ભૂદેવની સુસાઈટ નોટના આધારે પોલીસ એફઆઈઆર નોંધે: બ્રહ્મસમાજની માંગ

04 May 2021 06:11 PM
Rajkot Crime
  • ભૂદેવની સુસાઈટ નોટના આધારે પોલીસ એફઆઈઆર નોંધે: બ્રહ્મસમાજની માંગ

રાજકોટમાં કર્મકાંડી ભૂદેવ પરિવારના સામુહિક આત્મહત્યા પ્રયાસના સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘેરા પડઘા : કોઈપણ વ્યક્તિ મિલ્કત વેચાણના રૂા.1.20 કરોડ મળે તો આત્મહત્યા ન કરે તે સમજી શકાય તેવું સત્ય: પોલીસ છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતના આરોપો હેઠળ એફઆઈઆર નોંધી તપાસ કરે નહીંતર આંદોલનની ચેતવણી

રાજકોટ તા.4
રાજકોટના એક વિપ્ર પરિવાર દ્વારા મિલ્કત વેચાણમાં થયેલી છેતરપીંડી અને રૂા.1.20 કરોડની વેચાણ કિંમત સામે ફકત 12 લાખ આપીને ધાકધમકી તથા ચીટીંગ કરીને બાકીની રકમ મળી ગઈ છે

તેવું સાબીત કરવાના કેસમાં પરિવારના મોભી તથા તેના પુત્ર અને પુત્રીની આત્મહત્યામાં પોલીસ સુસાઈડ નોટના આધારે આકરા પગલા લે તેવી માંગણી સાથે આજે રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છના બ્રહ્મઅગ્રણી તથા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, કશ્યપભાઈ શુકલ અને જીતુ મહેતા તથા નિતીનભાઈ ભારદ્વાજ, દર્શિતભાઈ જાની વગેરે સહિતના અગ્રણીઓએ રજુઆત કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું

કે આ પ્રકરણમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજમાં ઘેરા પડઘા પડયા છે અને પોલીસ તુર્ત જ એકશન નહી લે તો આંદોલન જેવા પગલા પણ લેવાની બ્રહ્મસમાજને ફરજ પડશે. શ્રી કશ્યપ શુકલએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને મિલ્કત વેચાણના રૂા.1.20 કરોડ મળી જાય પછી આત્મહત્યા કરે નહી તે બહુ સ્પષ્ટ વાત છે. શાસ્ત્રીનગરમાં રહેતા કર્મકાંડી યુવાને પોતે ઝેરી દવા પી લીધી અને તેના દીકરા તથા દીકરીને ઝેરી દવા પાઈ દીધી હતી

જેમાં પુત્રનું મૃત્યુ થયુ છે અને પુત્રી ગંભીર હાલતમાં છે. ભૂદેવ કમલેશભાઈ લાંબડીયાએ બહુ સ્પષ્ટ રીતે પોતાની સુસાઈડ નોટમાં જે ઉલ્લેખ કર્યો છે તેના આધારે પોલીસ બળજબરીપૂર્વક નાણાં પડાવવા વિશ્ર્વાસઘાત, છેતરપીંડી વગેરે ગુનાની તપાસ માટે એફઆઈઆર નોંધી શકે છે અને જો સુસાઈડ નોટમાં લખેલું સત્ય જણાય તો આરોપીઓ સામે વધુ કાનૂની કાર્યવાહી કરી શકે છે પણ પોલીસે હજુ સુધી કોઈ પગલા લીધા નથી.

એટલું જ નહી જે કર્મકાંડી ભૂદેવ નિવેદન આપી શકવાની સ્થિતિમાં નથી તેની રાહ જુએ છે અને તે રીતે સમગ્ર કેસને વિલંબમાં નાંખવા પ્રયત્ન કરે છે જે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય બનશે નહી. આરોપીઓ દ્વારા કેટલાક ડાયરીના પાના ફાડી નંખાયા હોવાની રજુઆત કરવામાં આવી છે તે પણ આશ્ચર્યજનક છે. આ પ્રકારની વ્યાજખોરી તથા લાચાર પરિવારો પાસેથી નાણાં પડાવી લેવાની પ્રવૃતિ ચલાવી લેવાય નહી. પોલીસે તેમાં પગલા લેવા જ પડશે.

જો પોલીસ તપાસમાં વિપ્ર દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટ ખોટી પુરવાર થાય તો બી સમરી ભરી શકાય છે પણ પોલીસ હાથમાં હાથ જોડીને બેસી શકે નહી.


Related News

Loading...
Advertisement