અમદાવાદ કોર્પોરેશનનું વર્તન બાળકો જેવું! હાઇકોર્ટે વધુ એક સુનાવણીમાં ઝાટકણી કાઢી

04 May 2021 04:13 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ કોર્પોરેશનનું વર્તન બાળકો જેવું! હાઇકોર્ટે વધુ એક સુનાવણીમાં ઝાટકણી કાઢી

નાના શહેરોમાં ટેસ્ટીંગનો અભાવ : સરકારે કેસ ઘટાડયા : ફાયર એનઓસી મામલે આવતા સપ્તાહે ફરી હિયરીંગ

અમદાવાદ, તા. 4
ગુજરાતમાં કોરોના સંક્રમણની ગંભીર થયેલી સ્થિતિ વચ્ચે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો પીટીશનની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો ફરી રીતસર વારો કાઢી નાખ્યો છે. અમદાવાદ મનપા સરકારની નીતિ મુજબ કામ કરતી નથી, શા માટે બાળકો જેવું વર્તન કરે છે. 108ની લાઇન પણ આ પોલીસીના ચકકરમાં લાગે છે તેવી ટીકા કરી છે.આજે એડવોકેટ અમિત પંચાલે ભરૂચની હોસ્પિટલમાં આગ દુર્ઘટના અંગે રજુઆત કરતા હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નહીં હોવાની જાણ થઇ હતી. આવા બનાવ રોકવા સરકારે ગંભીરતાથી જોવું જોઇએ. ફાયર એનઓસી મામલે આવતા અઠવાડિયે વધુ સુનાવણી કરવામાં આવશે.


આ સુનાવણીમાં સીનીયર એડવોકેટ પરસી કવિના ટેસ્ટીંગ અછતના મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે કેટલાક શહેરોમાં સાધનોની અછત છે. ટેસ્ટનું રીપોર્ટીંગ મોડુ થાય છે, કેટલાક જિલ્લાના ગામોમાં ટેસ્ટીંગની વ્યવસ્થા નથી અને જયાં વ્યવસ્થા છે ત્યાં સ્ટાફ નથી આ બાબત ગંભીર છે. સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠામાં ટેસ્ટીંગનો અભાવ છે અને ધનવંતરી રથ લોકો સુધી પહોંચતા નથી. આ વાહન પીએચસી આગળ પાર્ક હોય છે. નાના શહેરો અને ગામડામાં ગંભીર સ્થિતિ છે.
એડવોકેટે વધુમાં કહ્યું હતું કે તાજેતરમાં ખુલ્લી મુકવામાં આવેલી ડીઆરડીઓ હોસ્પિટલમાં માત્ર 600 બેડ કાર્યરત છે. બાથરૂમમાં પણ ગંદકી છે. આરટી-પીસીઆર ટેસ્ટના પુરા આંકડા મળતા નથી. વેકસીનમાં પણ ફિયાસ્કો થઇ રહ્યો છે.


સરકારી વકીલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ટેસ્ટીંગ વધારવાના તમામ પ્રયત્નો ચાલે છે. 7ર પીસીઆર મશીન સરકારી લેબમાં છે અને ત્રણ શીફટમાં કામ ચાલે છે. અમદાવાદ કોર્પો. વતી તેના વકીલે પણ જવાબો આપ્યા હતા. પરંતુ હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કહ્યું હતું કે તમે સરકારી સોગંદનામામાં ઘણી ખોટી માહિતી જોડી છે. ટેસ્ટીંગનો આંકડો સ્પષ્ટ નથી. એએમસી સરકારની નીતિ પ્રમાણે કામ કરતી હોય તેવું લાગતું નથી. બીજા રાજયમાંથી પરત આવતા અમદાવાદના લોકોને આરટી-પીસીઆર ટેસ્ટની ફરજ કેમ પાડવામાં આવતી નથી.


રેમડેસીવીર, ઓકસીજન અછત મામલે સરકારે જવાબ આપ્યા હતા અને અદાલતે સુવ્યવસ્થિત વિતરણનો રીપોર્ટ માંગ્યો હતો. હાઇકોર્ટ કેન્દ્ર સરકારને પણ રેમડેસીવીર વિતરણ અંગે માહિતી રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. આ રીતે અદાલત હજુ સરકાર અને મનપાની કામગીરીથી નારાજ હોવાનું સાબિત થાય છે.
------------------


Related News

Loading...
Advertisement