જુમાન્જી: યંગ એડલ્ટ્સ માટે ધાંસુ એન્ટરટેઇનમેન્ટ

08 May 2021 03:19 PM
Entertainment
  • જુમાન્જી: યંગ એડલ્ટ્સ માટે ધાંસુ એન્ટરટેઇનમેન્ટ

બહુ થોડા સિનેરસિકો એવા હશે જેમણે ‘જુમાન્જી’નો પહેલો ભાગ ન જોયો હોય. 1995ની જુમાન્જીની સ્ટોરી વિશે પહેલા આછડતો પરિચય મેળવી લઈએ. જુમાન્જી એક ઈન્ડોર રમતનું નામ છે. કાર્ડબોર્ડ પર રમાતી આ ગેમ, તેનાં ખૈલૈયાઓને જાદુઈ દુનિયાની સફર પર લઈ જાય છે. જ્યાંથી ફરી પોતાની વાસ્તવિક દુનિયામાં પરત ફરવા માટે ગેમ જીતવી પડે છે, નહિતર માણસ આખી જિંદગી ગેમમાં અંદર ફસાઈને રહી જાય છે. ફિલ્મનાં બીજા ભાગમાં કાર્ડબોર્ડનું સ્થાન વીડિયો ગેમને આપી દેવાયું છે.

ટીવી પર વીડિયો ગેમ રમવાનાં શોખીન ચાર ટીનેજર્સ, જુમાન્જીની માયાવી રમતમાં ફસાઈ એક જંગલમાં પહોંચી જાય છે. જ્યાં ચારે-ચાર યંગસ્ટર્સ જાદુઈ ગેમનાં અલગ-અલગ પાત્રો બની જાય છે. ડો. સ્મોલ્ડર બ્રેવસ્ટોન (ડ્વેન જોહ્નસન-ધ રોક), રૂબી રાઉન્ડહાઉસ (કેરન ગિલન), મૂઝ ફિનબાર (કેવિન હાર્ટ), પ્રોફેસર શેલી ઓબેરોન (જેક બ્લેક) પોતપોતાનાં કિરદાર ધારણ કરી જુમાન્જીની રોમાંચક સફર રમવાની શરૂ કરે છે. કોઈ પણ વીડિયો ગેમમાં જોવા મળે છે

તે જ રીતે અહીં પણ રમતનાં દરેક કેરેક્ટર્સ પાસે પોતપોતાના સુપર-પાવર તથા કમજોરી છે. ત્રણ લાઈફ-લાઈન છે, જેનાં ખર્ચાઈ જવા પર વ્યક્તિ વાસ્તવમાં મૃત્યુ પામી શકે છે. આખી સાહસયાત્રા દરમિયાન, વચ્ચે તેમને એક અજાણ્યા વ્યક્તિનો પરિચય થાય છે. (સ્પોઈલર એલર્ટ : આ પાત્ર વિશે અહીં વિગતવાર નહી જણાવી શકાય). ફિલ્મનું મુખ્ય પાસુ એડવેન્ચર છે. દિલધડક એક્શન સિક્વન્સ અને ધ રોકનાં સિક્સ-પેક બોડી સાથેની આ સફરમાં કોમેડી ફેક્ટર ઉમેરવામાં આવ્યું છે.

ફિલ્મની અંદર સુકલકડી ટીનેજર બોય સ્પેન્સરમાંથી બોડી-બિલ્ડરમેન બ્રેવસ્ટોન (ડ્વેન જોહ્નસન) તેમજ સ્કૂલની મોસ્ટ ફેમસ ઈન્સ્ટાગ્રામ ગર્લ બેથનીમાંથી ગેમનાં પુરુષ પાત્રમાં રૂપાંતરિત થયેલા શેલી ઓબેરોન (જેક બ્લેક)નો અભિનય પ્રેક્ષકને હસાવી-હસાવીને લોટપોટ કરી દે તેવો છે. જંગલની પૃષ્ઠભૂમિ હોવાને લીધે પ્રેક્ષક થ્રી-ડી ફિલ્મ જોવાનો આગ્રહ રાખે તે સ્વાભાવિક છે પરંતુ અહીં થ્રી-ડી ઈફેક્ટની જોઈએ તેવી મજા નથી આવતી. માટે પૈસાનો બચાવ કરી ટુ-ડી ફિલ્મ જોવા જવામાં કંઈ ખોટું નથી.

ઉપરાંત, ફિલ્મને જે પ્રકારે અપગ્રેડ કરીને ઓડિયન્સ સમક્ષ પેશ કરવામાં આવી છે તે જરાક નિરાશાજનક છે. બેશક, એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર છે પરંતુ ક્યાંક કશુંક ખૂટતું હોય તેવું લાગ્યા કરે છે. પહેલા ભાગમાં ટીનેજર્સનાં એડવેન્ચર પર ફોકસ કરાયું હતું જ્યારે અહીં દિગ્દર્શક જેક કાઝદાને એડલ્ટ કેરેક્ટર્સને લઈ જે કૃતિ બનાવી છે તેમાં ઓરિજીનલ ફિલ્મનો ટેસ્ટ ગાયબ થઈ ગયો છે. વિલન તરીકે બોબી કેનેવાલનું પાત્ર અત્યંત નબળું લખાયું છે જેનાં લીધે હીરોની મહત્તા ઘણા-ખરા અંશે દબાઈ જાય છે. છતાં પણ મજબૂત સ્ક્રીનપ્લેનાં પ્રતાપે ફિલ્મ અફલાતુન બની છે. ‘જુમાન્જી’ની સફર મસ્ત મજા કરાવે તેવી છે, ખાસ કરીને બાળકો માટે!

bhattparakh@yahoo.com

: ક્લાયમેક્સ:
ગુજરાતી ઑટીટી પ્લેટફોર્મ ‘ઓહો’ પર રીલિઝ થયેલી જબરદસ્ત વેબસીરિઝ ‘વિઠ્ઠલ તીડી’ જોઈ કે નહીં? અભિષેક જૈન સાત વર્ષ પછી દિગ્દર્શક તરીકે મેદાનમાં આવ્યા છે. ‘સ્કેમ 1992’ બાદ પ્રતિક ગાંધી પણ ફરી એકવાર પ્રેક્ષક સામે આવ્યા છે, જોવાનું ચૂકતાં નહીં.

કેમ જોવી? : બાળપણની રમેલી કેટલીક વીડિયો ગેમનાં સંસ્મરણો તાજા કરવા માટે!

કેમ ન જોવી? : ફક્ત ચાર-પાંચ સીન માટે દેખા દેતાં ખલનાયકને લીધે ફિલ્મમાં હીરોની હીરોગીરીનું પલડું વધારે પડતું ભારે થઈ ગયું છે!

સાંજ સ્ટાર: ત્રણ ચોકલેટ


Related News

Loading...
Advertisement