‘ઓહો’ પર એક વર્ષમાં 36થી વધુ ફિલ્મો, શો - વેબ સિરીઝ લોકો માણી શકશે : ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષામાં પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ

10 May 2021 04:41 PM
Rajkot Entertainment Gujarat
  • ‘ઓહો’ પર એક વર્ષમાં 36થી વધુ ફિલ્મો, શો - વેબ સિરીઝ લોકો માણી શકશે : ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષામાં પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ
  • ‘ઓહો’ પર એક વર્ષમાં 36થી વધુ ફિલ્મો, શો - વેબ સિરીઝ લોકો માણી શકશે : ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષામાં પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ
  • ‘ઓહો’ પર એક વર્ષમાં 36થી વધુ ફિલ્મો, શો - વેબ સિરીઝ લોકો માણી શકશે : ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષામાં પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ

‘સાંજ સમાચાર’ના ફેસબુક લાઈવમાં જોડાયા ફિલ્મ ડિરેકટર અભિષેક જૈન અને અભિનેતા પ્રતીક ગાંધી : પ્રથમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ’ઓહો’ અને વેબ સિરીઝ ’વિઠ્ઠલ તીડી’ અંગે કરી રસપ્રદ વાતો : ‘ઓહો’ ડેમોક્રેટિક પ્લેટફોર્મ, લોકોએ જ નામ આપ્યું અને લોકો પાસેથી વાર્તાઓ મંગાવી વેબ સિરીઝો બનાવાઈ : દર દસમાં દિવસે એક સિરીઝ - શોનો ઉમેરો થશે : વેબ સિરીઝ ’વિઠ્ઠલ તીડી’એ ધૂમ મચાવી, ધમાકેદાર પ્રતિસાદ : અસ્સલ કાઠિયાવાડી સ્ટોરી લોકોને ખૂબ પસંદ પડશે : સ્કેમ 1992 બાદ પ્રતિક ગાંધીની વેબસિરીઝને જબરો આવકાર : ઓહો પર આવી ’વિઠ્ઠલ તીડી’ : પૈસા વસુલ મનોરંજન

રાજકોટ, તા.10
પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ઓહો લોંચ કરવામાં આવ્યું છે. તેની સાથે હવે વિશ્ર્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતી અને ગુજરાતી ભાષામાં મનોરંજન માણવા ઇચ્છતા વ્યક્તિઓ આસનીથી ગુજરાતી ભાષામાં મનોરંજન માણી શકશે. આ પહેલ કરનાર ગુજરાતી ફિલ્મના યુવા ડાયરેકટર અભિષેક જૈન અને અભિનેતા પ્રતીક ગાંધી સાંજ સમાચારના ફેસબુક લાઈવમાં જોડાયા હતા. અને પોતાની આ શરૂઆત અંગે માહિતી આપી હતી.

ફેસબુક લાઈવમાં સાંજ સમાચારના યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ સાથે જોડાયેલા બન્ને યુવા આર્ટિસ્ટએ જણાવ્યું હતું કે, ઓહો ઓટીટી પ્લેટફોર્મ સર્વપ્રથમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ છે, જે ગુજરાતી ભાષાની વાર્તાઓ, કલાકારોની સર્જનાત્મકતા, આપણી સંસ્કૃતિ, વારસા, સંગીત સહિતની અન્ય ઘણી સમૃદ્ધ કન્ટેન્ટને વિશ્ર્વભરના દર્શકો સુધી લઇ જવામાં મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે. અભિષેક જૈનએ કહ્યું કે, ઓહો પર નરેશ કનોડિયા, રમેશ મહેતા અને રીટા ભાદુરી સહિતના ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારોની ફિલ્મો લોકો માણી શકશે. હાલ વિઠ્ઠલ તીડી વેબ સિરીઝ ઓહો પર આવી ગઈ છે.

અમે દર્શકોને વાયદો કરીએ છીએ કે દર દસ દિવસે ઓહો ઉપર એક નવી વેબ સિરીઝ આવશે. આગામી શો ’કડક મીઠી’ આવશે. જેમાં ચાલને જીવી લઈએ, લવની ભવાઈ જેવી ફિલ્મમાં કામ કરનાર આરોહી અભિનેત્રી છે. એ રીતે અન્ય બીજા અનેક શો આગામી દિવસોમાં આવશે. આ રીતે જો કોઈ વ્યક્તિ આ ઓહો એપ ડાઉનલોડ કરી સબ્સ્ક્રાઇબ કરે છે તો તેમને 499 રૂપિયામાં એક વર્ષ માટે ઓછામાં ઓછા આવા 36 કન્ટેન્ટ જોવા મળશે. ઉપરાંત આ ઓટીટી પ્લેટફોર્મ પર નવી ગુજરાતી ફિલ્મો, જૂની ગુજરાતી ફિલ્મો, મ્યુઝિક વીડિયો, ગુજરાતી સાહિત્યને લઈ આખી અલગ કેટેગરી, નોન ફિક્શન શો વગેરે જોવા મળશે,

આગામી દિવસોમાં ફૂડ શો પણ આવશે અને ટુરિઝમ સહિતના અનેક પ્રકારના મનોરંજક શો પણ જોવા મળશે. ‘સાંજ સમાચાર’ સાથે ઇન્ટરવ્યૂમાં જોડાયેલા ગુજરાતી આર્ટિસ્ટોએ વિઠ્ઠલ તીડી અને તેના શુટીંગ અંગે પણ ઘણી બધી વાતો કહી. સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકમાં શૂટિંગ થયું એ અંગે પણ તેમને રસપ્રદ વાતો કહી હતી. સાંજ સમાચાર ફેસ બુક લાઈવમાં જોડાયેલા અભિષેક જૈને જણાવ્યું કે, સૌ પ્રથમ જ્યારે એક ગુજરાતી ભાષાનું પોતીકું પ્લેટફોર્મ બનાવવાની વાત આવી ત્યારે અમે લોકોને અપીલ કરી હતી કે, કોઈ પણ વ્યક્તિ વાર્તાઓ મોકલાવી શકે છે. આ રીતે ’ઓહો’ ડેમોક્રેટિક પ્લેટફોર્મ છે.

સોશ્યલ મીડિયા થકી અપીલ કર્યા બાદ અનેક લોકોએ સ્ટોરી મોકલી હતી. અમને અનેક ઇ-મેઇલ મળ્યા હતા. આવા અનેક ઈ-મેઇલ થકી જ અમે માન્યું કે લોકો પોતાની ભાષાના કન્ટેન્ટને આટલું પોતીકું માની લે છે અને આવા લોકોનું જ ખૂબ મોટું યોગદાન રહ્યું છે આ પ્લેટફોર્મની જર્નીમાં, અમે તો ફક્ત એનાઉસમેન્ટ કરેલું બાકી લોકો જ અમને અહીં સુધી લાવ્યા છે અને લોકોએ જ આ પ્લેટફોર્મને ’ઓહો’ નામ આપ્યું છે.

શા માટે ’ઓહો’ અન્ય ઓટીટી પ્લેટફોર્મથી અલગ છે
ગુજરાતી ફિલ્મોના ડાયરેકટર અભિષેક જૈને કહ્યું કે, હાલ જેટલા પણ નેશનલ કે ઇન્ટરનેશનલ ઓટીટી પ્લેટફોર્મ છે તેમાં અન્ય ભાષાના કન્ટેન્ટ વચ્ચે ગુજરાતી કન્ટેન્ટ જોવું હોય તો અલગ અલગ ચાર - પાંચ જગ્યાએ જવું પડે છે. ગુજરાતી કન્ટેન્ટ શોધવું પડે છે. હું ક્યારેય નથી કે કહેતો કે અમે નેશનલ કે ઇન્ટરનેશનલ ઓટીટી પ્લેટફોર્મ સાથે હરીફાઈમાં છીએ પરંતુ અમે લોકો એક સોલ્યુશન આપી રહ્યા છીએ કે, તમને ગુજરાતી ભાષાનું બધું જ કન્ટેન્ટ એક જ જગ્યાએ મળી રહે તેવા અમારા પ્રયાસ છે. અને એ સંપૂર્ણ ગુજરાતી છે.

વેક્સિન જરૂરથી મુકાવો : સાંજ સમાચારના માધ્યમથી અપીલ કરતા પ્રતીક ગાંધી
અભિનેતા પ્રતીક ગાંધીએ સાંજ સમાચારના માધ્યમથી લોકોને અપીલ કરી હતી કે, કોરોના મહામારીના આ સમયમાં ઘરમાં જ રહો, એ ખૂબ અઘરું છે પરંતુ હાલમાં પોતાના અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા તેમ કરવું પડશે. અને જરૂરથી વેક્સિન મુકવવા તેઓએ ગુજરાતના નાગરિકોને અપીલ કરી હતી.

ગુજરાતી ફિલ્મના નવા યુગની શરૂઆતમાં અનેક પડકારો હતા
2011માં ’કેવી રીતે જઈશ’ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આવેલા અભિષેક જૈનને સાંજ સમાચારના યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ દ્વારા પૂછવામાં આવ્યું કે, શરૂઆતમાં કેવા પડકારો હતા જે તેમણે ફેસ કર્યા આ અંગે અભિષેકે જણાવ્યું કે શરૂઆતમાં અમે જ્યારે ફિલ્મ બનાવવાની શરૂઆત કરી ત્યારે ખૂબ મોટા પડકારો હતા

જેમકે, કાષ્ટ, ક્રુ, ટેકનોલોજી, રિલીઝ, માર્કેટિંગ તમામ વસ્તુમાં ચેલેન્જ હતો અને સૌથી મહત્વનું હતું કે ગુજરાતી ફિલ્મો માટે તે સમયમાં લોકોનો અભિપ્રાય હતો તે બદલવાનો હતો. ત્યારબાદ આ એક દસકામાં લોકોએ ગુજરાતી ફિલ્મોને ખૂબ આવકાર આપ્યો છે. ફિલ્મોને બોક્સ ઓફિસ પર પણ ખૂબ મોટી સફળતા મળી છે. હવે ખૂબ વિશાળ ઓડિયન્સ છે, મીડિયા સ્પોર્ટ છે ત્યારે અમારી જવાબદારી બની રહે છે કે લોકોને પસંદ આવે અને ઇન્ટરટેન કરી શકે તેવા કન્ટેન્ટ સાથે ગુજરાતી ફિલ્મો આપવી.

સૌરાષ્ટ્રનો લેહકો, આવકાર અને અસ્સલ કાઠિયાવાડી ભોજનને ભરપેટ વખાણતા અભિષેક - પ્રતીક
અભિનેતા પ્રતીક ગાંધી અને ડિરેકટર અભિષેક જૈને કહ્યું કે, ’વિઠ્ઠલ તીડી’નું શૂટિંગ કોરોના કાળમાં થયું અમે જ્યારે જૂનાગઢ - ગીરના રામપરા, લુસાણા ચોરવાડ, વિસનવેલ સહિતના ગામડાઓમાં શૂટિંગ કરતા હતા ત્યારે ખૂબ જ કાળજી રાખી માસ્ક પહેર્યા, પીપીઈ કીટ પણ પહેરી અને એક બાયો બબલ સાથે શૂટિંગ કર્યું. ઘણી વખત અમે જ્યારે જુદા - જુદાં પ્રાંતમાં શૂટિંગ માટે જતા હોય ત્યારે અમુક વખત પૂરતો સહકાર નથી મળતો કેટલાક લોકો જાણી જોયને વાહનના હોર્ન વગાડી શૂટિંગમાં ખલેલ કરે છે. ક્યારેક અહીં કોને પૂછી શૂટિંગ કરો છો તેમ કહે છે.

પરંતુ સૌરાષ્ટ્રના જૂનાગઢના ગામડામાં જ્યારે અમે શૂટિંગ કરતા હતા ત્યારે લોકોનો ખુબ જ સહકાર મળ્યો. શૂટિંગ વખતે ગ્રામ્ય લોકો જોવા આવતા પરંતુ શાંતિથી નિહાળતા. શૂટિંગ ચાલુ હોય ત્યારે કોઈ પણ પ્રકારનો ખલેલ ન થાય તેની કાળજી ગામના લોકો જ રાખતા. ઉપરાંત ત્યાંના લોકો તરફથી જે આવકાર મળ્યો તે ખૂબ જ અદ્ભુત હતો. શૂટિંગ વખતે રામપરા એ ગામ નહોતું રહ્યું પણ રામપરા સ્ટુડિયો બની ગયો હતો. ગમે તે રોડ પર શૂટિંગ કરો. ગમે તે ઘરમાં જઇ શૂટિંગ કરો, લોકો જે આવકાર આપતા તે યાદગાર રહ્યો. ગામડાના લોકો અમારી પાસે આવતા અને આખી ક્રુ ટીમનો જમણવાર રાખવો છે

તેમ કહેતા, અમારે ત્યાં જ જમજો તેવો આગ્રહ કરતા. અભિષેકે કહ્યું કે સિરીઝમાં કાઠિયાવાડી ટચ લાવવા માટે અમે આ ભાષાનો અને ત્યાં બોલતા શબ્દોનો ખુબ જ ઉપયોગ કર્યો, કાઠિયાવાડી ભાષા સ્વીટ છે અને તેના લેહકામાં વેઇટીરીઝમ છે. ઉપરાંત કાઠિયાવાડીના ગામડામાં જે કાઠિયાવાડી ભોજન તમને જમવા મળે તેનો સ્વાદ અદભુત હોય છે. તમે બહાર ક્યાંય કાઠિયાવાડી ભોજન જમો તેના કરતાં કાઠિયાવાડના ગામડામાં પીરસાતું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. હું તો ફુડીઝ છું.

