અમદાવાદ અને દિલ્હીમાં પ્રેક્ટિસ ગ્રાઉન્ડના ‘ઠેકાણા’ ન હોવાને કારણે કોરોના ઘૂસી ગયો !

11 May 2021 09:42 AM
Sports
  • અમદાવાદ અને દિલ્હીમાં પ્રેક્ટિસ ગ્રાઉન્ડના ‘ઠેકાણા’ ન હોવાને કારણે કોરોના ઘૂસી ગયો !

મોદી સ્ટેડિયમની બાજુના ગ્રાઉન્ડ તૈયાર ન થઈ શકતાં ખેલાડીઓએ ગુજરાત કોલેજના મેદાનમાં પ્રેક્ટિસ કરવા જવું પડ્યું’તું: દિલ્હીની હાલત પણ કંઈક આવી જ થઈ હતી: બન્ને ગ્રાઉન્ડ પર માળી, સુરક્ષાકર્મીઓ સહિતનો સ્ટાફ પહેલાંથી જ તૈનાત હોવાને કારણે ખેલાડીઓ સંક્રમિત થવાની સંભાવના હતી

નવીદિલ્હી, તા.11

આઈપીએલ-2021ને ખેલાડીઓ અને અમુક સહયોગી સ્ટાફ સંક્રમિત થયા બાદ ટાળી દેવામાં આવ્યો છે. દરમિયાન હવે ટૂર્નામેન્ટ સ્થગિત થવાનું કારણ પણ સામે આવ્યું છે. લીગનાં બીચા તબક્કા માટે બીસીસીઆઈએ દિલ્હી અને અમદાવાદને પસંદ કર્યા હતા જ્યાં પ્રેક્ટિસની વ્યવસ્થિત સુવિધાઓ નહોતી અને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું અને તેમાં અનેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફના લોકો કોરોના પોઝિટીવ થઈ ગયા હતા. આ જ કારણથી ટૂર્નામેન્ટને 29 મેચથી જ અટકાવી દેવામાં આવી હતી.

આ મામલા સાથે જોડાયેલા બીસીસીઆઈના એક પદાધિકારીએ જણાવ્યું કે ક્રિકેટ બોર્ડ અને સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનું માનવું હતું કે દિલ્હી તેમજ અમદાવાદમાં બીજા તબક્કાનાં મુકાબલા રમાડવાનો નિર્ણય ખોટો હતો. દરેક શહેરમાં ચાર ટીમો હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ મેદાન પર લીગના મેચ પણ રમાડવામાં આવ્યા હતા પરંતુ પ્રેક્ટિસ માટે જે ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરાવાયા હતા ત્યાં કોરોનાના સંપર્કમાં આવવાની પૂરેપૂરી સંભાવના હતી.

દિલ્હીમાં ચેન્નાઈ સુપરકિંગ્સે રોશનઆરા ક્લબના મેદાનમાં પ્રેક્ટિસ કરી હતી તો અમદાવાદમાં રહેલી ટીમને સુવિધાના અભાવે ગુજરાત કોલેજના મેદાન પર પ્રેક્ટિસ કરવી પડી હતી. આ બન્ને શહેરોના વેન્યુ ભીડભાડવાળા અથવા તો જૂના વિસ્તારોમાં હતા.

પદાધિકારીએ જણાવ્યું કે મોટેરામાં નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સમસ્યા એ છે કે આસપાસના મેદાનો હજુ તૈયાર થયા નથી. પ્રેક્ટિસ દરમિયાન ખેલાડી અહીં મોટા શોટસ રમી શકતા નથી એટલા માટે તેમણે ગુજરાત કોલેજના મેદાન પર પ્રેક્ટિસ માટે જવું પડ્યું હતું જે ખતરારૂપ ગણાતું હતું કેમ કે ત્યાં પહેલાંથી જ માળી, સુરક્ષાકર્મી અને અન્ય સ્ટાફ તૈનાત હતો જેથી ખેલાડીઓની સંક્રમિત થવાની સંભાવના ઘણી વધી ચૂકી હતી. આ મેદાન ઉપર કોલકત્તા નાઈટ રાઈડર્સ ઉપરાંત અન્ય બે ટીમોએ પ્રેક્ટિસ કરી હતી.

અમદાવાદની જેમ જ દિલ્હીના રોશનઆરા ક્લબ પણ ભીડભાડવાળો વિસ્તાર હતો જે મહામારીના તબક્કામાં પ્રેક્ટિસ માટે વ્યાજબી નહોતો. અહીં પણ સ્થાનિક સ્ટાફ તૈનાત હતો જે ખેલાડીઓને સંક્રમિત કરી શકતો હતો. દિલ્હીમં જે હોટેલ પાસે આઈપીએલ ટીમો રોકાઈ હતી તેની નજીક જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીનું પણ ગ્રાઉન્ડ હતું જે ઘણું જ સુરક્ષિત હતી પરંતુ ત્યાં પીચને લઈને પરેશાની ઉભી થવાથી ખેલાડીઓને પ્રેક્ટિસ માટે રોશનઆરા ક્લબના ગ્રાઉન્ડ પર મોકલવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement