બટલર સામે હૈદરાબાદ, ધવન સામે પંજાબ ધ્વસ્ત: રાજસ્થાન-દિલ્હીનો શાનદાર વિજય

03 May 2021 10:49 AM
Sports
  • બટલર સામે હૈદરાબાદ, ધવન સામે પંજાબ ધ્વસ્ત: રાજસ્થાન-દિલ્હીનો શાનદાર વિજય

પંજાબને હરાવી દિલ્હી પોઈન્ટ ટેબલમાં નંબર વન: હૈદરાબાદ સામે બટલરની ધમાકેદાર સદી: પંજાબ-હૈદરાબાદ માટે હવે આગળનો માર્ગ કઠિન

નવીદિલ્હી-અમદાવાદ, તા.3
આઈપીએલમાં રમાયેલા ડબલ હેડર મુકાબલા ‘એકતરફી’ રહ્યા હોય તેમ એક મેચમાં પ્રથમ દાવ લેનારી અને બીજા મેચમાં બીજો દાવ લેનારી ટીમ વિજેતા બની છે. દિલ્હીમાં રમાયેલા રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચેના મેચમાં રાજસ્થાને 55 રને જીત મેળવી છે તો અમદાવાદમાં રમાયેલા દિલ્હી-પંજાબ વચ્ચેના મેચમાં દિલ્હીએ સાત વિકેટે જીત મેળવી પોઈન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે.
હૈદરાબાદ સામેના મેચમાં જોશ બટલર (124 રન)ની ટી-20 કરિયરની પ્રથમ સદી બાદ ક્રિસ મોરિસ અને મુસ્તાફિઝુર રહેમાનની શાનદાર બોલિંગ (ત્રણ-ત્રણ વિકેટ)ના દમ પર રાજસ્થાને હૈદરાબાદને 55 રને કચડી નાખ્યું હતું. રાજસ્થાને પહેલાં બેટિંગ કરતાં ત્રણ વિકેટે 220 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ આઠ વિકેટે 165 રન જ બનાવી શકી હતી. તેના માટે સૌથી વધુ 31 રન મનિષ પાંડેએ બનાવ્યા હતા.


આ પહેલાં બટલરે કેપ્ટન સંજુ સેમસન (48 રન) સાથે બીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી કરીને મેચ પર રાજસ્થાનની પકડ મજબૂત બનાવી દીધી હતી. બટલરે 64 બોલમાં આઠ છગ્ગા અને 11 ચોગ્ગા ફટકારી હાલના આઈપીએલમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈનિંગ રમી હતી. નવા કેપ્ટન કેન વિલિયમસને નવી રણનીતિ હેઠળ રાશિદને પાવરપ્લેમાં ત્રીજી ઓવરમાં જ બોલિંગ આપી હતી અને રાશિદે આ નિર્ણયને સાચો ઠેરવતાં યશસ્વી (12 રન)ને આઉટ પણ કર્યો હતો. સેમસને ક્રિઝ પર પગ મુકતાંની સાથે જ ખલીલના બોલ પર છગ્ગો લગાવ્યો હતો. ત્યારબાદ બટલર સાથે શાનદાર ભાગીદારી કરીનેટીમને મોટો સ્કોર અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બટલરને રાશિદની આગલી ઓવરમાં જીવનદાન મળ્યું જ્યારે લોંગ ઓન પર વિજય શંકરે તેનો કેચ મુકી દીધો હતો. આ પછી 10મી ઓવરમાં સંદીપ શર્માના બોલ પર મનિષ પાંડેએ સેમસનનો કેચ છોડ્યો હતો.


જ્યારે દિલ્હી-પંજાબ વચ્ચેના મેચમાં કેગિસો રબાડાની વેધક બોલિંગ (3 રન ત્રણ વિકેટ) બાદ શિખર ધવનની અણનમ અર્ધસદી (69 રન)ની મદદથી દિલ્હીએ પંજાબને સાત વિકેટે હરાવ્યું હતું. પંજાબના કે.એ.લ.રાહુલની અનુપસ્થિતિમાં ટીમની કમાન સંભાળી રહેલા મયંક અગ્રવાલની અણનમ 99 રનની લાજવાબ ઈનિંગથી છ વિકેટે 166 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ સરળતાથી 17.4 ઓવરમાં ત્રણ વિકેટે 167 રન બનાવીને મેચ જીતી લીધો હતો. શિખર ઉપરાંત દિલ્હી વતી પૃથ્વી શોએ 39 રન બનાવ્યા હતા. પંજાબ માટે રિલે મેરેડિથ, ક્રિસ જોર્ડન અને હરપ્રીત બરારે એક-એક વિકેટ મેળવી હતી. આ પહેલાં પંજાબની ઈનિંગમાં અગ્રવાલે પ્રારંભથક્ષ જ એક છેડો સાચવી 58 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા. તેણે સદી પૂરી કરવા માટે ઈનિંગના છેલ્લા બોલે છગ્ગાની જરૂર હતી પરંતુ તે ચોગ્ગો જ લગાવી શક્યો હતો.

 


Related News

Loading...
Advertisement