વેકસીનનો આજનો સ્ટોક ખલ્લાસ; ‘તત્કાલ’ની જેમ ફુલ થઇ જતા રજીસ્ટ્રેશન

04 May 2021 05:55 PM
Rajkot
  • વેકસીનનો આજનો સ્ટોક ખલ્લાસ; ‘તત્કાલ’ની જેમ ફુલ થઇ જતા રજીસ્ટ્રેશન

રાજકોટમાં ત્રણ દિવસમાં 18 થી 44 વર્ષના 17709 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધા : યુવા વર્ગના ઉત્સાહ સામે સરકારી તૈયારી અપૂરતી : રોજ પાંચ હજાર વ્યકિતની મર્યાદા : કાલ સુધીના ‘સ્લોટ’ પેક : આજે સાંજે નવા ડોઝ મળવાની આશા

રાજકોટ, તા. 4
રાજકોટ મહાનગરમાં તા.1 એપ્રિલથી 18 વર્ષ ઉપરના નાગરિકોને વેકસીનેશનનો મોટો તબકકો શરૂ થયો છે. પ્રથમ દિવસે 10 હજાર અને તે બાદ રોજ પાંચ હજાર યુવાનોને રસીકરણનો ટાર્ગેટ સરકારે ફિકસ કરીને મહાપાલિકાને આપ્યો છે. પરંતુ રાજકોટમાં સરકારની તૈયારી સામે યુવા વર્ગનો ઉત્સાહ ખુબ ઉંચો છે.

આ કારણે ‘તત્કાલ’ રેલ ટીકીટની જેમ રજીસ્ટ્રેશન ખુલતા જ સ્લોટ પેક થઇ જાય છે અને હવે ગુરૂવાર સુધીનો સ્લોટ ઉપલબ્ધ નહીં હોવાનું આરોગ્ય સુત્રોમાંથી જાણવા મળ્યું છે. સરકારની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન શરૂ થતા વેંત જ થોડી મિનિટોમાં જ સ્લોટ પેક થઇ જાય છે. તો 50 આરોગ્ય કેન્દ્રો પર રોજની 100ની મર્યાદા એટલે કે પાંચ હજાર વ્યકિતને વેકસીનેશનની લીમીટ રાખવામાં આવી હોવા છતાં આજે બપોરે રાજકોટમાં સ્ટોક ખાલી થવા આવ્યો છે.

આથી સાંજે સરકાર નવા ડોઝ ફાળવે તેની રાહ જોવાની નોબત આવી ગઇ છે. રાજકોટમાં તા.1 એપ્રિલથી ઉત્સાહભેર યુવા વર્ગનું રસીકરણ શરૂ થયું છે. પ્રથમ દિવસે સાડા નવ હજારથી વધુ યુવા વર્ગે રસીનો ડોઝ લીધો હતો. 18 થી 44 વર્ષના કુલ 17709 નાગરિક આજ સુધીમાં એટલે કે ત્રણ દિવસમાં ડોઝ લઇ ચુકયા છે. વેબસાઇટ પર રજીસ્ટ્રેશન માટે એટલો ધસારો છે કે જેઓને ટાઇમ સ્લોટ મળે છે તેના કરતા જેમને સમય મળતો નથી એવા યુવાનોની સંખ્યા ખુબ મોટી છે.

રેલવેમાં જે રીતે તત્કાલ ટીકીટની બારી ખુલતા જ ટીકીટ બુક થઇ જાય છે તેવી વહેલા તે પહેલા જેવી સ્થિતિ આ નોંધણી માટે સર્જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા રજીસ્ટ્રેશન વચ્ચે આજે સ્થિતિ એવી થઇ છે કે મહાપાલિકા કોઇપણ વ્યકિતને હવે બુધવાર સુધીના સ્લોટ ફાળવી શકે તેમ નથી એટલે કે હવે જેઓએ નોંધણી કરાવી છે તેમને ગુરૂવાર કે ગુરૂવાર બાદનો સમય આપવામાં આવશે. યુવાનોમાં વેકસીનેશન માટેની જાગૃતિ કોરોના સામેની લડાઇને વધુ મજબુત કરવાની છે.

પરંતુ દેશ અને રાજય કક્ષાએ રસીની સપ્લાય વધે તેના પર આ લડાઇનો મોટો આધાર રહેલો છે. હાલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન તો થઇ જાય છે પરંતુ ટાઇમ સ્લોટમાં મોટું વેઇટીંગ ચાલી રહ્યું છે. મહાપાલિકા દ્વારા તમામ વર્ગને કોવિશિલ્ડના ડોઝ જ આપવામાં આવે છે. નોંધણી બાદ જયારે મેસેજ મળે ત્યારે જ વેકસીન મળશે તે વાત નિશ્ચીત બની છે. આથી ભવિષ્યમાં જો ડોઝનો સ્ટોક વધુ આવે તો રોજની સંખ્યા વધારવા પણ સરકાર અને મનપા પ્રયાસ કરશે.

પરંતુ હાલ તો રોજના પાંચ હજારની લીમીટ જોતા એક મહિનામાં વધુમાં વધુ દોઢ લાખ નવા નાગરીકોને વેકસીન મળશે તેવું ગણીત છે. ગઇકાલ તા. 3ના રોજ 18 થી 44 વર્ષના 4323 અને 45 વર્ષથી મોટી ઉંમરના 5773 સહિત 10396 નાગરીકોએ વેકસીન લીધી હતી તેમ મહાપાલિકાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.

વડીલોને વેકસીન માટે ધકકા!
સૌથી સફળ રહેલા રસીકરણ કેમ્પ બંધ કરી દેવા પડયા : 45 ઉપરના લોકોને બીજા ડોઝ માટે પણ ના પડાતી હોવાની બુમ
રાજકોટમાં રાજય સરકારે 18 થી 44 વર્ષના વયજુથ લોકોને વેકસીન આપવાનો પ્રારંભ થયા બાદ આ વર્ગ માટે કવોટા તો જુદો છે પરંતુ 45 ઉપરના વયજુથના લોકો તરફ ધ્યાન દેવાનું તંત્રએ થોડુ ઓછું કરી નાખ્યાની છાપ ઉપસી રહી છે. રાજકોટમાં ગઇકાલે અમુક આરોગ્ય કેન્દ્ર પર વડીલો રસી લેવા ગયા હતા. પહેલો ડોઝ લેવામાં વેઇટીંગ હોય, તો સ્વભાવિક ગણી શકાય છે.

કારણ કે કોરોનાના મોટા રાઉન્ડ બાદ ભય વચ્ચે જાગૃતિ વધી છે. પરંતુ જેમને બીજો ડોઝ લેવાનો હોય તેમના માટે તો તંત્રએ સુચારૂ વ્યવસ્થા ચાલુ જ રાખવી જોઇએ. તેના બદલે અમુક જગ્યાએ 60 ઉપરના વડીલને બીજા ડોઝ માટે ના પાડીને 10 દિવસ બાદ આવવા કહેવાયું હતું. સરકારના કાગળ પરના નિયમ મુજબ 28 દિવસ બાદ કોઇપણ નાગરિક બીજો ડોઝ લઇ શકે છે. પરંતુ છેલ્લી મેડીકલ ગાઇડલાઇન મુજબ 42 થી 56 દિવસ બીજા ડોઝ માટે આદર્શ ગણવામાં આવે છે.

મોટા ભાગના આરોગ્ય કેન્દ્રોમાં 28 દિવસ બાદ બીજા ડોઝની ના પડાતી નથી. માર્ગદર્શન જરૂર આપવામાં આવે છે. પરંતુ કેટલાક વડીલોને 35 દિવસ બાદ પણ ડોઝ આપવાને બદલે અઠવાડિયા બાદ આવવાના જવાબો અપાતા તડકામાં સીનીયર સીટીઝનને ધકકા થતા હતા. બીજી તરફ વેકસીનેશન કેમ્પ પણ સ્ટોક સહિતની મર્યાદાના કારણે બંધ થઇ જતા આ એક આશિર્વાદરૂપ વ્યવસ્થા પણ હાલ તો બંધ થઇ ગઇ છે.


Related News

Loading...
Advertisement