રાજકોટ સહિત ગુજરાતના તમામ ઝૂ અનેે અભ્યારણ્યના કર્મચારી સ્વાસ્થ્ય ચકાસણી બાદ જ પ્રાણીની નજીક જઈ શકશે

04 May 2021 05:43 PM
Rajkot
  • રાજકોટ સહિત ગુજરાતના તમામ ઝૂ અનેે અભ્યારણ્યના કર્મચારી સ્વાસ્થ્ય ચકાસણી બાદ જ પ્રાણીની નજીક જઈ શકશે

હૈદરાબાદમાં આઠ સિંહો કોરોનાગ્રસ્ત થયા બાદ સરકારનો નિર્ણય: ભોજન આપવામાં પણ રખાશે પૂરતી તકેદારી

રાજકોટ, તા.4
હૈદરાબાદના નહેરુ ઝુઓલોજિકલ પાર્કમાં આઠ જેટલા એશિયાટિક સિંહો કોરોનાગ્રસ્ત થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સિંહોમાં કોરોનાનાં લક્ષણો જણાતાં તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટીવ આવતાં તેમને અલગ-થલગ કરીને સારવાર શરૂ કરાઈ હતી.

આ ઘટના બાદ રાજકોટ સહિત આખા ગુજરાતમાં આવેલા પ્રાણી સંગ્રહાલયો (ઝૂ) અને અભ્યારણ્યમાં તકેદારી રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારે એક આદેશ જાહેર કર્યો છે જે અનુસાર હવે ઝૂ અને અભ્યારણ્યમાં કામ કરતાં કર્મચારીઓના સ્વાસ્થ્યની પૂરતી ચકાસણી બાદ જ પ્રાણીઓની નજીક જવા દેવામાં આવશે. આ ઉપરાંત પ્રાણીઓને આપવામાં આવતાં ભોજનને લઈને પણ પૂરતી તકેદારી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટમાં પણ પ્રદ્યુમન પાર્ક ઝૂ આવેલો હોય ત્યાં પણ સિંહ-વાઘ, દીપડા, રીંછ સહિતના પ્રાણીઓ-પક્ષીઓને રાખવામાં આવ્યા હોય અહીં કાર્યરત કર્મચારીઓનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરાયા બાદ જ તેમને પ્રાણીની નજીક જવા દેવામાં આવશે. આવું જ કંઈક રાજ્યના અન્ય ઝૂ અને અભ્યારણ્યોમાં પણ અમલી બનાવવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે માણસમાંથી પ્રાણીઓમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં પ્રાણીઓ કોરોનામાં હોમાઈ ન જાય તે માટે સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement