કોંગ્રેસ શ્રેષ્ઠ નેતાઓને સાચવી શકતી નથી : ભાજપ તેમને મુખ્યમંત્રી પણ બનાવી દે છે

10 May 2021 04:56 PM
India Politics
  • કોંગ્રેસ શ્રેષ્ઠ નેતાઓને સાચવી શકતી નથી : ભાજપ તેમને મુખ્યમંત્રી પણ બનાવી દે છે
  • કોંગ્રેસ શ્રેષ્ઠ નેતાઓને સાચવી શકતી નથી : ભાજપ તેમને મુખ્યમંત્રી પણ બનાવી દે છે

ઉતર-પૂર્વમાં તમામ રાજયોમાં ભાજપની સત્તા આવી તે માટે કોંગ્રેસ મોવડી મંડળ આભારી : આસામમાં હેમંતા બિશ્વા શર્મા છેલ્લુ ઉદાહરણ : સંઘ પરિવારને પણ પોતાનો નિર્ણય બદલવાની ફરજ પાડનાર શકિતશાળી નેતા એક સમયે ઉતર-પૂર્વના કોંગ્રેસના સૌથી મોટા નેતા હતા : મણીપુર, અરૂણાચલ અને આસામ ઉપરાંત હવે પોંડીચેરીમાં પણ મુળ કોંગ્રેસી તેવા નેતા ભાજપ શાસનના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ એક સમયે કોંગ્રેસમાં જ હતા : આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડીની કિંમત કોંગ્રેસ સમજી નહીં : ગુજરાતની કેબીનેટમાં પણ મુળ કોંગ્રેસીને સ્થાન : શરદ પવારનો ઇતિહાસ તો જાણીતો છે

નવી દિલ્હી તા. 10
‘આજે હેમંતા એ નાગપુર મુખ્યાલયની જીદને કચડી નાંખી. આરએસએસ સર્બાનંદ સોનેવાલના પક્ષમાં હતુ પણ હેમંતા એ કહયુ કે 64 માંથી 50 ધારાસભ્યો મારી સાથે છે અને કોંગ્રેસ મારો જુનો પક્ષ છે. આજે પણ જવા ઇચ્છુ છું તો ચાલ્યો જઇશ. આટલુ કહીને હેમંતા એ ફોન સ્વીચ ઓફ કરી દીધો અને 3 કલાકમાં તેમના નામની આસામના મુખ્યમંત્રી તરીકે જાહેરાત થઇ ગઇ.’ ટવીટર પર ગઇકાલે આ એક ટવીટ એ જબરી ધમાલ મચાવી દીધી.

આસામના મુખ્યમંત્રી પદ માટે છેલ્લા 3 દીવસથી ભાજપ મોવડી મંડળ સતત ચર્ચા કરી રહયુ હતુ. વર્તમાન મુખ્યમંત્રી સર્બાનંદ સોનેવાલ અને નવા મુખ્યમંત્રી હેમંતા બિશ્વા સરમા વચ્ચે જબરી ટકકર હતી અને અંતે હેમંતા બિશ્વા મેદાન મારી ગયા. આ એ જ નેતા છે કે જેણે એક વખત ગુજરાતના કોમી રમખાણો બાદ એવુ નીવેદન કર્યુ હતુ કે ગુજરાતમાં પાઇપલાઇનથી મુસ્લીમોનું લોહી વહે છે. તેઓ તે સમયે કોંગ્રેસના ટોચના નેતા હતા અને ફકત આસામા જ નહીં પરંતુ સમગ્ર નોર્થ ઇસ્ટ ક્ષેત્રમાં હેમંતા બિશ્વાના નામના સીકકા ચાલતા હતા. પરંતુ એક તરફ આસામના તે સમયના કોંગ્રેસના મુખ્યમંત્રી હિતેશ્વર સાઇકીયા સાથેની ટકકર અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા તેમની ઉપેક્ષાથી કંટાળીને હેમંતા બિશ્વાસે ભાજપનું દામન પકડયુ અને આજે તેઓ આસામના મુખ્યમંત્રી બનવામાં સફળ રહયા છે.

પરંતુ તેઓ ઉતર પુર્વ ભારતમાં એવા પ્રથમ નેતા નથી કે જે આ ક્ષેત્રમાં ભાજપનો હાથ પકડીને મુખ્યમંત્રી બન્યા હોય. તો વાયએસઆર કોંગ્રેસના જગનમોહન રેડી એ એવા વ્યકિત છે કે જેને તેમના પિતા વાય.એસ. રાજશેખર રેડીના અચાનક જ નિધન બાદ 2009 માં કોંગ્રેસ પક્ષે જગનમોહન રેડીને મુખ્યમંત્રી બનાવવા ઇન્કાર કરી દીધો અને આજે તેઓ 2019ની ચુંટણી જીતીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સામેલ થયા છે. કોંગ્રેસ તેના નેતાઓને સાચવી શકતી નથી તે વાત વારંવાર કહેવામાં આવે છે અને ગુજરાત પણ તેનું શ્રૈષ્ઠ દૃષ્ટાંત છે. જયાં 2017 થી 2021 સુધીમાં કોંગ્રેસના અંદાજે 20 થી વધુ ધારાસભ્યોેએ પક્ષાંતર કરી અને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યુ અને તેમાં આજે કુંવરજીભાઇ બાવળીયા તથા જવાહર ચાવડા એ કેબીનેટ મંત્રી છે. કોંગ્રેસમાં તેઓ કદી આ સ્થાન મેળવી શકયા નહીં.

એટલુ જ નહીં 2017ની ચુંટણી બાદ વિપક્ષના નેતા બનવામાં કુંવરજીભાઇ બાવળીયા કે જેઓ 7 વખત કોંગ્રેસની ટીકીટ પર ધારાસભ્ય બન્યા અને ભાજપને ગુજરાતની સ્થાપના પછી કદી જસદણની બેઠક જીતવાની તક ન આપી તે જ કુંવરજીભાઇ બાવળીયા પક્ષાંતર કર્યા પછી 2 વખત ચુંટાયા. ઉતર પુર્વમાં નજર કરો તો 3 મુખ્યમંત્રીઓ મુળ કોંગ્રેસના છે કે જેઓ આજે ભાજપ શાસનના મુખ્યમંત્રી બન્યા છે. મમતા બેનરજીનું દૃષ્ટાંત લો તો મુળ કોંગ્રેસના પરંતુ મોવડી મંડળ તેની ક્ષમતા પારખી ન શકી અને બંગાળના વાઘણ તરીકે તેઓ પોતાનો પક્ષ રચ્યો અને આજે બંગાળમાંથી કોંગ્રેસનું નામ નિશાન મીટાવી દીધુ છે અને સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. આવી જ રીતે ઉતરાખંડમાં વિજય બહુગુણાએ કોંગ્રેસના મુખ્યમંત્રી હરીશ રાવત સામે 2016માં બળવો કર્યો અને બાદની ચુંટણીમાં ભાજપના જીત માટેનો માર્ગ કરી દીધો.

આજે તેના પુત્ર તથા ભાઇને તેનું ઇનામ મળી ગયુ છે. મણીપુરમાં ભાજપે એન.બીરેનસિંઘ ને 2016માં પોતાની સાથે લઇ લીધા જેઓ કોંગ્રેસમાં નંબર ટુ તરીકે સ્થાન ધરાવતા હતા અને મુખ્યમંત્રી ઓકરામ સામે બળવો કર્યો. બીજા વર્ષે ધારાસભા ચુંટણીમાં ભાજપના વિજયમાં તેઓ સારથી બન્યા. કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવ્યો હોવા છતા સરકાર રચી શકી નહીં અને અનેક વિઘ્નો છતા તેઓ મુખ્યમંત્રી તરીકે ચાલુ છે. ઉતર પુર્વના તમામ 8 રાજયોમાં ભાજપનું શાસન આવી ગયુ છે. અરુણાચલમાં હાલના મુખ્યમંત્રી પ્રેમખાંડુ એ ઓકટોબર 2016 માં કોંગ્રેસ છોડી અને અરુણાચલમાં પિપલ્સ પાર્ટી બનાવી બાદમાં 33 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયુ અને 2019 ની ચુંટણી જીતીને તેઓ રાજયના મુખ્યમંત્રી છે.

મધ્યપ્રદેશમાં જયોતીરાદિત્ય સિંધિયા એક મહત્વના મજબુત નેતા છે પણ કોંગ્રેસ તેને સાચવી ન શકી અને આજે ભાજપમાં સાંસદ છે અને આગામી સમયમાં તેનુ કદ વધી શકે છે. આ જ રીતે રાજસ્થાનમાં પણ સચીન પાયલોટ સતત કોંગ્રેસમાં ગુંગળાઇ રહયા છે અને ભાજપ તેનો લાભ ઉઠાવશે તે નિશ્ચીત છે. મહારાષ્ટ્રમાં એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા શરદ પવારનો રાજકીય ઇતિહાસ તો જાણીતો જ છે. જયારે છેલ્લે પોંડીચેરીમાં મુખ્યમંત્રી બનેલા એન. રંગાસ્વામી કોંગ્રેસના શાસનના 2 વખતના મુખ્યમંત્રી રહી ચુકયા છે અને બાદમાં પોતાનો અલગ પક્ષ રચીને આજે રાજયમાં ભાજપના ટેકાથી સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા છે.

ઉત્તર-પૂર્વના સ્ટ્રોંગમેન હેમંતા બિશ્વાએ આ ક્ષેત્રમાં ભાજપની પહોંચ મજબુત બનાવી
ફકત આસામ નહીં ઉત્તર-પૂર્વના રાજયોમાં ભાજપની સત્તા માટે બિશ્વાની કામગીરી રંગ લાવી
નવી દિલ્હી તા. 10 : આજે આસામના મુખ્યમંત્રી બનેલા હેમંતા બિશ્વાએ 2001માં પોતાની રાજકીય કારર્કીદી શરુ કરી અને કોંગ્રેસની ટીકીટ પર જાલુકબારી બેઠકના ધારાસભ્ય બન્યા. 2006માં તેઓ ફરી ચુંટાણા અને તરુણ ગોગોઇ સરકારમાં મંત્રી પણ બન્યા. પરંતુ 2014 ની લોકસભા ચુંટણી પુર્વે તેઓ ગોગોઇ સરકારમાંથી રાજીનામુ આપ્યુ અને 2015 માં કોંગ્રેસ પણ છોડી. વાસ્તવમાં હેમંતા બિશ્વાને લઇને ભાજપે આખુ ઉતર-પુર્વ સર કરી લીધુ હોય તેવુ કહેવુ ખોટુ નથી.

આ ક્ષેત્રમાં ભાજપનું અસ્તિત્વ આસામથી આગળ વધતુ ન હતુ. પરંતુ ભાજપે બિશ્વાને નોર્થ ઇસ્ટ ડેમોક્રેટીક એલાયન્સના ક્ધવીનર બનાવી દીધા. જોકે 2016 માં ભાજપે ધારાસભા ચુંટણીમાં સર્બાનંદ સોનેવાલને મુખ્યમંત્રી તરીકે રજુ કરીને રાજયમાં ભાજપની પ્રથમ સરકારનું નેતૃત્વ સોંપ્યુ તે સમયે સરમા પક્ષમાં નવા હતા તેવુ કારણ અપાયુ. જોકે સરમા એ લાંબી ઇનીંગ રમવાની તૈયારી કરી હતી અને ત્યારબાદ ઉતર પુર્વમાં ભાજપને અરુણાચલપ્રદેશ, ત્રીપુરા અને મણીપુરમાં સરકાર રચવામાં મુખ્ય ભુમીકા ભજવી હતી.

ઉપરાંત તેઓએ આસામમાં સીએએના વિરોધને પણ ખાળવામાં મહત્વની કામગીરી કરી અને એનઆરસીનો જે વિરોધ હતો તેમાં પણ તેઓ અડગ રીતે ભાજપનો બચાવ કરવામાં ઉભા રહયા. એટલુ જ નહીં 2019માં તેઓએ લોકસભા ચુંટણીમાં પણ ઉતર પુર્વમાં ભાજપને સફળતા અપાવી અને દાવે તેઓ આજે મુખ્યમંત્રી બન્યા છે.


રાહુલ ગાંધી શ્વાનને બિસ્કીટ ખવડાવવામાં વ્યસ્ત રહયા અને શર્મા અપમાનથી સમસમી ગયા
હેમંતા બિશ્વાને 10 જનપથના પાછળના પ્રવેશદ્વારથી આવવા સોનિયા એ કહયુ હતુ
એક સમયે હેમંતા બિશ્વા શર્મા એ રાહુલ ગાંધીના એક ટવીટ પર જવાબ આપીને કોંગ્રેસનું મોવડી મંડળ તેના સિનીયર નેતાઓ કરતા પાલતુ પ્રાણીઓને વધુ સમય આપે છે તેવુ ખુલ્લુ કરી ગાંધી કુટુંબની પ્રાયોરીટી સામે પ્રશ્ર્ન ઉઠાવી લીધો હતો. રાહુલ ગાંધીએ ટવીટ કરીને તેમના પાલતુ શ્વાન પીડીની વાત કરી તો હેમંતા બિશ્વાએ રસપ્રદ રીતે જવાબ આપ્યો અને તેમાં રાહુલ ગાંધીને પણ ટેગ કર્યા કે પીડીને મારાથી વધુ સારી રીતે કોણ ઓળખી શકે.

મને હજુ એ યાદ છે કે હું જયારે આસામની અગત્યની ચર્ચા કરવા માટે આવ્યો હતો ત્યારે તમે શ્વાનને બિસ્કીટ ખવડાવવામાં વ્યસ્ત હતા. આ બાદ હેમંતા બિશ્વા રાહુલ ગાંધીનું નિવાસ છોડીને ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત અન્ય એક સમયે જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઇએ સોનીયા ગાંધીને તાકીને લખ્યુ કે 2015 માં તેઓ સોનીયાને મળવા ગયા ત્યારે 10 જનપથના પાછળના પ્રવેશદ્વારનો ઉપયોગ કરવા જણાવ્યુ હતુ અને જયારે આ માટે કારણ પુછાયુ તો સોનીયાનો જવાબ હતો

કે હું મારા પુત્રની ઇચ્છા વિરુધ્ધ જઇ શકુ નહીં. આ બાદ શર્માને તાકીને રાજદીપે લખ્યુ કે 2015 માં તેઓ ભાજપના મહામંત્રી રામ માધવ મારફત ભાજપમાં જોડાયા અને તે પુર્વે અનેક વખત રાહુલ ગાંધીએ તેમને ફોન કરવા પ્રયત્ન કર્યો પણ તેઓએ ઉપાડયો નહીં. અંતે એકવખત રાહુલને જણાવી દીધુ કે સોરી રાહુલજી મેં અમિત શાહને વચન આપી દીધુ છે હવે ઘણુ મોડુ થઇ ગયુ છે.

કોંગ્રેસમાં પણ હેમંતા બિશ્વાને વધુ ધારાસભ્યનું સમર્થન હતુ પણ રાહુલે સીએમ બનવા ન દીધા
2006 અને 2011ની આસામની ચુંટણીમાં કોંગ્રેસના એક મહત્વના વ્યુહબાજ તરીકે સાબિત થયેલા હેમંતા બિશ્વા વાસ્તવમાં કોંગ્રેસ પક્ષમાં પણ લોકપ્રિય હતા પરંતુ મુખ્યમંત્રી તરુણ ગોગોઇ પોતાના પુત્રની કારર્કીદી આગળ ધપાવવા માંગતા હતા અને હેમંતા બિશ્વાને સાઇડ લાઇન કરવા માટે કોંગ્રેસ મોવડી મંડળ પર દબાણ લાવ્યુ હતુ. 2011 માં આસામમાં કોંગ્રેસના 78 માંથી 54 ધારાસભ્યો હેમંતા બિશ્વાની સાથે હતા પરંતુ રાહુલ ગાંધીએ તરુણ ગોગોઇને મહત્વ આપ્યુ અને બિશ્વાની હાથમાંથી તક નીકળી ગઇ અને તેણે અંતે બદલો લીધો છે.


Related News

Loading...
Advertisement