અમદાવાદ : બુટલેગરો પાસેથી તોડ કરી કાર્યવાહી ન કરનાર અમરાઈવાડી પોલીસના PSI સહિત બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

03 May 2021 09:33 PM
Ahmedabad Crime
  • અમદાવાદ : બુટલેગરો પાસેથી તોડ કરી કાર્યવાહી ન કરનાર અમરાઈવાડી પોલીસના PSI સહિત બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

દરોડામાં દારૂ મળ્યો પણ કાર્યવાહી ન કરવા સેટલમેન્ટ થઈ ગયું, સ્થાનિક અધિકારીને અંધારામાં રખાયા : ડીસીપીએ આકરું વલણ દાખવતા ઈન્કવાઈરીનો આદેશ આપ્યો

અમદાવાદ:
અમદાવાદમાં દારૂની રેડ કરવા ગયેલા એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલોએ બુટલેગર સામે કાર્યવાહી કરવાના બદલે તોડ કર્યો હોવાની વાત ફેલાઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જોકે સૂરજ છાપરે ઢાંકયો ન રહે તેમ સત્ય હકીકત પણ બહાર આવી જાય છે. આ તોડ કાંડ અંગે સ્થાનિક અધિકારીને અંધારામાં રખાતા ડીસીપી સુધી માહિતી પહોંચી હતી અને તેમણે આકરું વલણ દાખવતા પીએસઆઈ, બન્ને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ઈન્કવાઈરીનો આદેશ આપ્યો છે.

વિસ્તૃત વિગત મુજબ અમદાવાદના અમરાઈવાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ સી.પી.રાવ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિમલકુમાર અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સજ્જનસિંહે ગત તા.29 મીએ અમરાઈવાડીના ચાચાનગરની ચાલીમાં આવેલ વિમલ એસ્ટેની બાજુમાં દારૂની રેડ કરી હતી.

સ્થળ પરથી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો, પરંતુ દરોડો કરનાર પીએસઆઈ રાવ અને બંન્ને કોન્સ્ટેબલોએ મળી આરોપીઓ પાસેથી તોડ કરી લીધો હતો અને આરોપીઓ સામે કોઈ કાર્યવાહી પણ કરી નહોતી. આ બહાર ત્યારે આવ્યું જ્યારે તોડ કરનારે સ્થાનિક અધિકારી અને વહીવટદારને આ મામલાથી અંધારામાં રાખ્યા અને તોડ પેટે મળેલી પ્રસાદીમાંથી કોઈને ભાગ ન આપ્યો. આ વાત સ્ટાફના જ સૂત્રોએ ડીસીપી સુધી પહોંચાડી હતી, જેથી ડીસીપીએ આકરું વલણ દાખવતા પીએસઆઈ અને બન્ને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ઈન્કવાઈરી કરવા આદેશ આપ્યો છે.


Related News

Loading...
Advertisement