મોરબીની પરિણિતા પતિના ત્રાસથી રાજકોટ ભાગી આવી : 181ની ટીમ પીડિતાની વ્હારે આવી

04 May 2021 02:58 PM
Morbi
  • મોરબીની પરિણિતા પતિના ત્રાસથી રાજકોટ ભાગી આવી : 181ની ટીમ પીડિતાની વ્હારે આવી

લગ્નને બે માસ જ થયા ત્યાં પતિએ અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધેલુ, પત્નીને પાડોશીઓ સાથે વાતચીત કરવાની પણ ના કહેતો, પીયર પણ જવાની મનાઇ કરતા પીડિતા ચાર દિવસ પહેલા ઘર છોડી નીકળી ગઇ હતી : 181 અભયમ ટીમના કાઉન્સિલર રૂચિતા મકવાણા અને કોન્સ્ટેબલ કાજલ વઘેરાએ પીડિતાના સાસરીયા અને પીયર પક્ષને બોલાવી સમજાવટ કરી સુખદ સમાધાન કરાવ્યું

રાજકોટ તા. 4 :
મોરબીની એક પરીણીતા પર પતિએ ત્રાસ ગુજારતા તેણી મોરબી ખાતેના પોતાના ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગઇ હતી અને રાજકોટ આવી પહોંચતા કોઇ જાગૃત નાગરીકને તેણી મળી આવતા તેમણે તુરંત મહીલા હેલ્પલાઇન નં. 181 ઉપર કોલ કરી અભયમની ટીમને જાણ કરી હતી. અભયમની ટીમે પીડીતાના સાસરીયા અને પીયર પક્ષના સભ્યોને બોલાવી સમજાવટ કરી સુખદ સમાધાન કરાવ્યુ હતું.

વિસ્તૃત વિગત મુજબ પીડીત મહીલા મોરબીથી રાજકોટ આવી છે તેવી જાણ થતા અહીંની અભયમ ટીમના કાઉન્સિલર રૂચીતા મકવાણા, કોન્સ્ટેબલ કાજલબેન વઘેરા, પાયલોટ સાગરભાઇ સ્થળ પર પહોંચ્યા હતા અને પીડિતા સાથે સમસ્યા અંગે ચર્ચા કરી હતી. પીડીતાના જણાવ્યા મુજબ બે માસ પુર્વે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ મોરબી સાસરે રહેવા ગયા હતા. તેમના પતિને આંચકીની બીમારી હોવાથી અવારનવાર ગુસ્સો કરતા અને અપશબ્દો કહી મેણા-ટોણા મારતા,

પીડીતાને પોતાના પીયર નાના ભાઇને મળવા જવુ હતુ તેમ છતા પતિએ ચોખ્ખી ના પાડી દીધી હતી. ઉપરાંત આસપાસ પાડોશમાં રહેતી અન્ય મહીલાઓ સાથે વાતચીત કરવાની પણ ના પાડી દીધી હતી અને ઘરની ચાર દિવાલમાં જ રહેવા બહાર ન નીકળવા કહયુ હતુ. કાઉન્સિલર રૂચીતા મકવાણાએ પોતાની કુનેહથી પીડીતાને શાંત કરી તેમના પરીવારના સભ્યના મોબાઇલ નંબર મેળવ્યા હતા અને પીડીતાના પીયર

અને સાસરીયા પક્ષના સભ્યોને જાણ કરતા બંને પરીવારના સભ્યો રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ આવેલા પતિએ જણાવ્યું હતું કે હું મારો કામ-ધંધો મુકી પત્નીને ત્રણથી ચાર દિવસ પીયર લઇ ગયો હતો. તેમ છતા ચાર દિવસ પહેલા તેણી ઘરેથી કહયા વગર નીકળી ગઇ હતી. બંને પક્ષે ચર્ચા કર્યા બાદ અભયમની ટીમે સમજાવટ કરી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યુ હતુ.


Loading...
Advertisement