કોરોના રસીકરણને લઈ 'આપ' મેદાને : ગુજરાતમાં વેક્સિન અંગે જાગૃતિ લાવવા રૂપાણી સરકારને સહકાર આપશે

04 May 2021 08:59 PM
Gujarat Politics
  • કોરોના રસીકરણને લઈ 'આપ' મેદાને : ગુજરાતમાં વેક્સિન અંગે જાગૃતિ લાવવા રૂપાણી સરકારને સહકાર આપશે

●ગુજરાતમાં 100% રસીકરણ કરવા આમ આદમી પાર્ટી પુરી મહેનત કરવા તૈયાર : ગોપાલ ઈટાલિયા ● ગુજરાત 'આપ'ના અધ્યક્ષ ઈટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને અસરકારક રસીકરણ માટે પાંચ સૂચનો કર્યા

રાજકોટઃ
આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પ્રદેશ સમિતિની ઓનલાઈન બેઠક મળી હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે કોરોના મુક્તિના એકમાત્ર ઉપાય તરીકે સઘન રસીકરણ કરવા ઉપર તેમજ રસીકરણ અંગે જનજાગૃતિ કાર્યક્રમો કરવા અંગે ઊંડાણથી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આવનારા દિવસોમાં રસીકરણ અભિયાન અસરકારક રીતે કરવામાં આવે તે સારું કેટલાક વૈકલ્પિક સૂચન, રજુઆત સાથે સહકાર આપવાની ખાતરી અપાઈ હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરાયેલી રજુઆતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, હાલમાં કોવિડ -૧૯નો બીજો વેવ ચાલી રહ્યો છે. બીજો વેવ કેટલો તીવ્ર, ઘાતક અને જીવલેણ છે તે આપણે જોઈ રહ્યા છીએ. મેડીકલ ક્ષેત્રનાં નિષ્ણાંતો અને દુનિયાના વૈજ્ઞાનિકોના મત મુજબ હજુ ત્રીજો વેવ પણ આવી શકે છે. જો બીજો વેવ આટલો ઘાતક હોય તો ત્રીજા વેવની કલ્પના પણ હચમચાવી મુકે એવી છે. કોરોના મહામારીમાંથી મુક્તિ મેળવવાનો સૌથી અસરકારક ઉપાય રસીકરણ છે. સંઘન રસીકરણ અભિયાનના માધ્યમથી દરેક નાગરિકને વહેલી તકે રસી મૂકી આપવામાં આવે તો સંભિવત ત્રીજા વેવની તીવ્રતાથી બચી શકાય એમ છે. જેથી ગુજરાતમાં ૧૦૦ ટકા રસીકરણ કરવા માટે આમ આદમી પાર્ટી પુરી મહેનત કરવા તૈયાર છે. આમ આદમી પાર્ટી તરફથી તમામ કાર્યકરો સઘન રસીકરણ અભિયાનમાં ભાગ લેવા ખુબ જ ઉત્સુક છે.

રજુઆત સાથે રસીકરણને અસરકાર બનાવવા માટે વૈકલ્પિક સૂચન પણ કરાયા હતા જે મુજબ આયોજનબદ્ધ રીતે “રસીકરણ અભિયાન" ની જાહેરાત કરવામાં આવે, અભિયાનના ભાગરૂપે સતત મહિનો ગુજરાતમાં રસીકરણ કરવામાં આવે જેથી લોકોમાં રસી મુકાવવા અંગે એક ઉત્સાહભર્યો માહોલ બને. તેમજ જેમ ચૂંટણીમાં બુથ લેવલની મતદાન વ્યવસ્થા કરવામાં આવે છે તેવી જ રીતે અગાઉથી બુથવાઈઝ તારીખ નક્કી કરીને દરેક બુથ ઉપર નિયત સમયે રસીકરણ વ્યવસ્થા કરવામાં આવે. આ સિવાય દરેક સરકારી શાળામાં અને સરકારી દવાખાનામાં રસીકરણ કેન્દ્ર ખોલવામાં આવે જેથી કરીને કોઈપણ વ્યક્તિ નજીકના રસીકરણ કેન્દ્ર ઉપર જઈને સરળતાથી રસી મુકાવી શકે. અને દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાના મતવિસ્તારમાં મહત્તમ રસીકરણ કરાવવા માટે અને રસીકરણ જનજાગૃતિ ફેલાવવા માટે જવાબદારી સોંપવામાં આવે. તથા સઘન રસીકરણ અભિયાન ચલાવી શકાય તે માટે પર્યાપ્ત માત્રામાં રસી ઉપલબ્ધ કરાવવામાં આવે.


Related News

Loading...
Advertisement