ટીમ ઈન્ડિયામાં પહેલી વખત એક સાથે છ ફાસ્ટ બોલરોની પસંદગી

08 May 2021 10:00 AM
Sports
  •  ટીમ ઈન્ડિયામાં પહેલી વખત એક સાથે છ ફાસ્ટ બોલરોની પસંદગી

ન્યુઝીલેન્ડની સાથે સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે આ બોલરો ઘાતક બની શકે: બુમરાહ, શમી, ઈશાંત, ઉમેશ, ઠાકુર અને સીરાજની જોડીમાંથી કોને તક મળે છે તે જોવું રહેશે રસપ્રદ: ગીલ-અગ્રવાલની પસંદગીએ સૌને ચોંકાવ્યા

નવીદિલ્હી, તા.8

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ અને ત્યારપછી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જે ટેસ્ટ ટીમની પસંદગી થઈ છે તેમાં સૌથી શાનદાર વાત શું છે ? કદાચ જ કોઈનું ધ્યાન આ વાત પર ગયું હશે. સામાન્ય રીતે હાર્દિક પંડ્યાનું ન હોવું અને અમુક ખેલાડીઓની ફિટનેસની સમસ્યા ચર્ચામાં આવી છે પરંતુ આ ટીમમાં છ એવા ફાસ્ટ બોલરોનું એક સાથે હોવું ભારતીય ટેસ્ટ ઈતિહાસની સૌથી સુખદ વાત છે.

ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સીરાજ. આ એ પાંચ ફાસ્ટ બોલર છે જેના ઉપર ભારતીય ક્રિકેટ ઈતિહાસને ગર્વ હશે અને જો આ ખેલાડીઓ ફીટ રહીને ટીમ ઈન્ડિયાને પહેલી ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતાડવામાં સફળ રહ્યા અને સાથે સાથે ઈંગ્લેન્ડમાં 15 વર્ષ બાદ એક ટેસ્ટ શ્રેણીમાં જીત હાંસલ કરે તો સુવર્ણ ઈતિહાસ રચાઈ જશે. આ તો સમગ્ર બોલિંગ એટેક (સ્પીન બોલરોની વિકેટ જોડીને)ના અનુભવને જોડવામાં આવે તો અંદાજે 1400 વિકેટ થાય છે પરંતુ ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની અસલી તાકાત ‘પંજો’ હશે. ભુવનેશ્ર્વર કુમાર અનફિટ થવાને કારણે આ ટીમનો હિસ્સો નથી નહીંતર ફાસ્ટ બોલરોની ફોજના તબક્કામાં કોઈ ટેસ્ટ ટીમમાં વેસ્ટ ઈન્ડિઝના દબદબા બાદ એક સાથે કોઈ એક ટીમમાં આટલા ફાસ્ટ બોલરો કદાચ જ સાથે જોવા મળ્યા હશે.

ઈશાંતે કપિલ દેવ અને ઝહીર ખાન બાદ સૌથી વધુ વિકેટ હાંસલ કરી છે તો શમીની જેમ સ્વિંગ બોલિંગનો જલવો નવા અને જૂના બોલથી બતાવવામાં કોઈ બોલર તેની તોલે ન આવી શકે. ઉમેશને હંમેશાની જેમ જ છુપો રુસ્તમ માનવામાં આવશે કેમ કે તેની રફ્તાર અને વિપરિત સ્થિતિમાં વિકેટ લેવાની ક્ષમતા તેને એક વેધક હથિયાર બનાવે છે. બુમરાહની કાબેલિયત ઉપર કોઈ સવાલ ઉભો થઈ જ શકે તેમ નથી. જ્યારે રહીસહી કચર મોહમ્મદ સીરાજ અને શાર્દૂલ ઠાકુર પૂરી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

બીજી બાજુ ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિએ ઓપનિંગ બેટસમેન શુભમન ગીલ અને મયંક અગ્રવાલને તક આપી છે ત્યારે આ કેટલું વ્યાજબી ઠરે છે તે જોવું રસપ્રદ રહેશે. આ ઉપરાંત ભારતને ફાસ્ટ બોલિંગ કરનારા ઓલરાઉન્ડરની કમી પણ સાલશે કેમ કે પસંદગીકારોએ હાર્દિક પંડ્યાને નજરઅંદાજ કર્યો છે.

 

વલસાડના અરજન નગવાસવાલાએ રચ્યો ઈતિહાસ: 46 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પારસી ખેલાડીની એન્ટ્રી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામેના મુકાબલા અને ત્યારપછી ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં વલસાડના ફાસ્ટ બોલર અરજન નાગવાસવાલાને પણ તક અપાઈ છે. અર્જન 23 વષનો છે અને આટલી નાની ઉંમરે તેણે ઈતિહાસ રચી દીધો છે. 46 વર્ષ બાદ તે ભારતીય પુરુષ ટીમ માટે પસંદ થનારો પહેલો પારસી ક્રિકેટર બન્યોછે. અર્જન પહેલાં ફારુખ એન્જીનિયર ટીમ ઈન્ડિયોનો હિસ્સો હતા.

 

પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગીલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે.એલ.રાહુલ, રિદ્ધિમાન શાહા ઉપરાંત સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન, અર્ઝન નગવાસવાલા.


Related News

Loading...
Advertisement