શરમ કરો, પ્રજાને હજુ કેટલી મુર્ખ બનાવશો ?

01 May 2021 05:13 PM
Rajkot Gujarat
  • શરમ કરો, પ્રજાને હજુ કેટલી મુર્ખ બનાવશો ?
  • શરમ કરો, પ્રજાને હજુ કેટલી મુર્ખ બનાવશો ?
  • શરમ કરો, પ્રજાને હજુ કેટલી મુર્ખ બનાવશો ?
  • શરમ કરો, પ્રજાને હજુ કેટલી મુર્ખ બનાવશો ?
  • શરમ કરો, પ્રજાને હજુ કેટલી મુર્ખ બનાવશો ?

મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા, નીયો રાજકોટ ફાઉન્ડેશનમાં લાખો રૂપિયા આપનાર દાતાઓનું અનુદાન ‘પાણી’માં:લોકો એક-એક વેન્ટીલેટર - બેડ માટે વલખાં મારીને મોતને ભેટી રહ્યા છે’ને સિવિલમાં 150થી વધુ ધમણ-1 વેન્ટીલેટર ધૂળ ખાઈ રહ્યા છે ! *આ અગાઉ રાજયની અનેક હોસ્પિટલમાં અગ્નિકાંડમાં ધમણના કારણે આગ લાગી હોવાનો આરોપ લાગી ચુકેલ છે, અમદાવાદમાં પણ સરકારી હોસ્પિટલમાં આ જ રીતે ધમણ ન વપરાતા નજરે પડયા હતા. આ તમામ બાબત છતાં કંપની પાસેથી કોઇ પુછપરછ નહીં *‘અપગ્રેટેડ’ ધમણ-3 વેન્ટીલેટર હોવાથી ધમણ-1ને વાપરતાં નહીં હોવાનો અને ધમણ-1ની જરૂર પડે તો જ ઉપયોગમાં લેવાતું હોવાનો સિવિલ સુપ્રિ.નો જવાબ: અત્યારે વેન્ટીલેટરની સૌથી વધુ જરૂર છે છતાં શા માટે ઉપયોગ નથી કરાતો ?

રાજકોટ, તા.1
રાજકોટમાં અત્યારે કોરોના બેફામ બની ગયો છે લોકો બેડ અને તેમાં પણ ખાસ કરીને વેન્ટીલેટર બેડ માટે વલખાં મારી રહ્યા છે ત્યારે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર માટે ‘ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા’ જેવી ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના સૌથી વધુ કોરોના દર્દીઓ જ્યાં દાખલ છે અને મોટી સંખ્યામાં લોકો દાખલ થવા માટે લાઈનમાં ઉભેલા છે તે સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં 150થી વધુ ધમણ-1 વેન્ટીલેટર ધૂળ ખાઈ રહ્યા હોવાનો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતનાએ પર્દાફાશ કર્યો છે.


આજે મેડિકલ કોલેજમાં જઈને ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ મનિષાબા વાળા સહિતનાએ ચેકિંગ કરતાં લોબીમાં 150થી વધુ ધમણ-1 વેન્ટીલેટર ધૂળ ખાઈ રહેલા જોવા મળ્યા હતા. આ પછી તેમણે સિવિલ સુપ્રિ. અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે અને તેને અટકાવવા માટે સરકાર અને આરોગ્ય તંત્ર વામણું પૂરવાર થઈ રહ્યું છે અને આ જ કારણથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. દર્દીઓને અત્યારે પૂરતી માત્રામાં ઑક્સિજન મળતો નથી. દવાઓ મળતી નથી, ઈન્જેક્શન મળી રહ્યા નથી તેવા સંજોગોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 150 જેટલા વેન્ટીલેટર આરોગ્ય તંત્રની લાપરવાહી અને અણ આવડતના કારણે સિવિલની મેડિકલ કોલેજની લોબીમાં ધૂળ ખાતાં પડ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટના દર્દીઓને પૂરતી માત્રામાં વેન્ટીલેટર સાથેના બેડની મોટી અછત છે ત્યારે સરકાર, આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે રાજકોટની જનતા સુવિધાઓ હોવા છતાં હાડમારીનો સામનો કરી રહી છે.

વેન્ટીલેટર હોસ્પિટલની અંદર જ પડ્યા છે છતાં શા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી તેનો જવાબ તંત્રએ જનતાને આપવો જોઈએ. શું મશીનમાં ખામી છે ? શું સિવિલ હોસ્પિટલ પાસે વેન્ટીલેટર ઈન્સ્ટોલ કરવા માટે સ્ટાફ નથી ? શું આ વેન્ટીલેટર દર્દી પર કોઈ કામનું નથી ? તે સહિતના સવાલો જાણવા અત્યંત જરૂરી બની જાય તેમ છે.

બીજી બાજુ આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધમણ-1 વેન્ટીલેટર વણવપરાયેલા પડ્યા હોવાની વાત પાયાવિહોણી છે. સિવિલ હોસ્પિટલને કોરોનાના પ્રથમ વેવમાં ધમણ-1 વેન્ટીલેટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા જેના થકી ઑક્સિજનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી પરંતુ હવે તેનું એડવાન્સ વર્ઝન ધમણ-3 ઉપલબ્ધ બનતાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. એવું નથી કે ધમણ-1 કોઈ ઉપયોગમાં જ નથી લેવાતું પરંતુ તેને જરૂર હોય તેવા દર્દી માટે જ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આઈસીયુમાં બાયપેપ દ્વારા કરાતી સારવારમાં નવા વેન્ટીલેટર કારગત નિવડે છે. જ્યારે જૂના ધમણ વેન્ટીલેટર બાયપેપ પ્રકારની સારવારની જર ન હોય તેવા દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. અત્યારે સિવિલ પાસે પૂરતી માત્રામાં આઈસીયુમાં વેન્ટીલેટર બેડ તેમજ બાયપેપ હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

મુખ્યમંત્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તે ‘ધમણ’ વિશે કોઈ કહે છે બાયપેપ છે, કોઈ કહે છે વેન્ટીલેટર છે ? કોઈને કશી સમજણ જ નથી !
વેન્ટીલેટર હોય કે બાયપેપ હોય પણ અત્યારે તે ધૂળ ખાઈ રહ્યા છે તે વરવી વાસ્તવિકતા
રાજકોટ, તા.1મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે રાજકોટની જ્યોતિ સીએનસી દ્વારા બનાવવામાં આવેલા ‘ધમણ’ આખરે શું છે તેનો ફોડ અત્યાર સુધી કોઈ પાડી શક્યું નથી ! જ્યારથી ‘ધમણ’નો ઉપયોગ શરૂ કરાયો છે ત્યારથી લઈ આજ સુધી તેના વિશે કોઈ કહે છે કે તે માત્ર બાયપેપ જ છે, વેન્ટીલેટર નથી તો વળી કોઈ કહે છે કે તે વેન્ટીલેટર જ છે...! ખેર, ‘ધમણ’ જે હોય તે પરંતુ તે દર્દીઓ ઉપર કારગત નિવડી રહ્યાનો સિવિલ હોસ્પિટલ અને સરકાર દ્વારા એકરાર કરાઈ ગયો હોવા છતાં મેડિકલ કોલેજમાં આટલી સંખ્યામાં ધમણ-1 શા માટે ધૂળ ખાઈ રહ્યા છે તેનો જવાબ કોઈ જ આપી શક્યું નથી. તંત્ર દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે અત્યારે અપડેટેડ વર્ઝન હોવાને કારણે ધમણ-1ને અનામત રાખી મુકવામાં આવ્યા છે ત્યારે શું ધમણ-1 અત્યારે કોઈ દર્દી ઉપર કામ આવે તેવા રહ્યા જ નથી ?

 

અત્યારે ધમણ-3 ઉપર કેટલા દર્દી દાખલ છે, ધમણ-1થી કેટલા દર્દીની સારવાર થઈ ? સિવિલ સુપ્રિ.એ કહ્યું..હમ્મમ્...!
સિવિલ હોસ્પિટલના સુપ્રિ. ડો.આર.એસ.ત્રિવેદીને પૂછવામાં આવ્યું કે અત્યારે હોસ્પિટલ પાસે ધમણ-3 પ્રકારના કેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે અને તેના પર અત્યારે કેટલા દર્દીઓ દાખલ છે તેમજ ધમણ-1થી કેટલા દર્દીની સારવાર થઈ છે તેવો સવાલ પૂછાતાં જ તેમણે હમ્મમ્...! કહીને જવાબ આપવાનું ટાળીને ચાલતી પકડી લીધી હતી. એકંદરે તેમને જ ધમણ-1 વિશે કશી ખબર નહીં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત તેમણે એવી કબૂલાત પણ કરી હતી કે ધમણ-1નો ઉપયોગ બંધ નથી કરાયો ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે તો પછી શા માટે આટઆટલા દર્દીઓને વેન્ટીલેટર બેડ માટે રઝળપાટ કરવી પડે છે. આ વાતનો તો એક જ મતલબ નીકળે કે સિવિલ પાસે વેન્ટીલેટર તો છે પરંતુ બેડની જ અછત છે.

