મીની લોકડાઉન તા.20 સુધી લંબાશે: નવા વિસ્તારો અને વધુ નિયંત્રણો શકય

11 May 2021 04:28 PM
Rajkot Gujarat
  • મીની લોકડાઉન તા.20 સુધી લંબાશે: નવા વિસ્તારો અને વધુ નિયંત્રણો શકય

લગ્ન સમારોહમાં 50ની હાજરીની મર્યાદા તથા અંતિમ યાત્રામાં 20 ની છૂટ ઘટાડવા હાઈકોર્ટમાં સૂચન:સાંજે મુખ્યમંત્રીના અધ્યક્ષપદ હેઠળ કોર કમિટીની બેઠક: લગ્ન સમારોહ, અંતિમ યાત્રા અંગેના સુચન વિચારવા એડવોકેટ જનરલની ખાતરી:ગ્રામીણ ક્ષેત્રમાં સંક્રમણ જોતા રાત્રી કફર્યુ વધુ વિસ્તારોમાં આવી શકે: સરકાર ‘જોખમ’ લેવાના મુડમાં નથી.

રાજકોટ: ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેરને રોકવા અને સંક્રમણની ચેઈન તોડવા માટે રાજય સરકાર દ્વારા મીની લોકડાઉન જેવા પ્રતિબંધાત્મક આદેશો અમલી બનાવાયા છે તેની મુદત આવતીકાલ તા.12 ના રોજ પુરી થાય છે તે રાત્રી કફર્યુ સહિતના નિયંત્રણો વધુ 8 દિવસ એટલે કે તા.20 મે સુધી લંબાવાશે તેના નિશ્ર્ચિત સંકેતો મળી રહ્યા છે. તો બીજી તરફ આજે ગુજરાત હાઈકોર્ટમાં કોવિડ અંગેની સુઓ મોટો સુનાવણી સમયે એડવોકેટ એસો. દ્વારા રાજયમાં લગ્ન સમારોહમાં જે 50 લોકોની મર્યાદા છે તે ઘટાડવા અને અંતિમયાત્રામાં પણ 20 લોકોને સામેલ થવાની છૂટ છે તેના પર પણ નિયંત્રણ ઘટાડી 10 લોકો સુધી જ અંતિમ યાત્રા યોજવાની છૂટ આપવા માંગ કરી હતી અને આ તકે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ તેના પર રાજય સરકારની કોર કમીટી વિચારણા કરશે તેવી ખાતરી આપી હતી.આજે હાઈકોર્ટમાં સુનાવણી સમયે એડવોકેટ જનરલે એ પણ સંકેત આપતા રાજયમાં ગ્રામીણ ક્ષેત્રોમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેથી હાલ આઠ મહાનગરો સહીત 36 શહેરોમાં રાત્રી કફર્યુ-સહીતના નિયંત્રણો છે તે હવે વધુ શહેરો અને તેની સાથે સંકળાયેલા ગ્રામીણ ક્ષેત્ર સુધી લંબાવાય તેવી શકયતા નકારાતી નથી.


રાજયમાં કોરોના કેસ હજુ 11000 થી વધુ છે અને રીકવરી રેટ પણ 80 ટકા આસપાસ છે. તેથી સરકાર હાલ કોઈ જોખમ લેશે નહિં. જોકે આ અધકચરા લોકડાઉનથી મોટાભાગનાં વ્યાપાર ધંધા ગુંગળાઈ રહ્યા છે અને વેપારી સંગઠનો કાં તો કડક લોકડાઉન અથવા તો નિયંત્રણો હટાવી લેવાની માંગ કરે છે પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્ણ લોકડાઉન નહિં જ આવે તેવી વારંવાર જાહેરાત કરી છે. રાજય સરકારનું હવે પુરૂ ધ્યાન ગ્રામીણ ક્ષેત્ર છે જયાં સંક્રમણ વધી રહ્યું છે. તેથી કોઈ નિયંત્રણો ઘટે તેવી શકયતા નહિંવત છે. આજે સાંજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદ હેઠળ કોર કમીટીની બેઠક મળશે જેમાં નાયબ મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સથી સામેલ થશે અને હવે તેમાં સરકાર લગ્ન સમારોહ અને અંતિમયાત્રા પરના નિયંત્રણો અંગે હાઈકોર્ટમાં જે સુચન થયા છે તેનો અમલ કરશે કે કેમ તે પ્રશ્ન છે.


Related News

Loading...
Advertisement