા પ્રસંગોમાં રાજકોટ પોલીસે સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ છે. અને હજુ પણ આ કામગીરી ચાલુ છે.


Related News

Loading...
Advertisement