રાજકોટમાં કોરોના બાદ ‘મ્યુકર માઈકોસીસ’નો રાફડો: કેસમાં સતત વધારો

03 May 2021 05:21 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં કોરોના બાદ ‘મ્યુકર માઈકોસીસ’નો રાફડો: કેસમાં સતત વધારો

કોરોનામાંથી સાજા થતાં સેંકડો દર્દીઓને નવા ખતરનાક રોગનો ભરડો:સિવિલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દરરોજ નોંધાઈ રહેલા 200થી વધુ કેસ:દર્દી કોરોનામાંથી સાજા થઈને ‘મ્યુકર માઈકોસીસ’ (ફૂગ)નો શિકાર બની રહ્યા છે: સાજા થવાની ટકાવારી 10થી 20 ટકા જ હોવાથી તબીબો પણ લાચાર: કોરોનાની સારવાર દરમિયાન રેમડેસિવીર ઈન્જેક્શન પણ મ્યુકર માઈકોસીસને નોંતરે છે:ડાયાબીટીસ ધરાવતાં દર્દીઓ ઉપર સૌથી વધુ ખતરો: મ્યુકર માઈકોસીસ’ મટાડવા માટે અપાતાં ઈન્જેક્શન કિડની માટે જોખમી !

રાજકોટ, તા.3
રાજકોટમાં અત્યારે કોરોનાનો ખતરનાક કાળ ચાલી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં કોરોનાનું જ તાંડવ જોવા મળી રહ્યું છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે મોઢું ફાડીને ઉભી રહી ગઈ છે. અત્યારે શહેરમાં એક જૂની પરંતુ અત્યંત ઘાતક એવી બીમારી કોરોનાગ્રસ્ત લોકોને બેફામ રંજાડી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી હોય લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કાન, આંખ અને નાક વાટે શરીરમાં પ્રવેશતી આ ફૂગ દર્દીનો આખો ચહેરો તો બગાડી જ નાખે જ સાથે સાથે મટવાનું પણ નામ લેતી ન હોય દર્દીઓ રીતસરના ‘પીલાઈ’ રહ્યા છે. અત્યારે શહેરમાં પ્રત્યેક ઈ.એન.ટી.સર્જન દરરોજ 50થી વધુ ‘મ્યુકર માઈકોસીસ’ દર્દીની સારવાર કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.


આ અંગે શહેરના નામાંકિત ઈ.એન.ટી. સર્જનોએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે ‘મ્યુકર માઈકોસીસ’ને નોંતરું આપી રહ્યા છે. બીજી બાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંચીલચક સારવાર ચાલી રહી છે આમ છતાં દર્દીના ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીક દર્દીઓ ઉપર રહે છે અને અનેક કેસોમાં મૃત્યુ પણ થવાની સંભાવના પણ વધી જાય છે. તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ‘મ્યુકર માઈકોસીસ’ને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શન કિડનીને હાની પહોંચાડી શકે છે એટલા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ પડકાર તબીબો સામે રહે છે.

બીમારીના શું છે લક્ષણો ?
- સતત માથું દુ:ખવું
- દેખાતું ઓછું થઈ જવું
- દાંતમાં સતત ઝણઝણાટી થવી
- નાક બંધ થઈ જવું
- નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું
- મોઢા ઉપર સોજો આવવો
- નાક અને આંખ આસપાસની ચામડી કાળી પડી જવી

 

અરે બાપ રે...! ‘મ્યુકર માઈકોસીસ’ની સારવારનો ખર્ચ હજારોથી લઈ કરોડો સુધીનો !
કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ ઉપર ‘મ્યુકર માઈકોસીસ’ નામની ફૂગજન્ય બીમારીનો ખતરો તોળાઈ રહ્યો હોય નવી ઉપાધી આવી પડી છે. બીજી બાજુ આ સારવારનો ખર્ચ પણ હજારોથી લઈ કરોડો રૂપિયા સુધીનો હોવાથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર દુષ્કર બની જાય છે. જો કે સિવિલ હોસ્પિટલમાં આ બીમારીની સારવાર તદ્દન મફત કરવામાં આવતી હોવાથી ત્યાં દર્દીઓનો ધસારો વધુ રહે છે.

