શહેરમાં નવા કેસ અને મૃત્યુ પણ ઘટયા : રીકવરી રેટ ફરી 90%ને પાર થયો

10 May 2021 04:04 PM
Rajkot Saurashtra
  • શહેરમાં નવા કેસ અને મૃત્યુ પણ ઘટયા : રીકવરી રેટ ફરી 90%ને પાર થયો

જિલ્લામાં રોજ થતા મૃત્યુમાં હવે શહેરના 40 ટકા દર્દી : મે માસમાં નવા કેસ કરતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં 800નો વધારો:છતાં માસ્ક હેઠળ મોં ઢાંકયા વગર નહીં જ ચાલે : સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન લોકો કરે તો જ વેકસીનના સારા પરિણામો મળી શકશે : આજે બપોર સુધીમાં નવા 146 કેસ

રાજકોટ, તા. 10
રાજકોટમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. માત્ર સરકારી આંકડા નહીં પરંતુ લેબોરેટરીથી માંડી હોસ્પિટલના બેડની સંખ્યા ઉપરથી પણ આ અંદાજ આવે છે ત્યારે શહેરી વિસ્તારમાં મૃત્યુનું પ્રમાણ પણ ઘણુ ઘટયાનું ચિત્ર દેખાયું છે. ગઇકાલે રાજકોટ જિલ્લામાં 41 અને આજે પપ મળી બે દિવસમાં 96 વ્યકિતના મૃત્યુ થયા હતા જેમાંથી શહેરના માત્ર 40 ટકા હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ આજે પણ કોરોનાના કેસમાં નવો વધારો ન થતા બપોર સુધીમાં 146 કેસ આવ્યા છે.


એપ્રિલ માસમાં કોરોનાએ પૂરા રાજકોટને ધ્રુજાવી દીધુ હતું. મે મહિનાનો પ્રારંભ થોડો રાહતભર્યો છે. મે મહિનાના પહેલા નવ દિવસમાં રાજકોટમાં કેસમાં સતત ઘટાડો થયો છે. તા.1ના રોજ 600થી વધુ તા. 4 અને 6ના રોજ 500થી વધુ કેસ હતા. તે બાદ 400 અને 400ની અંદર જ નવા દર્દી આવ્યા છે. તા.7, 8, 9ના રોજ પણ 400 અંદર નવા કેસ આવ્યા છે. નવ દિવસમાં કુલ 4046 નવા કેસ સામે 4868 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પહોંચતા રીકવરી રેટ 90.88 ટકા થયો છે. જિલ્લા તંત્ર દ્વારા રોજ મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવે છે. તેમાં પણ બે દિવસથી શહેરના 40 ટકા લોકોના અવસાન થાય છે. જોકે ગ્રામ્યના 60 ટકા લોકોના મૃત્યુ એ આંકડો પણ મોટો ચિંતાભર્યો છે. શહેરમાં છેલ્લા દિવસોમાં થયેલા મૃત્યુના કેસમાં પણ મોટા ભાગના દર્દી ઘણા દિવસોથી દાખલ અને વેન્ટીલેટર પર પણ હોવાનું જાણવા મળ્યું હતું.


કોરોનાની બીજી લહેરમાં રાજકોટના લગભગ કોઇ વિસ્તાર સંક્રમણથી બાકી રહ્યા નથી. ધીમે ધીમે કેસ ઘટવા તરફ દેખાઇ રહ્યા છે. પરંતુ લોકોએ હજુ જરા પણ બેદરકાર રહેવાની જરૂર નથી. કોરોના થયો હોય કે નહીં, વેકસીન લીધી હોય કે નહીં, ઘર બહાર નીકળો એટલે માસ્ક નીચે મોઢુ છુપાવીને જ રહેવાનું છે. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરવાથી કોરોનાને આમંત્રણ મળે છે તો સાબુ કે સેનીટાઇઝરથી સતત હાથ ધોવાની ટેવ જ લોકોને ચેપ લાગવાથી બચાવી શકે છે. એકંદરે ‘એસએમએસ’ (સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનીટાઇઝર) જ આ કોરોનાથી બચાવી શકે તેમ છે. હવે આ લડાઇમાં વેકસીન પણ સામેલ થઇ છે.


આજે બપોર સુધીમાં રાજકોટમાં નવા 146 કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંકડો 37717 પર પહોંચ્યો છે. જે સામે 90.88 ટકા એટલે કે 34145 દર્દી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. ગઇકાલ રવિવારે 6097 ટેસ્ટ કરવામાં આવતા 5.75 ટકા એટલે કે 35પ1 રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જે સામે 527 દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી હતી. આજ સુધી શહેરમાં 10.60 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝીટીવીટી રેટ 3.54 ટકા થયો છે.ગઇકાલે 24363 લોકોનો સર્વે કરવામાં આવતા શરદી, ઉધરસ, તાવના લક્ષણવાળા 90 દર્દી મળ્યા હતા. 77 ધનવંતરી રથે વધુ 14261 લોકોની ઓપીડી કરી હતી. તો 90 સંજીવની રથે 2424 પરિવારની મુલાકાત લીધી હતી. રવિવારે 104 હેલ્પલાઇન પર 133 અને 108 હેલ્પલાઇન પર 32 કોલ નોંધાયા હતા. તો આરોગ્ય કેન્દ્રોમાં 2063 લોકોની ઓપીડી નોંધાઇ છે.


રસીકરણ
દરમ્યાન રવિવારે રાજકોટમાં 18થી 44 વર્ષના 3503 અને 45 વર્ષથી મોટી ઉંમરના 4847 સહિત 8350 નાગરિકોએ રસી મુકાવી હતી. તો આજે બપોર સુધીમાં 18થી 44 વર્ષના વયજુથમાં 3865 અને 45 વર્ષ ઉપરના 3784 સહિત 7649 નાગરિકે ડોઝ લીધાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

 


Related News

Loading...
Advertisement