કોરોના બેડની માહિતી હવે આંગળીના ટેરવે : 1474 પથારી ખાલી

10 May 2021 05:04 PM
Rajkot Saurashtra
  • કોરોના બેડની માહિતી હવે આંગળીના ટેરવે : 1474 પથારી ખાલી

જિલ્લા વહિવટી તંત્રનો નવતર પ્રયોગ : કોરોના બેડનીઉપલબ્ધી માટેનું વેબ પોર્ટલ શરૂ કરાયું : દર્દીઓને રાહત:ત્રણ-ચાર બેડની નાની કોરોના હોસ્પિટલોમાં હવે દર્દીઓ નથી: સિવિલમાં 113 અને 40 ખાનગીમાં 583 બેડ ઉપલબ્ધ

રાજકોટ તા.10
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ માસથી વધી રહેલા સંક્રમણને કારણે કોરોના બેડ મેળવવામાં દર્દીઓને મોટી મુશ્કેલી પડી હતી. પરંતુ હવે જિલ્લા વહિવટી તંત્રએ કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ઉપલબ્ધ છે તે માટેનું એક વેબ પોર્ટલ લોન્ચ કર્યુ છે. કોઇપણ દર્દીના સગા વ્હાલાઓને આંગળીના ટેરવે હોસ્પિટલમાં ખાલી બેડની વિગત મળી રહેશે આ ઉપરાંત કલેકટર તંત્રમાં બેડ માટેની 24/7 કંટ્રોલરૂમની સેવા કાર્યરત રાખી હોવાનું વહિવટી તંત્રના સૂત્રોમાંથી જાણવા મળેલુ છે.


રાજકોટ શહેર અને જિલ્લામાં માર્ચ મહિનાના પ્રારંભથી કોરોનાએ માથુ ઉચકયુ હતું. એપ્રિલના મઘ્યભાગ સુધી કોઇપણ કોરોના દર્દીને બેડ મેળવવા માટે મોટી મુશ્કેલી પડતી હતી. હવે પરિસ્થિતિ ધીમે-ધીમે કાબુમાં આતી જાય છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરે કોરોના દર્દીની સહાય માટે વેબ પોર્ટલ લોંચ કર્યુ છે. જેમાં સરકારી તેમજ શહેરની 40 જેટલી ખાનગી હોસ્પિટલોમાં ઓકસીજન તેમજ વેન્ટિલેટર બેડ કેટલા ઉપલબ્ધ છે તેની વિગત કોઇપણ વ્યકિત આંગળીના ટેરવે મેળવી શકશે. બીજી તરફ મળતી વિગત મુજબ જિલ્લા વહિવટી તંત્રના અનુરોધથી પાંચ-સાત બેડની સગવડતાવાળી નાની-નાની કોવિડ હોસ્પિટલો શરૂકરી હતી તેમાં નર્સિંગ હોમ અને મેટરનીટી હોમનો સમાવેશ થયો હતો. તે પૈકીની મોટા ભાગની આવી નાની હોસ્પિટલો ખાલી થઇ ગઇ છે. આવી 20 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ નહી હોવાની વિગરો બહાર આવી છે.


રાજકોટ શહેર અને જિલ્લામાં આજે લાંબા સમય બાદ 6856 કોરોના બેડની સાપેક્ષમાં 1474 જેટલા બેડ પ્રથમ વખત ઉપલબ્ધ હોવાનો દાવો વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેેમાં સિવિલ હોસ્પિલમાં 808 બેડમાંથી 695 દર્દીઓ સારવાર હેઠળ છે અને 113 બેડ ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલમાં ઓન ધ સ્પોટ દર્દીઓને દાખલ કરી દેવામાં આવે છે. સમરસ હોસ્ટેલમાં પણ 754 બેડમાંથી 83 બેડ ખાલી હોવાનાું જાહેર કરવામાં આવ્યું છે. જયારે પોસ્ટ કોવિડ દર્દીઓની સારવાર કરની કેન્સર હોસ્પિટલમાં 197 બેડમંથી 32 બેડ ખાલી હોવાનું જણાવાયાુું છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કોવિડ સેન્ટરમાં તમામ બેડ ભરેલા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.


દરમિયાન વહિવટી તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરની 40 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 3283 કોરોના બેડ શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકીના 2700 બેડ ભરેલા હોવાનું અને 583 બેડ ખાલી હોવાનું તંત્રના સૂત્રોએ જણાવતા ઉમેર્યુ હતું કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સારવાર કરતી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં 1551 બેડ શરૂ કરવામાં આવ્યા હોય, હાલમાં 913 એકટીવ કેસ સારવાર હેઠળ છે અને 638 પથારી ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. તંત્રના જણાવાયા મુજબ હવે કોરોના પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે. આજની તારીખે શહેર અને જિલ્લામાં 1474 બેડ ઉપલબ્ધ છે. સાથો સાથ હવે વહિવટી તંત્ર દ્વારા વેબ પોર્ટલ શરૂ કરવામાં આવતાં દર્દીઓને આંગળીના ટેરવે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોના બેડ કેટલાક અને કઇ જગ્યાએ ખાલી છે તેની વિગત મળી રહેશે તેવુ અંતમાં ઉમેર્યુ હતું.

રાજકોટમાં કોરોના હોસ્પિટલ બેડ અંગેની માહિતી જાણવા તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી ઉપરોક્ત ક્યુઆર કોડ સ્કેન કરો અથવા www.rajkot.gujarat.gov.in  પર વિઝીટ કરો.

 


Related News

Loading...
Advertisement