IPLને કોરોનાનું ગ્રહણ: ટૂર્નામેન્ટ રદ્દ

04 May 2021 03:47 PM
Sports
  • IPLને કોરોનાનું ગ્રહણ: ટૂર્નામેન્ટ રદ્દ

કોલકત્તાના બે ખેલાડી, ચેન્નાઈના ત્રણ સપોર્ટ સ્ટાફ બાદ આજે દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા અને હૈદરાબાદના રિદ્ધિમાન શાહા કોરોનાગ્રસ્ત થતાં ક્રિકેટ બોર્ડ એક્શનમાં: અનિશ્ચીત કાળ સુધી ટૂર્નામેન્ટને સસ્પેન્ડ કરી દેવાઈ : બાકી બચેલા 31 મેચ ટી-20 વર્લ્ડકપ બાદ રમાય તેવી સંભાવના: મુંબઈમાં જ આખી ટૂર્નામેન્ટ રમાડવાની વિચારણા ચાલી જ રહી હતી ત્યાં વધુ બે ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટને પડતી મુકવા સિવાય કોઈ રસ્તો જ નહોતો

નવીદિલ્હી, તા.4
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ) ઉપર બે દિવસમાં જ કોરોનાનું ગ્રહણ અત્યંત ઘેરું બની જતાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે આખી ટૂર્નામેન્ટને અનિશ્ચીતકાળ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. બે દિવસમાં આઈપીએલની ચાર ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોનાગ્રસ્ત થઈ જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઈકાલે કોલકત્તા નાઈટ રાઈડર્સના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર ઉપરાંત ચેન્નાઈ સુપરકિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી, સીઈઓ કાશી વિશ્વનાથન ઉપરાંત બસ ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આજે સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી રિદ્ધિમાન શાહા અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અમિત મિશ્રાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો હતો.

આ પછી ગણતરીની મિનિટોમાં જ બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલ દ્વારા આખી ટૂર્નામેન્ટને અનિશ્ર્ચિત કાળ સુધી રદ્દ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું કે ટૂર્નામેન્ટને અનિશ્ચીતકાળ માટે રદ્દ કરવામાં આવી છે. અમે આગામી ઉપલબ્ધ સમયમાં આ સ્પર્ધાનું આયોજન કરવાનો પ્રયત્ન કરશું પરંતુ આ મહિને આ પ્રકારની કોઈ જ સંભાવના નથી.

કોરોનાના સંક્રમણ કાળમાં બીસીસીઆઈએ મજબૂત બાયો-બબલનો હવાલો આપ્યો હતો જેથી 29 મેચ જ સફળતાપૂર્વક રમાડાઈ શક્યા હતા. ચેન્નાઈ અને મુંબઈનો મેચ પૂરો થયો હતો પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે રમાનાર સીઝનના 30મા મેચ પહેલાં કોરોના ધુણવા માંડતાં તે મેચ રદ્દ કરી દેવાયો હતો. દરમિયાન આજે દિલ્હીમાં રમાનારા મુંબઈ-હૈદરાબાદ વચ્ચેના મેચને લઈને પહેલાંથી જ ચિંતા પ્રવર્તી રહી હતી

કેમ કે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે ચેન્નાઈ વિરુદ્ધ મેચ રમ્યો હતો અને મેચ દરમિયાન બાલાજી તેના અનેક ખેલાડીઓના સંપર્કમાં આવ્યા હતા. હવે સનરાઈઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન શાહા કોરોના પોઝિટીવ આવ્યાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સનો બોલર અમિત મિશ્રા પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં આઈપીએલના આયોજન પર સવાલ ઉઠી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડી આઈપીએલમાંથી હટી ચૂક્યા છે જેમાં એડમ ઝેમ્પા, કેન રિચડર્સન અને એન્ડ્રુ ટાઈ સામેલ છે. ઝેમ્પાએ આઈપીએલ-14 છોડવા પાછળ બાયો-બબલને કારણભૂત ગણાવ્યું હતું. તેણે કહ્યું કે ભારતમાં બાયો-બબલ છોડ્યા બાદ એટલું સુરક્ષિત અનુભવાઈ રહ્યું નથી જેટલું યુએઈમાં અનુભવ્યું હતું. આઈપીએલના ફાઈનલ સહિત કુલ 31 મેચ બાકી છે જેને ટી-20 વર્લ્ડકપ બાદ રમાડવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.


Related News

Loading...
Advertisement