 

ડાયાબીટીસ ન હોય તેવા દર્દીઓ ઉપર પણ રહે છે બીમારીનો ખતરો
તબીબોએ જણાવ્યું હતું કે એવું નથી કે ડાયાબીટીઝ હોય તેવા દર્દીઓને જ ‘મ્યુકર માઈકોસીસ’ થઈ રહ્યું છે. આ બીમારી નોન ડાયાબિટીક મતલબ કે જેમને ડાયાબીટીઝ ન હોય તેમને પણ લાગુ પડવાનો ખતરો રહે છે. અનેક કેસોમાં ડાયાબીટીઝ વગરના દર્દીઓને પણ આ બીમારી થઈ ગયાનું સામે આવ્યું છે ત્યારે લોકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની જાય છે.

સિવિલમાં એક બાજુ કોરોના, બીજી બાજુ ‘મ્યુકર માઈકોસીસ’ના દર્દીઓનો ધસારો !
એક બાજુ અત્યારે કોરોનાની બેફામ રંજાડને કારણે સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કતારો લાગેલી જોવા મળે છે ત્યારે આ જ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ‘મ્યુકર માઈકોસીસ’ બીમારીની ફરિયાદ લઈને પણ દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવતાં હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યા છે. તબીબોએ જણાવ્યું કે પહેલી લહેર વખતે પણ આ બીમારીના દર્દીઓમાં વધારો થયો હતો પરંતુ બીજી લહેર અત્યંત ખતરનાક હોવાને કારણે દર્દીઓ પણ વધી રહ્યા હોવાથી મ્યુકર માઈકોસીસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

મારી હોસ્પિટલ પર અત્યારે ‘મ્યુકર માઈકોસીસ’ના દર્દીઓ જ આવે છે: ડો.યશ પંડ્યા
પંડ્યા ઈ.એન.ટી.હોસ્પિટલના યશ પંડ્યાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં મેં 10 જેટલા દર્દીઓની ચકાસણી કરી લીધી હતી અને હજુ 40થી વધુ દર્દીઓ કતારમાં છે તેમની ચકાસણી બાકી છે ! અત્યારે હોસ્પિટલ ઉપર ‘મ્યુકર માઈકોસીસ’ના દર્દીઓ જ આવતાં હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ રોગ અવશ્ય મટી શકે છે પરંતુ તેના માટે પૂરતી કાળજી અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બની જાય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે. મારી હોસ્પિટલ ઉપર છેલ્લા 15 દિવસથી 50થી વધુ દર્દીઓ આ જ બીમારીના આવી રહ્યા હોવાથી અત્યારે આ રોગ અત્યંત ચિંતાજનક હદે વધી જવા પામ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. અત્યારે જેટલા પણ દર્દીઓ આવે છે તેઓ કોરોનાગ્રસ્ત હોય છે અથવા તો તેમને કોરોના મટી ગયો છે, કોરોના દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શન આપવામાં આવતાં હોય જેના કારણે આ રોગ મોઢું ફાડી રહ્યો છે.

 

30થી લઈ 80 વર્ષ સુધીના કોરોના દર્દીઓને ‘મ્યુકર માઈકોસીસ’નો ખતરો: ડો.હિમાંશુ ઠક્કર
શહેરના જાણીતા ઈ.એન.ટી.સર્જન ડો.હિમાંશુ ઠક્કરે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મ્યુકર માઈકોસીસ’ ગમે તે ઉંમરના દર્દીને ઝપટે લઈ શકે છે. ખાસ કરીને 30થી લઈ 80 વર્ષ સુધીના કોરોના દર્દીઓને આ બીમારીનો ખતરો રહે છે. એવું પણ નથી કે આ બીમારી જેને થઈ હોય તેને કાયમી રહે જ છે પરંતુ સારવાર કરાવવામાં જો જરા પણ વિલંબ થઈ જાય તો પછી તેને મટાડવી કપરી બની જાય છે. આ બીમારી ખાસ કરીને સ્ટીરોઈડ ઈન્જેક્શનને કારણે વકરી રહી છે. કોરોના દર્દીઓ પર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો વધુ ઉપયોગ થતો હોવાને કારણે મ્યુકર માઈકોસીસ વધી રહ્યું છે. આ કોઈ ચેપી બીમારી નથી. અત્યારે હું જેટલા દર્દીઓની સારવાર કરી રહ્યો છું તે તમામ સાજા જ છે પરંતુ આટલી હદે મ્યુકર માઈકોસીસના કેસમાં મેં વધારો ક્યારેય જોયો નથી. આ બીમારી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને વધુ લાગુ પડતી હોવાનું તેમણે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement