સીટી સ્કેનથી કેન્સર થાય છે તેવું એઈમ્સના વડા ડો.ગુલેરિયાનું નિવેદન હળાહળ ખોટું: IRIA

08 May 2021 05:54 PM
India
  • સીટી સ્કેનથી કેન્સર થાય છે તેવું એઈમ્સના વડા ડો.ગુલેરિયાનું નિવેદન હળાહળ ખોટું: IRIA

અત્યારના સીટી સ્કેન મશીનમાંથી 300થી 400 જેટલું નહીં માત્ર 5થી 10 એક્સ-રે જેટલું જ રેડિયેશન નીકળે છે: સીટી સ્કેન સ્કોરના આધારે જ અપાતા રેમડેસિવિર ઈન્જેક્શન: ભ્રમણા અંગે ઈન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઈમેજિંગ એસો.નો ખુલાસો

રાજકોટ, તા.8
તાજેતરમાં જ એઈમ્સ હોસ્પિટલ-દિલ્હીના વડા ડો.રણદીપ ગુલેરિયાએ એક નિવેદન આપ્યું હતું કે સીટી સ્કેન 300થી 400 એક્સ-રે ચેસ્ટ બરાબર છે અને વારંવાર સીટી સ્કેન કરાવવાથી કેન્સર થાય છે. તેમનું આ નિવેદન આવ્યા બાદ લોકોમાં ભય સાથે ભ્રમણા ફેલાઈ જવા પામી હતી. જો કે ડો.ગુલેરિયાના આ નિવેદનને ઈન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઈમેજિંગ એસોસિએશન દ્વારા હળાહળ ખોટું ગણાવીને સીટી સ્કેનના ફાયદા વિશે મહત્ત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા છે.

આ અંગે એસોસિએશનના પ્રમુખ ડો.આશુતોષ દવે અને સેક્રેટરી ડો.રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે ડો.ગુલેરિયાના નિવેદન મુજબ એક સીટી સ્કેન 300થી 400 એક્સ-રે ચેસ્ટ બરાબર છે અથવા તેનાથી કેન્સર થાય છે. આ વાત અત્યંત ખોટી અને જૂનવાણી છે. કોવિડ-19ના નિદાન માટે આરટી-પીસીઆર શ્રેષ્ઠ તપાસ છે આમ છતાં ‘મ્યુટેશન’ કે ટેક્નીકલ ક્ષતિના કારણે શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે તો સીટી સ્કેન મારફતે તેનું નિદાન થઈ શકે છે.

આ ઉપરાંત આરટી-પીસીઆરથી નિદાન થાય છે પરંતુ સીટી સ્કેનથી રોગનું સ્ટેજિંગ, તેનો વ્યાપ, નુકસાન વગેરેની ખબર પડે છે તેમજ સારવાર કરનારને ક્યા લેવલની સારવાર કરવી તેનો અંદાજ આવે છે. સીટી સ્કેનથી રોગનું ‘માઈલ્ડ મોડરેટ’ અથવા ‘સિવિયર’ કેટેગરીમાં વર્ગીકરણ થાય છે, ફેફસાના નુકસાનનો અંદાજ આવે છે. રેમડેસિવિર જેવા ઈન્જેક્શન પણ સરકાર સીટી સ્કોરના આધારે જ આપે છે જે તેની માન્યતા કે ઉપયોગીતા નથી તો શું છે ?

ઘણી વખત ઑક્સિજનનું પ્રમાણ ઘરેલું હોય પરંતુ વ્યક્તિને તેનો અંદાજ આવતો નથી. આવા કેસમાં સીટી સ્કેન ઘણું કારગત નિવડતું હોય છે.બન્ને પદાધિકારીઓએ જણાવ્યું કે સીટી સ્કેન ગણતરીની મિનિટોમાં થઈ જાય છે તેમજ તરત રિપોર્ટ પણ આવી જાય છે જ્યારે આરટી-પીસીઆરમાં વાર લાગે છે એટલે શંકાસ્પદ દર્દી જણાય તો સારવાર કરનાર ડોક્ટર કોઈ પણ રિપોર્ટની રાહ જોયા વગર ઈમરજન્સીમાં સીટી સ્કેન કરાવે છે

જેનાથી સારવાર પણ તરત ચાલું થાય છે અને બે-ત્રણ દિવસ સુધી પેશન્સ સુપર સ્પ્રેડર થતું અટકે છે. આ ઉપરાંત સીટી ચેસ્ટથી જ કોવિડ સાથે ભળતી બીમારી જેવી કે બેક્ટેરિયલ ન્યુમોનિયા, હૃદયનો દમ વગેરે પણ પકડાઈ જાય છે. ખાસ વાત એ છે કે સીટી સ્કેનમાંથી 300થી 400 જેટલું એક્સ-રે રેડિયેશન મળે છે એ વાત જૂની-પુરાણી છે કેમ કે અત્યારે આધુનિક પ્રકારના મશક્ષન આવી ગયા છે જેમાંથી પાંચથી દસ એક્સ-રે જેટલું જ રેડિયેશન મળે છે. દરેક મશીન કેટલું રેડિયેશન આપે છે તેનું સમયાંતરે માન્ય સંસ્થા દ્વારા ચેકિંગ થાય છે અને તેનો રેકોર્ડ પણ ઉપલબ્ધ હોય છે.


Related News

Loading...
Advertisement