IPLના તમામ મેચ મુંબઈમાં જ રમાડવા તૈયારી: ત્રણ સ્ટેડિયમમાં જ આખી ટૂર્નામેન્ટ થશે પૂરી

04 May 2021 10:49 AM
Sports
  • IPLના તમામ મેચ મુંબઈમાં જ રમાડવા તૈયારી: ત્રણ સ્ટેડિયમમાં જ આખી ટૂર્નામેન્ટ થશે પૂરી

કોરોનાનો પગપેસારો શરૂ થતાં જ આયોજકો એલર્ટ: બેઠકોનો ધમધમાટ શરૂ:મુંબઈમાં મેચ ખસેડાશે તો આખો કાર્યક્રમ બદલાશે, ડબલ હેડર મુકાબલામાં થશે વધારો: ફાઈનલ મુકાબલો મેની જગ્યાએ જૂનના પહેલાં સપ્તાહમાં અમદાવાદની જગ્યાએ મુંબઈમાં જ રમાઈ શકે: ખેલાડીઓનું ટ્રાવેલિંગ ઘટાડવા માટે ક્રિકેટ બોર્ડે પ્લાન ઘડી કાઢ્યો, ટૂંક સમયમાં જાહેરાત

નવીદિલ્હી, તા.4
આઈપીએલની 14મી સીઝનમાં કોરોનાએ ખલેલ પહોંચાડી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પછી કોલકત્તાનો બેંગ્લોર સામે રમાનારો મુકાબલો સ્થગિત કરવો પડ્યો હતો. આ ઉપરાંત ચેન્નાઈ સુપરકિંગ્સના ત્રણ સભ્યો કોરોના પોઝિટીવ આવતાં બાયો-બબલ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. બીજી બાજુ અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર મેચ રમાડવાની જગ્યાએ ક્રિકેટ બોર્ડ એક જ સ્થળે આખો આઈપીએલ રમાડવા ગંભીરપણે વિચારણા કરી રહ્યું છે

અને આ માટે મુંબઈ ઉપર પસંદગી ઉતરે તેવી સંભાવના છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સપ્તાહના અંતથી જ આઈપીએલને મુંબઈ ખસેડી લેવામાં આવી શકે છે જેનો મતલબ એ થશે કે કોલકત્તા અને બેંગ્લોરમાં મેચ નહીં રમાય સાથે જ પ્લેઓફ સહિતન ફાઈનલ મુકાબલો અમદાવાદની જગ્યાએ મુંબઈમાં જ રમાશે. જો કે આ અંગે અંતિમ નિર્ણયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.


બોર્ડના પ્લાન અનુસાર 8 અથવા 9 મેથી આઈપીએલના તમામ મુકાબલા મુંબઈના ત્રણ સ્ટેડિયમ વાનખેડે, ડી.વાઈ.પાટીલ અને બ્રેબોનમાં રમાડવામાં આવી શકે છે. જો આમ થશે તો કાર્યક્રમમાં પણ ફેરફાર થશે અને તેના કારણે ડબલ હેડર મેચમાં વધારો થઈ શકે છે ઉપરાંત ફાઈનલ જે મેના અંતમાં રમાવાનો હતો તે જૂનના પહેલાં સપ્તાહમાં રમાઈ શકે છે.


આઈપીએલના 60માંથી 29 મુકાબલા રમાઈ ચૂક્યા છે મતલબ કે અડધી ટૂર્નામેન્ટ રમાઈ ગઈ છે. હજુ 31 મુકાબલા બાકી છે. આ મુકાબલા ચાર સ્ટેડિયમ દિલ્હી, કોલકત્તા, બેંગ્લોર અને અમદાવાદમાં રમાશે. બાકી રહેલા મુકાબલાની વાત કરવામાં આવે તો સૌથી વધુ 10-10 મેચ કોલકત્તા અને બેંગ્લોરમાં રમાવાના છે. આ ઉપરાંત અમદાવાદમાં 7 અને દિલ્હીમાં ચાર મેચ બાકી છે. હજુ પણ દેશમાં દરરોજ કોવિડ-19ના ત્રણ લાખથી વધુ કેસ મળી રહ્યા છે.બીજી બાજુ આ વર્ષે જ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. જો કોવિડ-19ને કારણે લીગને સ્થગિત કરવામાં આવે છે તો વર્લ્ડકપના આયોજન ઉપર પણ સવાલ ઉઠવા લાગશે એટલા માટે બીસીસીઆઈ અત્યારે જાળવી જાળવીને પગલાં ઉઠાવી રહ્યું છે.

આજે મુંબઈ-હૈદરાબાદ વચ્ચેના મેચ ઉપર પણ લટકી રહેલી તલવાર

આજે દિલ્હીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારા મેચ ઉપર પણ તલવાર લટકી રહી છે. ચેન્નાઈ સુપરકિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 1 મેએ ચેન્નાઈ-મુંબઈ વચ્ચેના મેચમાં તેઓ મુંબઈના ખેલાડીઓ અને અન્ય સ્ટાફને મળ્યા હતા. આવામાં પ્રોટોકોલ હેઠળ મુંબઈના ખેલાડીઓનો ટેસ્ટ કરાવવો જરૂરી બની ગયો છે અને તમામના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મેચ રમવાની પરવાનગી આપવામાં આવશે. જો કે અંગે ક્રિકેટ બોર્ડતરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

 

ચેન્નાઈએ 7મી મેએ રાજસ્થાન સામે મેચ રમવાનો કર્યો ઈનકાર

ચેન્નાઈ સુપરકિંગ્સના એક અધિકારીએ કહ્યું કે તેમના સપોર્ટિંગ સ્ટાફના સભ્યો કોરોનાગ્રસ્ત થયા હોવાથી આખી ટીમ 6 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેશે જેથી 7મી મેએ રાજસ્થાન સામે તેઓ મેચ રમી શકે તેમ નથી અને આ અંગેની જાણ તેમણે બીસીસીઆઈને કરી દીધી છે. સીએસકે ટીમના સીઈઓ કાશી વિશ્ર્વનાથન, બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને ટીમ બસના ક્લીનર કોવિડ-19 સંક્રમિત થયા છે. ટીમના અન્ય સભ્યો જે અત્યારે દિલ્હીમાં છે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.


Related News

Loading...
Advertisement