સિવિલમાં એક જ મહિનામાં 38 પ્રેગ્નેન્ટ મહિલાના મોત

08 May 2021 04:02 PM
Rajkot Saurashtra
  • સિવિલમાં એક જ મહિનામાં 38 પ્રેગ્નેન્ટ મહિલાના મોત

રાજકોટમાં 38 અને જૂનાગઢમાં 13 મહિલા મૃત્યુને ભેટ્યા: મૃત્યુદર અટકાવવા કોવિડ બિલ્ડિંગના ત્રીજા માળે લેબર રૂમ અને ઓપરેશન થિયેટર ઉભું કરાયું: મોટાભાગનાં મહિલા ‘ઑક્સિજન ડ્રોપ’ થવાને કારણે મૃત્યુ પામ્યાનું તારણ: જન્મેલા બાળક ઉપર પણ કોરોનાની જોરદાર અસર દેખાઈ:હાલ સિવિલ હોસ્પિટલમાં 19 મહિલાઓ દાખલ જેમાંથી 11 સર્ગભા છે અને અન્ય 8 મહિલાઓની પ્રસુતી થઇ ચૂકી છે. 4 સર્ગભા મહિલાઓ હાલ બાયપેપ પર છે.

રાજકોટ, તા.8
દિવસેને દિવસે ઘાતક બનતો જઈ રહેલો કોરોના વાયરસ યુવાનો-વૃદ્ધોની સાથે સાથે હવે ગર્ભવતિ મહિલાઓને પણ પોતાની હડફેટે ચડાવી રહ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં 38 પ્રેગ્નેન્ટ મહિલાના મોત થયા હોવાનું બહાર આવતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. મોતને ભેટલા મહિલાઓમાં રાજકોટ શહેરના 38 અને જૂનાગઢના 13 હોવાનું જાણવા મળ્યું છે. પ્રેગ્નેન્ટ મહિલાઓના મોતનો સિલસિલો સતત વધતો જતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ત્રીજા માળે લેબર રૂમ અને ઓપરેશન થિયેટર ઉભું કરવામાં આવ્યું છે. તબીબી તારણો અનુસાર મોતને ભેટલા મોટાભાગના મહિલા દર્દીને ‘ઑક્સિજન ડ્રોપ’ થવાની સમસ્યા નડી હતી અને આ જ કારણથી તેમનો પ્રાણ રૂંધાઈ ગયો હતો. દુ:ખની વાત એ છે કે મૃત્યુ પામેલી મહિલા થકી જન્મેલા બાળક ઉપર પણ કોરોનાની જોરદાર અસર જોવા મળી રહી છે.


આ અંગે સિવિલના તબીબી વર્તુળોએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા કોવિડ મહિલાઓમાં અમુક મહિલાઓને પાંચમો મહિનો ચાલતો હતો તો અમુક મહિલાને છઠ્ઠો મહિનો ચાલી રહ્યો હતો તો વળી અમુક મહિલાને નવમો મહિનો પૂર્ણ થવા આવ્યો હતો. જો કે આ વેળાએ જ તે કોરોના પોઝિટીવ થઈ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ આ દર્દીઓ ઉપર ફેબુ ફ્લુ, રેમડેસિવિર ઈન્જેક્શન, સ્ટીરોઈડ સહિતની દવાઓનો ઉપયોગ થઈ શકે તેમ ન હોવાને કારણે તબીબો સામે એક નવો પડકારો ઉભો થયો હતો. મોતને ભેટેલા મહિલાઓ પૈકીના અમુક મહિલા વેન્ટીલેટર ઉપર તો અમુકને બાયપેપ ઉપર રાખવામાં આવ્યા હતા પરંતુ મોટાભાગના મહિલા ઑક્સિજન ડ્રોપ મતલબ કે પૂરતી માત્રામાં ઑક્સિજન ન લઈ શકતાં મૃત્યુ પામ્યા છે.

આટલું ઓછું હોય તેમ અમુક મહિલાની ડિલિવરી થઈ ગયા બાદ તેના બાળક ઉપર પણ કોરોનાની જોરદાર અસર દેખાયાનું તબીબોએ જણાવ્યું હતું. સતત મૃત્યુ વધવાને કારણે હોસ્પિટલ દ્વારા કોવિડ બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર લેબર રૂમ અને ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે 10 જેટલા મહિલાઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા પરંતુ આ વખતે તો એક જ મહિનામાં ગત વર્ષની તુલનાએ પાંચ ગણા મૃત્યુ નોંધાઈ જતાં તબીબો પણ ચિંતીત બની ગયા છે અને મૃત્યુની રફ્તારને અટકાવવા માટે મહેનત કરીરહ્યા છે.


ગર્ભવતિ મહિલાઓએ શું ધ્યાન રાખવું ?

-ડબલ માસ્ક પહેરવું - બહાર ન નીકળવું
-પરિવારના સભ્યો સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું
- શાકભાજી સહિતની વસ્તુ લેવા બહાર નીકળે તો ડબલ માસ્ક અને ફેસશીલ્ડ પહેરવું
- શાકભાજી દરરોજ ખરીદવાનો આગ્રહ રાખવાની જગ્યાએ સપ્તાહનું શાકભાજી એક સાથે ખરીદી લેવું
- શાકભાજીને ગરમ પાણી સહિતનાથી ધોઈને જ પકાવવું
- હાથને સતત સેનિટાઈઝ કર્યે રાખવા

 

 

ગર્ભવતિ મહિલાની ઈમ્યુનિટી એમ પણ ડાઉન હોય છે તેમાં કોરોના થતાં હાલત વધુ બગડે છે: મૃત્યુ પાછળ લોહી જાડું થઈ જવું મુખ્ય કારણ: ડો.દર્શનાબેન પંડ્યા
બીજા વેવમાં ગર્ભવતિ મહિલાઓના મૃત્યુનું પ્રમાણ વધુ નોંધાવા લાગતાં તબીબો પણ ચિંતીત બન્યા છે ત્યારે આવું થવા પાછળનું મુખ્ય કારણ શું તે વિશે શહેરના જાણીના ગાયનેકોલોજીસ્ટ ડો.દર્શનાબેન પંડ્યાને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ગર્ભવતિ મહિલાનું રોગપ્રતિકારક શક્તિ એમ પણ ઓછી જ હોય છે અને તેમાં પણ તે કોરોનાગ્રસ્ત થઈ જતાં હાલત વધુ બગડી રહી છે. ખાસ કરીને પ્રેગ્નેન્ટ થયા બાદ તેમાં હોર્મોનલ ફેરફાર થાય છે. આ બધાની વચ્ચે તે કોરોનાગ્રસ્ત થાય એટલે તેનું લોહી ઝડપથી જાડું થઈ રહ્યું હોય તે મૃત્યુ થવા પાછળનું મુખ્ય કારણ છે. ગર્ભવતિ થયા બાદ ફેફસાની કાર્યક્ષમતા પણ ઘટી જતી હોય છે અને જો તેવામાં જ કોરોના લાગુ પડે એટલે હાલત બગડતાં વાર નથી લાગતું. ફેફસાની ક્ષમતા ઘટે એટલે તેની સીધી અસર હૃદય ઉપર દબાણ આવવા લાગે છે અને હૃદયના સ્નાયુ ઉપર સોજો આવવાનું પ્રમાણ વધી જતું હોવાને કારણે મહિલા મોતને ભેટી રહ્યા છે. જ્યાં સુધી ‘ઑક્સિજન ડ્રોપ’ મતલબ કે ઑક્સિજન ઓછો મળવાની વાત છે ત્યાં સુધી હું કહીશ કે પ્રેગ્નેન્ટ મહિલામાં નોન-પ્રેગ્નેન્ટ મહિલાની તુલનાએ ઑક્સિજન લેવાની કાર્યક્ષમતા ઓછી હોય છે. ખાસ કરીને ગર્ભવતિ મહિલા ઉપર રેમડેસિવિર ઈન્જેક્શન, ફેબીફ્લુ સહિતની દવાઓ પણ ઉપયોગ ન કરી શકાતી હોવાથી તે પણ તબીબો માટે મોટો પડકાર રહે છે.

38 મહિલાનાં મોત થવા ચિંતાની બાબત: ગર્ભવતિ મહિલાઓના ફેફસા કોરોનાએ મોટાભાગે ખરાબ કરી દીધા હોવાને કારણે ઈન્ફેક્શન લોડ વધી જાય છે: ડો.સોનલબેન શાહ
ગાયનેકોલોજીસ્ટ ડો.સોનલબેન શાહે જણાવ્યું હતું કે એક જ મહિનામાં 38 ગર્ભવતિ મહિલાના મોત થવા ચિંતાની બાબત છે. બીજી લહેરે ગર્ભવતિ મહિલાઓને પણ ખાસ્સી અસર પહોંચાડ્યાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે હું કહેવા માંગીશ કે ગર્ભવતિ મહિલા એવા સ્ટેજ પર પહોંચી ગયા હોય છે જ્યાં કોરોનાએ તેના ફેફસા વધુ પડતાં ખરાબ કરી દીધા હોય છે એટલા માટે મૃત્યુ થવા પાછળ આ એક કારણ પણ હોઈ શકે. આવી જ રીતે મોટી ઉંમરના મહિલા, ડાયાબીટીઝ હોય તેવા વ્યક્તિ ઉપર કોરોનાનું વધુ જોખમ રહે છે તેવી જ રીતે ગર્ભવતિ મહિલા ઉપર પણ કોરોનાનું જોખમ વધુ રહેતું હોય છે અને ગર્ભવતિ મહિલાના ફેફસા ખરાબ થઈ જવાને કારણે ઈન્ફેક્શનનો લોડ વધી જતો હોય છે. આ પ્રકારનું જોખમ બીજી લહેરમાં જ જોવા મળી રહ્યું છે કેમ કે પ્રથમ લહેરમાં તો મોટાભાગના ગર્ભવતિ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી નહોતી. આ ઉપરાંત જો ગર્ભવતિ મહિલા મૃત્યુ પામે તે પહેલાં બાળકની ડિલિવરી થઈ ગઈ હોય તો તે બાળક ખોડ-ખાંપણવાળું નહીં પરંતુ તેનું વજન ઓછું હોવા સહિતની અનેક સમસ્યા જોવા મળે છે. બીજું એ કે ગર્ભવતિ મહિલાઓને રેમડેસિવિર કે ફેબુફ્લુ સહિતની દવાઓ આપી શકાતી ન હોવાથી તેમનામાં રહેલો કોરોના ઝડપથી કાબૂમાં આવતો નથી.

 

 

 


Related News

Loading...
Advertisement