શેરબજારમાં આક્રમક વેચવાલી : સેન્સેકસ 1000 પોઈન્ટ ગગડયો

01 May 2021 05:13 AM
Business India
  • શેરબજારમાં આક્રમક વેચવાલી : સેન્સેકસ 1000 પોઈન્ટ ગગડયો

કોરોના તથા રવિવારના ચૂંટણી પરિણામો!

રાજકોટ તા.30
મુંબઈ શેરબજારમાં આજે ટ્રેન્ડ બદલાયો હતો અને આક્રમણકારી વેચવાલીનો મારો નીકળતા સેન્સેકસમાં 1000 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો. શેરબજાર હવે કોરોના તથા તેની આર્થિક અસરને ગંભીર ગણવા લાગ્યુ હોય તેમ આજે મોટા પ્રમાણમાં માલ ફુંકાયો હતો. વિદેશી સંસ્થાઓ ઉપરાંત લોકલ ઓપરેટરો પણ વેચવાલ બન્યા હતા. કોરોના કાબુમાં આવતો નથી. હજુ વકરવાની ચેતવણી છે.

તેને નિયંત્રણમાં લેવા સરકારને લોકડાઉન જેવા આકરા પગલા લીધા સિવાય કોઈ છુટકો નથી તેવી અટકળો વ્યક્ત થવા લાગી હતી. કેન્દ્રીય કેબીનેટની બેઠક પર પણ મીટ હતી. આ સિવાય વિક એન્ડની રજા છે. રવિવારે પાંચ રાજયોના ચૂંટણી પરિણામો છે તેની પણ માર્કેટ પર અસર આવી શકે તેવી આશંકાની એકવર્ગ સાવધાની રાખીને વેપારમાંથી હળવો થવા લાગ્યો હતો. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવા સપ્તાહમાં કોરોનાની હાલત તથા ચૂંટણી પરિણામોની મોટી અસર શકય છે.

આ સિવાય રીલાયન્સ જેવી કંપનીઓના પરિણામો છે તેની પણ અસર આવી શકે છે. નવુ સપ્તાહ ઉથલપાથલભર્યો ટ્રેન્ડ સૂચવી શકે છે. શેરબજારમાં આજે મંદીનું મોજુ છતાં કેટલાંક પસંદગીના શેરોમાં ઉછાળો હતો. ડીવીઝ લેબ, કોલ ઈન્ડીયા, ઓએનજીસી ગ્રાસીમ, રીલાયન્સ, પાવર, આરકોમ, ટાટા મેટાલીક, સનફાર્મામાં સુધારો હતો. એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ટીસ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દ લીવર, મારૂતી, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ બજાજ ફાઈનાન્સ ગગડયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 780 પોઈન્ટના ઘટાડાથી 48765 હતો તે ઉંચામાં 49569 તથા નીચામાં 48921 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 203 પોઈન્ટ ગગડીને 203 પોઈન્ટના ઘટાડાથી 14691 હતો.


Related News

Loading...
Advertisement