ધ્યાન સાધનામાં પૂર્ણ આનંદની અનુભૂતિ થાય તો પરમાત્માનો સાક્ષાત્કાર સમીપે

10 May 2021 03:53 PM
Dharmik
  • ધ્યાન સાધનામાં પૂર્ણ આનંદની અનુભૂતિ થાય તો પરમાત્માનો સાક્ષાત્કાર સમીપે

જયાં સુધી ‘હું’ પદ મનમાંથી ન નીકળે ત્યાં સુધી ધ્યાન સાધના અધુરી : મનુષ્ય અને પરમાત્માની વચ્ચે જે સૌથી મોટી દીવાલ છે તે પરમાત્મા તરફથી નહિ, મનુષ્ય તરફથી છે

ધ્યાનને શ્વાસ સાથે ગાઢ સંબંધ છે, શ્વાસ આપણા આત્મા અને શરીરને જોડનારો સેતુ છે, ગતાંકમાં ઉપરોકત વિષય પર આલેખન કરવામાં આવેલ હવે આગળ.દસ મિનિટનો પ્રયોગ છે, ‘સર્વ સ્વીકાર’નો અર્થાત જે કંઇપણ થઇ રહ્યું છે તેનાથી હું રાજી છું, મારો કોઇ વિરોધ નથી. પક્ષી અવાજ કરે છે, હું રાજી છું અને જયારે તમે રાજી થઇને શાંતિથી, આનંદથી, સ્વીકારથી પક્ષીનો અવાજ સાંભળશો તો મેળવશો કે પક્ષીનો અવાજ તમારી ભીતરમાં ગુંજે છે. તે અવાજ કોઇ બાધારૂપ નથી. પરંતુ તે અવાજ પછી તમે વધારે શાંત થઇ જશો. જેમ કે કયારેક અંધારી રાતમાં ચાલતા હો અને ગાડી નીકળી જાય તો કારનો પ્રકાશ ચાલ્યા ગયા બાદ રસ્તો અને અંધારૂ લાગે છે તેમ અવાજ પસાર થશે જો આપણે તેનો વિરોધ ન કર્યો તો શાંતિ પાછળથી આવી જાય છે.


સર્વ સ્વીકારના પ્રયોગ વગર ધ્યાનમાં જવું અસંભવ છે. તમે હિમાલય પર ભાગીને જઇ શકતા નથી અને ત્યાં પણ ભાગીને ચાલ્યા જાઓ તો ત્યાં પણ કંઇ ન કંઇ થઇ રહ્યું છે. માણસ બોલશે નહિ તો પક્ષી બોલશે. હવામાં વૃક્ષોના પાંદડા લહેરાશે. અને અવાજ થશે સમગ્ર જગતમાં જીવન છે. જીવનનો અવાજ છે. તેનાથી ભાગી શકાતુ નથી. તેનો સ્વીકાર કરવો પડે અને જયારે ચારે તરફ પરમાત્મા છે તો બધા અવાજો તેના છે. વિરોધ ઉચિત પણ નથી. એક પક્ષી અવાજ કરે છે તો તે પણ પરમાત્મા જ અવાજ કરી રહ્યા છે. સુકા પાંદડા હવાથી ઉડે છે તો તે પણ પરમાત્મા છે અને આપણે આ બધાની સાથે એક થઇ જવાનું છે.


ત્રીજા સૂત્રમાં પ્રથમ બે સૂત્રોનો પ્રયોગ ચાલુ રહેશે અને ત્રીજુ સૂત્ર પણ જોડાઇ જશે. ‘સર્વ સ્વીકાર’નો ભાવ મનમાં રાખવો કે જે કંઇપણ થઇ રહ્યું છે તેમાં હું રાજી છું, મનમાં વિરોધ લેવાની જરૂર નથી. તડકો તેજ છે તો તેજ છે તેમાં હું રાજી છું અને ધ્યાન શ્ર્વાસ પર જ ચાલુ રહેશે અને ત્રીજી વાત તેમાં જોડવાની છે કે ‘હું નથી, હું મટી ગયો છું, જેમ પાણીનું ટીપુ સાગરમાં પડે અને ખોવાઇ જાય એમ હું ખોવાઇ ગયો છું.જેમ જેમ આ ભાવનું ચિંતન ઉંડુ થતું જશે તેમ ‘તે’ છે તેવો ભાવ જાતે પ્રગટ થવા લાગશે. અહીં ‘હું’ મટી જઇશ ત્યાં જ તેનું જાવું શરૂ થઇ જશે. મનુષ્ય આ ભાવને અંતર-મનમાં જોડી દેશે તો પરમાત્માના દર્શન થયા વિના રહેશે નહિ. ચોવીસ કલાકમાં જો થોડીવાર માટે ખોવાઇ જવાનું બને તો ત્રેવીસ કલાકમાં જે સુખ શાંતિ ન મળી તે એક કલાકમાં મળી જશે અને બધુ મળી જશે. તેનો આનંદ અવર્ણનીય રહેશે.


પરંતુ આપણે એટલા કમજોર છીએ કે બે-ત્રણ મહિના કલાકનો સમય પરમાત્માને આપવો સંભવ થતો નથી. એક બે દિવસ કરીશુ અને વિચારશું કે કંઇ થશે કે નહિ થાય ?ત્રણ મહિના એક વાતનો ખ્યાલ રાખો કે કંઇ પણ ન થાય તો કશુ ગુમાવવાનું રહેશે નહિ, માણસ કુવો ખોદે છે, ત્યારે પહેલા દસ-વીસ ફુટ કે પચાસ ફુટ પથ્થરો જ ખોદવા પડે છે ત્યારે જલ સ્ત્રોત આવે છે અને ધ્યાન અર્થાત મનનું ખોદકામ, મનનો કુવો બનાવવો જયારે આપણે મનના ખોદકામ પર ઉતરીએ છીએ ત્યારે પ્રથમ પથ્થર જ હાથમાં આવે છે. પરંતુ એક દિવસ જલ સ્ત્રોત પણ આવે છે. પ્રતિક્ષા વધારે નહિ કરવી પડે પરંતુ આપણામાં થોડી પ્રતિક્ષા કરવાની ક્ષમતા પણ નથી.


સુરક્ષા કવચ વિધિ
ધ્યાનમાં બેસવા માટે શરીરને સીધુ અને ટટ્ટાર રાખવું. પદ્માસન કે સિદ્ધાસનમાં બેસવું, આંખો અર્ધ ખુલ્લી રાખવી.ઇષ્ટ મંત્ર : ગુરૂ મંત્રનો જાપ કરતી વખતે એ ભાવના રાખવી કે મારા ઈષ્ટદેવની કૃપાથી શકિતશાળી પ્રવાહ મારી અંદર પ્રવેશ કરી રહ્યો છે અને મારી અંદર સુદર્શન ચક્ર જેવો એક ઇન્દ્રધનુષી ઘેરો બનીને ઘૂમી રહ્યો છે ઇન્દ્રધનુષી પ્રકાશ મારી રક્ષા કરી રહ્યો છે. દુર્ભાવનારૂપી અંધકાર વિલીન થઇ ગયો છે અને સાત્વિક પ્રકાશ છવાયેલો છે. સુક્ષ્મ શકિતઓ આસુરી શકિતથી રક્ષા કરી રહી છે અને હું પૂર્ણત:નિશ્ચિત છું, શાશ્વત છું, જેટલી વાર શ્વાસ અંદર રોકાઇ શકે, ત્યારે આ ભાવનાને દોહરાવવી, અને માનસિક ચિત્ર બનાવી લેવું. આકાશની અંદર પૃથ્વી છે, પૃથ્વીની અંદર અનેક દેશ, અનેક સમુદ્ર, અનેક લોકો છે, તેમાનું એક તમારૂ શરીર આસન પર બેઠુ છે, તમે એક શરીર નથી પરંતુ અનેક શરીર, દેશ, સાગર, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ તથા પુરૂ બ્રહ્માંડના દ્રષ્ટા છો, સાક્ષી છો.ત્યારબાદ ધીરે ધીરે ૐનો દીર્ઘ ઉચ્ચારણ કરતાં શ્ર્વાસ બહાર કાઢવો મનોમન ભાવના કરવી કે મારા તમામ વિકાર દોષ બહાર નીકળી જાય મન, બુદ્ધિ, શુદ્ધ થઇ ગયા છે.


હવે આંખો બંધ રાખો પછી દસ મિનિટ સુધી શ્ર્વાસ પર જ ધ્યાન રાખો. ધ્યાનનો અર્થ એ છે કે શ્ર્વાસની જે ગતિ છે. ભીતર અને બહાર તે આપણાથી ચુકી ન જવાય. આપણે તેની સાથે અંદર-બહાર રહેવાનું છે. ઉંડો શ્વાસ લઇને અંદર જાઓ. પછી શ્ર્વાસ બહાર કાઢો. આ પ્રક્રિયા કરવાની છે. દસ મિનિટમાં મન ઘણું શુદ્ધ અને શાંત થઇ જશે.મનુષ્યના અને પરમાત્માની વચ્ચે જે સૌથી મોટી દીવાલ છે, તે દિવાલ પરમાત્મા તરફથી નહિ, મનુષ્યનો એ ખ્યાલ કે ‘હું’ છું, જયાં સુધી આ વિચાર, અહંકાર અને ગર્વ જેટલો મજબુત છે એટલી જ લાંબી દિવાલ આપણી અને તેની વચ્ચે ઉભી થઇ જાય છે. ધ્યાનની ક્રિયામાં ‘હું’નો શેષ થવો જરૂરી છે. અન્યથા દીવાલ તુટશે નહિ. ‘હું નથી’ આ ભાવમાં ડૂબી જવાનું છે. આંખો બંધ કરીને શાંત અને શરીરને શિથિલ રાખીને સૂઇ જવું.જો સંભવ હોય તો સવારે સ્નાન કર્યા પછી ધ્યાન કરવું. ત્રણ મહિના દરરોજ એક કલાક આપવી, ત્રણ મહિના પછી ધ્યાન માટે એક કલાક આપવો નહિ પડે, તે સ્વયં ગોઠવાઇ જશે. શાંતિનું કિરણ ઝળહળી ઉઠશે. પરમાત્માનો સ્પર્શ અનુભવાશે. ચિત્તમાં આનંદ છવાશે. પરમાનંદની અનુભૂતિ થવા માંડશે. જયાં પૂર્ણ આનંદ છે ત્યાં જ પરમાત્માનો નિવાસ છે.
(માહિતી પૂ. પારસમુનિ મ.)


Related News

Loading...
Advertisement