ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે પોલીસની ઢીલી નીતિને આક્ષેપ સાથે ઉઘાડી પાડતા કોંગ્રેસના આગેવાનો

04 May 2021 05:05 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે પોલીસની ઢીલી નીતિને આક્ષેપ સાથે ઉઘાડી પાડતા કોંગ્રેસના આગેવાનો

ભગવતીપરા પોલીસ ચોકી પાસે ચાલતા દારૂના અખાડા બંધ કરાવો : રેખાબેન ગજેરા : કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા, ઉપપ્રમુખ ઠાકરશીભાઇ ગજેરા, મહામંત્રી યોગરાજસિંહ જાડેજા વગેરેએ ઉત્તર વિભાગના એસીપીને ધગધગતી રજુઆત કરી

રાજકોટ તા.4
ગુજરાતમાં દારૂ બંધી છે. સરકાર પણ દારૂબંધીના કાયદાનો કડકથી અમલ થતો હોવાના દાવા કરતી રહે છે. પરંતુ અનેક વખત આ દાવા પોકળ ઠર્યા છે. રાજયમાં ખુલ્લેઆમ દારૂબંધીના કાયદાના છોતરા ઉડી રહ્યા છે. અનેક વખત મોટીમાત્રામાં પોલીસે દારૂ પકડી પાડયો છે.

રાજકોટમાં પણ દારૂબંધીના કાયદાનો અમલ યોગ્ય રીતે ન થતું હોવાના અનેક વખત આક્ષેપો ઉઠયા છે. ત્યારે શહેરની ભગવતીપરા પોલીસ ચોકીની આસપાસ જ દારૂના અખાડા ખુલ્લેઆમ ચાલતાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. દારૂના ગેરકાયદેસર ધંધા તત્કાલ બંધ કરાવવા અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા ઉત્તર વિભાગના એસીપીને કોંગ્રેસે ધગધગતી રજુઆત કરી છે.

કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા, પૂર્વ મહિલા કોર્પોરેટર રેખાબેન ગજેરા, ઉપપ્રમુખ ઠાકરશીભાઇ ગજેરા, મહામંત્રી યોગરાજસિંહ જાડેજા, વોર્ડ નં.4ના કોંગી આગેવાન મુકેશભાઇ જાદવ અને રામભાઇ બોરીચાએ એસીપીને રજુઆત કરતાં જણાવ્યું હતું કે શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતાં ભગવતીપરા વિસ્તારની પોલીસ ચોકીની આજુબાજુમાં જ દેશી અને વિદેશી દારૂના ખુલ્લેઆમ વેપલા થઇ રહ્યા છે.

રાજયના મુખ્યમંત્રીના હોમટાઉનમાં છેલ્લા ઘણા સમયથી પોલીસની ધાક જાણે ઓસરતી હોય તેમ પોલીસની નિષ્ક્રિયતા, તટસ્થતા, નિષ્પક્ષતાના અભાવવાળી કામગીરીથી શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. એક સમયના શાંત ગણાતા રાજકોટ શહેરમાં લૂંટ, ધાડ, બળાત્કાર, ચિલઝડપ અને પોલીસ ઉપર જ કુખ્યાત ગુનેગારો દ્વારા હુમલાના બનાવો જાણે સામાન્ય બની ગયા છે.

ત્યારે શહેરના પછાત અને સંવેદનશિલ વિસ્તારોની સ્થિતિ ઘણી જ ખરાબ છે. આવા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરી ગુનાખોરીને ડામવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે. રજુઆતના આક્ષેપ સાથે જણાવાયું છે કે અતિ સંવેદનશીલ અને પછાત વિસ્તારોમાં ગુનાખોરી ઘટાડવાના ઉમદા હેતુથી પીએસઆઇની પોસ્ટ અને સ્ટાફ સાથેની પોલીસ ચોકી ભગવતીપરા વિસ્તારમાં ઉભી કરવામાં આવી હતી.

પરંતુ આ ઉમદા હેતુ પૂર્ણ થયો નથી અને આ વિસ્તારમાં ગુનાઓ અને ગુનેગારોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તેના મૂળમાં આ વિસતારમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના વેપલા જવાબદાર છે. દારૂ વેચાણના આ ગેરકાયદેસર ધંધા ભગવતીપરા પોલીસ ચોકીની 100 થી 500 મીટરની ત્રીજયામાં જ ચાલે છે. પરંતુ પોલીસ કોઇ કડક કાર્યવાહી કરતી નથી. ત્યારે સવાલ થાય છે કે આ બધી જ બાબતથી સ્થાનિક પોલીસના અધિકારીઓ અજાણ છે

કે પછી ઇરાદા પૂર્વક આવી પ્રવૃતિઓ તરફથી આંખ આડા કાન કરવામાં આવે છે? સવાર સાંજ માસ્કના દંડના નામે નક્કી કરેલા ટાર્ગેટો પૂરા કરવા પોલીસ તંત્ર નિર્દોષ અને સામાન્ય માણસો તેમજ વેપારીઓને હેરાન-પરેશાન કરી દંડ વસુલે છે. પરંતુ ગંભીર ગુનાની પ્રવૃતિઓ કરતાં આરોપીને શા માટે પોલીસ છાવરે છે? તે સમજાતુ નથી. કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે કે ભગવતીપરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ તાત્કાલીક બંધ કરાવી ફરજ પરના અધિકારીઓની જવાબદારી ફીકસ કરી કાર્યવાહી કરવામાં આવે.


Related News

Loading...
Advertisement