લોકોનો એટલે મને તો શૂટિંગમાં ભારે મજા પડી ગઈ. પ્રતીક ગાંધીએ કહ્યું કે, ગીરમાં સિંહની ગર્જના સાંભળતા ત્યારે અમને ધ્રાસકો પડતો પરંતુ ત્યાંના લોકો માટે આ વાત સાવ સામાન્ય હતી. તેઓ લોકો પ્રકૃતિની વચ્ચે જીવી રહ્યા છે. નસીબદાર લોકોને જ આવી દુનિયા મળે છે. પ્રતીક ગાંધીએ કહ્યું કે, મેં ત્યાં જે દૂધ પીધું અને તેનો સ્વાદ મળ્યો, એવું દૂધ મેં ક્યારેય નહોતું પીધું.

અત્યાર સુધીના દરેક પાત્ર કરતા ’વિઠ્ઠલ તીડી’નું કેરેક્ટર રસપ્રદ અને અલગ હતું : પ્રતીક ગાંધી
‘વિઠ્ઠલ તીડી’ વેબ સિરીઝના મુખ્ય અભિનેતા પ્રતીક ગાંધીએ જણાવ્યું કે આ સિરિઝમાં 1980ના દશકની કાઠિયાવાડની સ્ટોરી છે. જેમાં વિઠ્ઠલમાં પત્તા માટેનું જે પેશન છે તે બતાવાયું છે અને સાથે આ ગેમલિંગ વચ્ચે તેની ફેમેલી લાઈફ અને પર્શનલ લાઈફમાં કેવા પડાવો આવે છે તેની સ્ટોરી છે. આ પાત્ર મેં અત્યાર સુધી ભજવેલા દરેક પાત્રથી અલગ હતું અને રસપ્રદ પણ રહ્યું.

ડિરેકટર અભિષેક જૈનના જણાવ્યા મુજબ આ સિરીઝમાં 80ના દશકનો પીરિયડ્સ બતાવવો, એ પ્રમાણે લોકેશન, રંગભૂષા, કોસ્ચ્યુમ બેકગ્રાઉન્ડ તમામ વસ્તુ પર ખૂબ સરસ કામ થયું છે. તે સમયે આણંદજી કલ્યાણજી, આરડી બર્મન વગેરેના મ્યુઝિક અને બચ્ચનના ડાયલોગને રેફરેન્સમાં લીધા છે. શુટીંગ જૂનાગઢ - ગીર પંથકના રામપરા, લુસાણા, ચોરવાડ અને વિસનવેલમાં થયું છે. થોડું શૂટિંગ અમદાવાદમાં કરાયું છે. ગીરમાં 16 દિવસ શૂટિંગ ચાલ્યું, ખરેખર આ સિરીઝની સ્ટોરી પ્રથમ અમને ટૂંકી વાર્તાના રૂપમાં મળી હતી.

બે અઢી વર્ષ પહેલાં ભાર્ગવ પુરોહિત કે જેમણે આ સિરીઝની પટકથા લખી છે. સંવાદ, ગીતો અને મ્યુઝિક આપ્યું છે તેઓ મુકેશ સોજીત્રા પાસેથી આ ટૂંકી વાર્તા લાવ્યા હતા બાદમાં મુકેશભાઈ સાથે કરાર થયા અને અમે વિઠ્ઠલની દુનિયામાં પ્રવેશ્યા, તે સાથે અમને ખરેખર ખ્યાલ આવ્યો કે આ મોટી ઘટના છે. ભલે હાલ ટૂંકી છે પણ આ લાંબી વાર્તા છે. જેથી અમે તેમાં પાત્રો ઉમેર્યા અને વેબ સિરીઝના ફોમમાં બનાવી. એટલે તેમાં એક વર્ષ જેવો સમય લાગ્યો

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સાંજ સમાચારનું મોટું યોગદાન : અભિષેક - પ્રતીક
સાંજ સમાચારના ફેસબુક લાઈવમાં જોડાયેલા અભિનેતા પ્રતીક ગાંધી અને અભિષેક જૈને જણાવ્યું કે, શરૂઆતથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને સાંજ સમાચારનો હંમેશા સહયોગ રહ્યો છે. અભિષેકે પોતાના કરિયરના શરૂઆતી દિવસોને યાદ કરી સાંજ સમાચારના યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ તરફથી મળેલા સહકાર અંગે પણ વાત કરી હતી અને આભારની લાગણી દર્શાવી હતી.

પ્રતીક ગાંધીએ પણ કેવી રીતે જઈશ તે ફિલ્મના પ્રમોશન અંગેની વાતો વાગોળી હતી અને દર વખતે જે રીતે સાંજ સમાચાર તરફથી સહયોગ મળ્યો છે. અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે જે પ્રયાસ કર્યો છે તેને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.


Related News

Loading...
Advertisement