જૂનાગઢમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી : મહામારીના નિયંત્રણ માટે વહીવટી તંત્રને માર્ગદર્શન સાથે સૂચનાઓ

04 May 2021 05:38 PM
Junagadh Gujarat Rajkot
  • જૂનાગઢમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી : મહામારીના નિયંત્રણ માટે વહીવટી તંત્રને માર્ગદર્શન સાથે સૂચનાઓ

કોરોના કેસ, ટેસ્ટીંગ, ટ્રેસીંગ, હોસ્પીટલો, બેડની સંખ્યા, ઓકસીજન-વેન્ટીલેટર દવાઓ સહિતની વિગતો અધિકારીઓ પાસેથી મેળવી: સિવિલના સંક્રમીત દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સંવાદ કરી ભોજનની વ્યવસ્થા નિહાળી

રાજકોટ તા.4
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ઐતિહાસિક નગરી જૂનાગઢની મુલાકાત લઈ શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે લેવાઈ રહેલા પગલાની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી જૂનાગઢ શહેર-જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ ટ્રેસીંગ કોવિડ, ડેડીકેટેડ હોસ્પીટલો બેડની સંખ્યા ઓકસીજનની સુવિધા વેન્ટીલેટર દવાઓ સારવારની સુવિધા આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવી હતી.

તેમજ કોરોનાના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્રને માર્ગદર્શન કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના સતત વધતા કહેરથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં સંક્રમીતોની સંખ્યામાં મોટો ઉછાળો આવેલ છે તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતનો આંકડો પણ સતત વધી રહ્યો હોય લોકોમાં ભયનું લખલખુ ફરી વળ્યું છે.

કોરોનાની વકરેલી મહામારીને ડામવા માટે રાજય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સતત પગલાઓ લેવાય રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયમાં જિલ્લાવાઈઝ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માહિતી મેળવી સૂચનાઓ આપી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢની આ મુલાકાત દરમ્યાન સિવિલ હોસ્પીટલમાં કોરોના સંક્રમીત દર્દીઓના સગા-સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પીટલમાં અપાતી આરોગ્ય સેવાઓ

તેમજ પૌષ્ટીક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નીહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પીટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુ:ખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઈ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજય સરકાર વતી મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.

તેઓએ આ મુલાકાત વેળાએ તેમની સાથે મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના એમ.ડી. દીનેશ ખટારીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ પટેલ સહીત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement