કોંગ્રેસે ધરણા શરૂ કરતા જ 11 આગેવાનોની અટકાયત

08 May 2021 05:33 PM
Rajkot Gujarat
  • કોંગ્રેસે ધરણા શરૂ કરતા જ 11 આગેવાનોની અટકાયત
  • કોંગ્રેસે ધરણા શરૂ કરતા જ 11 આગેવાનોની અટકાયત

ભાજપ સરકારની ખોટી નીતિથી લોકો મોતના મુખમાં ધકેલાય રહ્યાના આક્ષેપ સાથે:કોરોનાને પગલે રાજકોટ સહિત ગુજરાતની સ્થિતિ ગંભીર : હોસ્પિટલોમાં બેડ, ઓકસીજન, વેન્ટીલેટર, રેમડેસીવીર ઇન્જેકશન અને દવાની પુરતી વ્યવસ્થા કરવા માંગ

રાજકોટ, તા. 8
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસની બેકાબુ બનેલી મહામારીમાં ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારના અણધડ વહીવટ તેમજ સંકલનના અભાવ અને ખોટી નીતિના કારણે લોકો મોતના મુખમાં ધકેલાય રહ્યાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા આજે સવારના ત્રિકોણબાગ ખાતે ધરણા કરવામાં આવેલ હતા. આ ધરણાના 10 મીનીટ બાદ જ પોલીસ અધિકારીઓના કાફલાએ આવી ચડી સર્વશ્રી અશોકભાઇ ડાંગર, પ્રદીપભાઇ ત્રિવેદી, મહેશભાઇ રાજપૂત, વશરામભાઇ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા, સંજયભાઇ અજુડીયા, ઠાકરશીભાઇ ગજેરા, નારણભાઇ હિરપરા, સુરેશભાઇ ગરૈયા અને રવિભાઇ ડાંગર એમ 11 આગેવાનોની અટકાયત કરી હતી.


કોંગેસના આગેવાનોએ આ મામલે જણાવ્યું હતું કે રાજકોટ સહિત ગુજરાતની સ્થિતિ કોરોનાના ફુંફાડાના કારણે ગંભીર બની છે. ત્યારે લોકોના જીવ બચાવવા માટે જન આરોગ્યના હિતમાં હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડ, ઓકસીજન અને વેન્ટીલેટરની વ્યવસ્થા કરવા આરટી-પીસીઆર ટેસ્ટ માટે કીટ ફાળવવા માટે ર4 કલાકમાં ટેસ્ટીંગ રીપોર્ટ આપવા, રેમડેસીવીર અન્ય ઇન્જેકશન અને દવાઓની વ્યવસ્થા કરવા તેમજ હોસ્પિટલમાં મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફની પુરતી નિમણુંક કરવા માંગણી કરવા માટે તેઓએ માંગ ઉઠાવી છે અને આ મામલે જ આ ધરણાનો કાર્યક્રમ આપેલ હતો. દરમ્યાન કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે લો એન્ડ ઓર્ડર એક સરખો હોવો જોઇએ. કોરોના કાળમાં લોકોને જરૂરી આરોગ્ય સુવિધા આપવાની માંગણી સાથે તેઓએ આ કાર્યક્રમ આપેલ હતો. પરંતુ પોલીસ તંત્ર ભાજપનો હાથો બની ગયું છે. ત્રણ દિવસ પહેલા ભાજપને ધરણાની પરમીશન કયાં કાયદા હેઠળ અપાયેલ હતી ? તેઓ પ્રશ્ર્ન પણ મહેશ રાજપૂતે ઉઠાવેલ હતો.


Related News

Loading...
Advertisement