ધમણ-1, ધમણ-3 હોવા છતાં સરકારે ‘બેલ’ કંપનીના 100 વેન્ટીલેટર શા માટે મંગાવવા પડ્યા ?
સિવિલ હોસ્પિટલ પાસે ધમણ-1 વેન્ટીલેટર ઉપલબ્ધ હતા અને હવે તેનું અપડેટેડ વર્ઝન ધમણ-3 પણ આવી ગયું છે અને તે પૂરતું કારગત નિવડતું હોવાનો તંત્ર દ્વારા લેખિત એકરાર કરાયો છે ત્યારે તાજેતરમાં જ રાજકોટ સિવિલ સહિતની કોવિડ હોસ્પિટલોમાં ‘બેલ’ કંપનીના 100 વેન્ટીલેટર આવી પહોંચ્યા હતા અને અમદાવાદથી આવેલા એન્જિનિયરો દ્વારા યુદ્ધના ધોરણે તેને ઈન્સ્ટોલ કરવામાં આવ્યા હતા ત્યારે ધમણ-1 અને ધમણ-3 પૂરતી સંખ્યામાં હોવા છતાં સરકારે શા માટે બેલ કંપનીના વેન્ટીલેટર મંગાવવા પડ્યા તે પણ મોટો સવાલ છે.

આટલા સવાલના જવાબ અત્યંત જરૂરી

(1) શું અત્યાર સુધી ધમણ-1થી કોઈ દર્દીનો જીવ બચાવી શકાય તેમ જ નહોતું ?
(2) સિવિલ પાસે ધમણ-3 આવી ગયું એટલે તુરંત જ ધમણ-1નો ઉપયોગ બંધ કરી દેવાયો શા માટે ? જો એવું નથી તો પછી શા માટે તેના ઉપર આટલી ધૂળ ચડી ગઈ છે ?
(3) ધમણ-1માં કોઈ ખામી છે કે કેમ ?
(4) દરેક દર્દીને બાયપેપ સારવારની જરૂર નથી હોતી ત્યારે શા માટે તેને ધમણ-1 ઉપર ન રખાયા ?
(5) મેડિકલ કોલેજની લોબીમાં પડેલા ધમણ-1ની હાલત જોતાં તે લાંબા સમયથી ત્યાં જ પડ્યા હોવાનું લાગી રહ્યું છે ત્યારે શું એક પણ દર્દી એવું આવ્યું જ નથી કે તેના પર આ વેન્ટીલેટર ઉપયોગી બની શકે ?
(6) આ વેન્ટીલેટર કેટલા સમયથી મેડિકલ કોલેજમાં જ પડ્યા છે ?
(7) અત્યારે સિવિલ પાસે ધમણ-3ના કેટલા અને ધમણ-1ના કેટલા વેન્ટીલેટર છે ?
(8) સિવિલમાં અત્યારે વેન્ટીલેટર બેડ કેટલા ઉપલબ્ધ છે ? કેટલા બેડ ઉપર ધમણ-3 અને કેટલા બેડ ઉપર ધમણ-1નો ઉપયોગ થાય છે ?
(9) શું ધમણ-1 વેન્ટીલેટરથી બેડ ઉભાં કરી શકાય તેમ નથી ?
(10) ધમણ-1 વેન્ટીલેટરને મેડિકલ કોલેજની લોબીમાં રાખ્યા હોવાની તંત્રને જાણ છે ?
(11) તંત્ર સ્પષ્ટ કહે છે કે અત્યાર સુધી સિવિલમાં ધમણ-1થી જ ઑક્સિજનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી ત્યારે આટલી સંખ્યામાં એક જ જગ્યા પર ધમણ-1 શા માટે પડ્યા રહ્યા ?


Related News

Loading...
Advertisement