રાજકોટ સિવિલમાં મુખ્યમંત્રી રૂપાણીની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે

11 May 2021 04:56 PM
Rajkot Gujarat
  • રાજકોટ સિવિલમાં મુખ્યમંત્રી રૂપાણીની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે

સીએમ રૂપાણીએ પોતાની ધારાસભ્ય તરીકેની રૂ.1.5 કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવી

રાજકોટ તા.11
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવારના ઉપયોગ માટે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવી આપી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીએ તાજેતરમાં કોર કમિટીની બેઠકમાં દરેક ધારાસભ્યોએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કોરોના કોવિડની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવા તેવો નિર્ણય કરેલો છે. એટલુંજ નહીં, જો કોઇ ધારાસભ્ય ઇચ્છે તો આવા સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ એમએલએ ગ્રાન્ટ પણ આપી શકશે તેવી જોગવાઇ પણ કરેલી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના આ કપરાકાળમાં જન સેવા દાયિત્વનો પહેલરૂપ અભિગમ અપનાવી ધારાસભ્ય તરીકેની પોતાની સંપૂર્ણ એટલે કે રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ રાજકોટની પીડીયુ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપી અન્યો માટે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરૂ પાડ્યું છે.


સિવિલ હોસ્પિટલમાં દસ ટનનો ઓકસીજન પ્લાન્ટ દોઢેક મહિનામાં ચાલુ કરવા તડામાર તૈયારી

ગોંડલ સરકારી હોસ્પિટલમાં પાંચ ટનનો પ્રાણવાયું પ્લાન્ટ એસબીઆઈના સહયોગથી તાબડતોબ ઉભો કરાશે :  સમરસમાંથી એક વર્ષ સુધી ઓકસીજન પાઈપલાઈન નહી કઢાય; સુવિધાઓ યથાવત રાખવા તંત્રનો નિર્ણય

રાજકોટ તા.11
રાજકોટની સીવીલ હોસ્પીટલમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની ગ્રાન્ટમાંથી દોઢ કરોડ રૂપિયાની ફાળવણી ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવા ફાળવી છે ત્યારે ટુંકાગાળામાં સીવીલ હોસ્પીટલમાં 10 ટનનો મહાકાય ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવા જીલ્લા કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી હોવાનું વહીવટીતંત્રના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. રાજકોટ શહેર અને જીલ્લાની સરકારી હોસ્પીટલોમાં ઓકસીજન પ્લાન્ટ ઉભા કરવા માટે જીલ્લા કલેકટરે મેગા કવાયત હાથ ધરી છે જેમાં પ્રથમ તબકકામાં રાજકોટની સીવીલ હોસ્પીટલમાં 10 ટનનો મહાકાય ઓકસીજન પ્લાન્ટ તાબડતોબ ઉભો કરવામાં આવશે. આ માટે થઈને મુખ્યમંત્રીએ પોતાની ગ્રાન્ટમાંથી દોઢ કરોડની ફાળવણી કરી દીધી છે. સાથોસાથ ધારાસભ્યો પાસેથી પણ ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવા માટેની ગ્રાન્ટ મેળવવા માટે દરખાસ્તો કરવામાં આવી છે. બીજી તરફ ગોંડલની સરકારી હોસ્પીટલમાં 38 લાખના ખર્ચે પાંચ ટનનો ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આ માટે થઈને એસબીઆઈ દ્વારા તમામ રકમ ફાળવવામાં આવી છે. સાથોસાથ તંત્રના જણાવાયા મુજબ સમરસ હોસ્ટેલમાં હાલમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં 1400 બેડમાં ઓકસીજન પાઈપલાઈન બીછાવવામાં આવી છે તે પાઈપલાઈન એક વર્ષ સુધી કાઢવામાં આવશે નહી અને તમામ સુવિધાઓ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અંતમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement