હવે આઈપીએલના બાકી રહેલા મેચમાં નહીં રમે ઈંગ્લેન્ડના ખેલાડીઓ

11 May 2021 09:53 AM
Sports
  • હવે આઈપીએલના બાકી રહેલા મેચમાં નહીં રમે ઈંગ્લેન્ડના ખેલાડીઓ

ઈંગ્લીશ ખેલાડીઓ તેની નેશનલ ટીમને મહત્ત્વ આપશે

નવીદિલ્હી, તા.11

કોરોના વાયરસને કારણે આઈપીએલની 14મી સીઝને વચ્ચેથી જ સ્થગિત કરી દેવાઈ છે. અનેક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ આ વાયરસની ઝપટમાં આવી ગયા હતા. આઈપીએલની આ સીઝનમાં 29 મેચ રમાઈ ચૂક્યા હતા. ટૂર્નામેન્ટ સ્થગિત થયા બાદ મોટાભાગના ખેલાડીઓ પોતપોતાના ઘેર પણ પહોંચી ગયા છે. આ સીઝનને પૂરી કરાવવા પર સતત ચર્ચા કરવામાં આવી રહી છે. દરમિયાન એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે જો આઈપીએલની આ સીઝનના બાકી બચેલા મેચનું આયોજન બાદમાં કરવામાં આવે છે તો ઈંગ્લેન્ડના ખેલાડીઓની તેમાં સામેલ થવાની સંભાવના બિલકુલ નથી.

ક્રિકઈન્ફોના અહેવાલ અનુસાર ઈંગ્લેન્ડના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ એશ્લે ગિલ્સે કહ્યું કે પહેલાં ઈંગ્લેન્ડ મેનેજમેન્ટે એક ડઝનથી વધુ ઈંગ્લીશ ખેલાડીઓને આઈપીએલમાં સામેલ થવાને કારણે જૂનના પ્રારંભે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ શ્રેણીને છોડવાની પરવાનગી આપી હતી પરંતુ હવે આઈપીએલના બાકી બચેલા મેચ અને ફ્યુચર ટુર પ્રોગ્રામની ટક્કર થવાની સંભાવના ઉભી થઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે સપ્ટેમ્બરનાબીજા હાફમાં અથવા નવેમ્બર વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાડાઈ શકે છે પરંતુ બન્ને સમયે ઈંગ્લેન્ડના ટોચના ખેલાડી પોતાની નેશનલ ટીમ સાથે વ્યસ્ત હશે.

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલીએ આઈપીએલને લઈને કહ્યું હતું કે ટી-20 લીગના બાકી રહેલા મેચ ભારતમાં રમાડી શકાશે નહીં સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યારે એ કહેવું ઉતાવળીયું ગણાશે કે ટૂર્નામેન્ટ ક્યારે આયોજિત થશે.


Related News

Loading...
Advertisement