IPLમાં કોરોનાની એન્ટ્રી: KKRના બે ખેલાડી અને CSK સપોર્ટ સ્ટાફના ત્રણ લોકો કોરોનાગ્રસ્ત: આજનો મેચ રદ્દ

03 May 2021 03:59 PM
Sports
  • IPLમાં કોરોનાની એન્ટ્રી: KKRના બે ખેલાડી અને CSK સપોર્ટ સ્ટાફના ત્રણ લોકો કોરોનાગ્રસ્ત: આજનો મેચ રદ્દ
  • IPLમાં કોરોનાની એન્ટ્રી: KKRના બે ખેલાડી અને CSK સપોર્ટ સ્ટાફના ત્રણ લોકો કોરોનાગ્રસ્ત: આજનો મેચ રદ્દ
  • IPLમાં કોરોનાની એન્ટ્રી: KKRના બે ખેલાડી અને CSK સપોર્ટ સ્ટાફના ત્રણ લોકો કોરોનાગ્રસ્ત: આજનો મેચ રદ્દ
  • IPLમાં કોરોનાની એન્ટ્રી: KKRના બે ખેલાડી અને CSK સપોર્ટ સ્ટાફના ત્રણ લોકો કોરોનાગ્રસ્ત: આજનો મેચ રદ્દ

◾દિલ્હીમાં રમાનારા તમામ મુકાબલા 8 મે સુધી સ્થગિત: ચેન્નાઈના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી, સીઈઓ કાશી વિશ્ર્વનાથન અને બસ ડ્રાઈવરને કોરોના થતાં દોડધામ ◾દિલ્હી ક્રિકેટ એસો.ના પાંચ કર્મચારીઓને પણ કોરોના:વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરને કોરોના થઈ જતાં સારવાર હેઠળ: ◾આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં મેચ રમાય તે પહેલાં જ કોરોના ધૂણતાં બેંગ્લોર અને કોલકત્તા ટીમના ખેલાડીઓમાં ફફડાટ ◾વરુણના ખભાનું સ્કેનિંગ કરાવવા બાયો-બબલ છોડીને બહાર જવું ભારે પડ્યું: બન્ને ખેલાડીઓ કોલકત્તાની ટીમ મિટિંગ અને ડગઆઉટમાં પણ સાથે રહ્યા હોય અન્ય પ્લેયર્સના ધડાધડ ટેસ્ટીંગ શરૂ

અમદાવાદ, તા.3

ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની 14મી સીઝનનું આયોજન ભારતમાં કોરોના વાયરસ મહામારી વચ્ચે થયું છે. બાયો-બબલ (ખેલાડીઓ માટે કોરોનાથી સુરક્ષિત માહોલ)માં આ ટૂર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. પ્રારંભે કોરોનાના અમુક કેસ મળ્યા પણ હતા પરંતુ ટૂર્નામેન્ટ ઉપર તેની કોઈ અસર નહોતી પડી પરંતુ હવે આઈપીએલ-2021 ઉપર કોરોના મંડરાવા લાગ્યો છે અને અમદાવાદમાં રોકાયેલી કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓને કોરોના હોવાનું ખુલતાં દોડધામ થઈ જવા પામી છે. આ જ કારણથી આજે મોદી સ્ટેડિયમમાં રમાનારા કોલકત્તા-બેંગ્લોર વચ્ચેના મેચને પણ રદ્દ કરી નાખવામાં આવ્યો છે.

દરમિયાન આજે દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ સ્ટાફના પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમના બે સ્ટાફ મેમ્બર પણ કોરોના પોઝિટીવ આવતાં દિલ્હીમાં આઈપીએલના મેચ આઠ મે સુધી ટાળી દેવામાં આવ્યા છે. ચેન્નાઈ સુપરકિંગ્સના સીઈઓ કાશી વિશ્ર્વનાથન, બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બસ ડ્રાઈવરને કોરોના પોઝિટીવ આવતાં તે તમામને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે અને ટીમ ચેન્નાઈએ પ્રેક્ટિસ કેન્સલ કરી દીધી છે.

કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમમાં સામેલ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરને કોરોના થયો હોવાનું નિદાન થતાં ખેલાડીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરને નિયમ પ્રમાણે આઈપીએલના બાયો-બબલમાં જ રાખવામાં આવ્યા હતા પરંતુ વરુણને તાજેતરમાં જ ખભામાં ઈજા થતાં તેના સ્કેનિંગ માટે બહાર જવું પડે તેમ હોવાથી તેણે બાયો-બબલ તોડ્યું હતું અને બહાર ગયો હતો. તે બહાર ગયા બાદ કોઈના સંપર્કમાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. જો કે સંદીપ વોરિયર્સને ચેપ ક્યાંથી લાગ્યો તેની હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી. વરુણ બહારથી આવ્યા બાદ ફરી બબલમાં ચાલ્યો ગયો હતો. આ પછી પોઝિટીવ આવેલા બન્ને ખેલાડીઓ કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ મિટિંગ ઉપરાંત ખેલાડીઓના ડગઆઉટમાં પણ સામેલ હોવાથી અન્ય ખેલાડીઓને પણ ચેપ લાગ્યો છે કેમ તે જાણવા માટે ધડાધડ ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કલકત્તાના બે ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવતાં બેંગ્લોરના ખેલાડીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે અને તેઓ પણ આજનો મેચ રમવાથી ગભરાઈ રહ્યા હોય અંતે ક્રિકેટ બોર્ડ મેચને સ્થગિત કરી દીધો છે.

કોરોના પોઝિટીવ આવેલા વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરને ટીમથી અલગ કરીને આઈસોલેટ કરી દેવામાં આવ્યા હોવાનું અને હાલ તેમની તબિયત ઠીક હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

પેટ કમિન્સ પણ કોરોનાગ્રસ્ત ? સતત બગડી રહેલી તબિયત

કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડી વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોનાગ્રસ્ત થયા બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હોવાથી તેને અલગ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે કમિન્સની તબિયત પણ સતત બગડી રહી હોવાથી ક્રિકેટ બોર્ડ અને ટીમ કોલકત્તાની ચિંતામાં બમણો વધારો થયો છે.

 

ટૂર્નામેન્ટ રમાશે કે કેમ ? આઈપીએલ ઉપર ઘેરાવા લાગ્યા શંકાના વાદળો

અડધી ટૂર્નામેન્ટ વિનાવિઘ્ને સંપન્ન થયા બાદ હવે કોરોનાના કેસ મળી આવતાં આઈપીએલના આગળના આયોજન ઉપર શંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે. લાંબી ચર્ચાઓ, મેરેથોન બેઠકો યોજ્યા બાદ અંતે ટૂર્નામેન્ટને યુએઈની જગ્યાએ ભારતમાં જ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યાર સુધીમાં ટૂર્નામેન્ટ સાંગોપાંગ રીતે રમાઈ પણ હતી પરંતુ હવે કેસ મળવાનું શરૂ થઈ જતાં ખેલાડીઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો હોય હવે ટૂર્નામેન્ટ આગળ કેવી રીતે રમાડવી તેનું પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટૂર્નામેન્ટ રમાઈ હતી ત્યારે કોરોનાનો એક પણ કેસ મળ્યો નહોતો જેને ધ્યાનમાં રાખીને જ આ વર્ષે પણ ટૂર્નામેન્ટ ત્યાં રમાડાશે તેવી સંભાવના હતી પરંતુ ફ્રેન્ચાઈઝીઓ ભારતમાં જ ટૂર્નામેન્ટ રમાડવા ઈચ્છુક હોય ક્રિકેટ બોર્ડે ભારતમાં જ આઈપીએલનું આયોજન કર્યું હતું. બીજી બાજુ કડક બાયો-બબલ છતાં કોરોનાના કેસ મળી આવવા ચિંતાનો વિષય હોય હવે આગામી સમયમાં શું પગલાં લેવાય છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.

 

કોલકત્તાની ટીમને અડધી રાત્રે જગાડી ટેસ્ટ કરાયા

સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદમાં રોકાયેલી કોલકત્તાની ટીમને અડધી રાત્રે જગાડીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટીંગ કર્યા બાદ જ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરને કોરોના હોવાનું ખુલ્યું છે. અચાનક જ ટેસ્ટીંગ કરવાનું શરૂ કરવામાં આવતાં કોલકત્તાની સાથે સાથે બેંગ્લોરની ટીમના ખેલાડીઓ પણ ગભરાઈ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 

વિદેશી ખેલાડીઓમાં જબરો ફફડાટ: અનેક બેગ પેક કરવાની તૈયારીમાં ?

કોરોનાને કારણે અત્યાર સુધીમાં પાંચથી વધુ ખેલાડીઓ આઈપીએલ છોડીને પોતપોતાના દેશ જવા રવાના થઈ ગયા છે ત્યારે હવે બાયો-બબલની અંદર કોરોનાના કેસ મળી આવતાં અહીં રોકાયેલા વિદેશી ખેલાડીઓમાં જબરો ફફડાટ ફેલાઈ ગયો છે અને આ જ કારણથી અમુક ખેલાડીઓ બેગ પેક કરીને પરત ફરવા મથામણ કરવા લાગ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement