સંપૂર્ણ લોકડાઉન લાદો : વેપારી સંગઠનોએ ફરી ધોકો પછાડયો

07 May 2021 03:57 PM
Rajkot
  • સંપૂર્ણ લોકડાઉન લાદો : વેપારી સંગઠનોએ ફરી ધોકો પછાડયો

કોરોનાની ચેઇન તોડવા માટે હાલના નિયંત્રણો વેપાર-ધંધાને ગુંગળાવનારા: *શહેર માત્ર 40% જ બંધ છે : 60% ધંધા-રોજગાર રાબેતા મુજબ *લોકો કોવિડ ગાઇડ લાઇનનો ભંગ કરી ખુલ્લેઆમ ફરી રહ્યા છે *કોરોનાના કેસ ઘટવાના બદલે વધે છે : પગલા લેવાની માંગ સાથે બેઠક મળી

રાજકોટ તા.7
કોરોના વાયરસની રાક્ષસી મહામારીની ચેઇન તોડવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી તા.12 સુધી કડક નિયંત્રણો લાદી મીની લોકડાઉનનો અમલ શરૂ કરાવેલ છે. પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મીની લોકડાઉનનો કોઇ અર્થ સરતો નહી હોય અને કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર થઇ રહેલા વધારાના પગલે શહેરના વિવિધ વેપારી સંગઠનોએ ધોકો પછાડી હવે સંપૂર્ણ લોકડાઉન લાદવા માંગ ઉઠાવી છે.


આ અંગે આજે રાજકોટ રીટેઇલ રેડીમેઇડ ગાર્મેન્ટ એસોસીએશન, હોલસેલ ટેક્ષટાઇલ મર્ચન્ટ એસોસીએશન, લાખાજીરાજ રોડ એસોસીએશન, ધર્મેન્દ્ર રોડ એસોસીએશન, દિવાનપરા રોડ એસોસીએશન, ગુંદાવાડી રોડ એસોસીએશન સહિતના વિવિધ વેપારી સંગઠનોની તાકીદની બેઠક આજે મળી હતી. જેમાં કોરોનાની મહામારી સામે રાજય સરકાર દ્વારા હાલના વેપાર ધંધાને ગુંગળાવનારા ગણાવી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો સૂર વિવિધ એસોસીએશનના વેપારીઓએ ઉઠાવેલ હતો.


આ સંદર્ભે હોલસેલ ટેક્ષટાઇલ મર્ચન્ટ એસોસીએશનના હિતેશભાઇ અનડકટ તથા રીટેઇલ ગાર્મેન્ટ એસોસીએશનના સેક્રેટરી જયેશભાઇએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને નાથવા માટે તેમજ સંક્રમણની ચેઇન તોડવા માટે તા.12 સુધી મીની લોકડાઉન લાદેલ છે. જેના પગલે માત્ર 40 ટકા રીટેઇલ વેપાર ઠપ્પ છે અને આ રીટેઇલ વેપારીઓ તેનાથી પ્રભાવિત થયા છે.


જયારે શહેરમાં 60 ટકા ધંધા રોજગારો રાબેતા મુજબ ધમધમી રહ્યા છે. તેની સાથો સાથ લોકો કોવિડ-19ની ગાઇડ લાઇનનો ઉલાળ્યો કરી ખુલ્લેઆમ બજારોમાં ફરી રહ્યા છે. લોકોની અવર-જવર પહેલાની જેમ જ બજારોમાં દેખાઇ છે. મીની લોકડાઉનમાં આ સ્થિતિમાં કોઇ હેતુ શરતો નથી જેના પગલે કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં રોજ બરોજ ભારે ઉછાળો આવી રહ્યો છે. તેની સાથો સાથ કોરોના ગ્રસ્ત દર્દીઓના મોતનો આંકડો પણ ઉત્તરોતર વધી રહ્યો હોય સમગ્ર સમાજ આ મહામારીથી ભયભીત બન્યો છે.


આ સંજોગોમાં આ મહામારીને ડામવા માટે હવે સંપૂર્ણ લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે. ત્યારે રાજય સરકાર અને વહિવટી તંત્ર હવે આ દિશામાં સંપૂર્ણ લોકડાઉનની અમલવારી માટે તાબડતોબ પગલા ભરે તે અતિ આવશ્યક છે. વેપારી એસોસીએશનના આ હોદેદારોએ વધુમાં જણાવ્યું હતું કે હાલના આ મીની લોકડાઉનમાં શાક માર્કેટ, દાણા પીઠ, તેમજ કારખાનાઓ ખુલ્લા છે. ફકત નાના કાપડના વેપારીઓ રેડી મેઇડ, ગાર્મેન્ટસ, બુટ ચપ્પલ, પાર્લર, દરજી સહિતના વેપારીઓની દુકાનો બંધ છે. આ મીની લોકડાઉનથી કોરોનાની મહામારીનો ફૂંફાડો યથાવત રહ્યો હોય રાજય સરકાર હવે નક્કર પગલા લે તે અતિ આવશ્યક છે. વેપારીઓની આ બેઠકમાં મનીષભાઇ મહેતા, પંકજ બાટવીયા, જયેશ ધામેચા, વ્યોમેશ ઉનડકટ, હિતેશ નાગેચા, હિતેશ અનડકટ, દિનેશ ધામેચા, પરેશ જનાણી, હરેશ દાસાણી, ગોપાલભાઇ, કુશાલભાઇ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement