સવારે વેકસીન સ્લોટ ‘કલોઝ રાખી રાત્રે ઓપન’ કરવાનું કારસ્તાન!

11 May 2021 05:11 PM
Rajkot Gujarat Saurashtra
  • સવારે વેકસીન સ્લોટ ‘કલોઝ રાખી રાત્રે ઓપન’ કરવાનું કારસ્તાન!

ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં તત્કાલની જેમ સ્લોટ ફુલ થઇ જતા હોવાની હાલત વચ્ચે ચોંકાવનારી ઘટના : ચંપકનગર આરોગ્ય કેન્દ્રએ સવારે 10 વાગ્યાના બદલે સાંજે 7.30 કલાકે રજીસ્ટ્રેશન ઓપન કર્યું : મોટાભાગના લાભાર્થી ઓનલાઇન કતારમાં રહી ગયા

રાજકોટ, તા. 11
તા.1 મેથી રાજય સરકારે રાજકોટમાં 18 થી 44 વર્ષના વયજુથ માટે કોરોના વેકસીનેશન શરૂ કરાવતા યુવાનોના ઉત્સાહ વચ્ચે તંત્રએ મર્યાદિત સ્ટોક સાથે વેકસીનેશન કરવું પડે છે. રોજ સવારે દસેક વાગ્યે સાઇટ ઓપન થાય તે બાદ 10 -15 મીનીટમાં જે તે કેન્દ્રના સ્લોટ ફુલ થઇ જતા હોય, મોટું વેઇટીંગ આ માટે ચાલે છે ત્યારે કોર્પો.ના એક આરોગ્ય કેન્દ્ર હેઠળની સ્કુલ માટેના સ્લોટમાં મોટી ગોલમાલ થઇ ગયાનું બહાર આવ્યું છે. આ સજજડ વ્યવસ્થામાં કોઇ ક્ષતિ નથી તેવા તંત્રના દાવા વચ્ચે આ કેન્દ્રના કેટલાક જવાબદારોએ સવારના બદલે સાંજે લીંક ખોલીને લાગતા વળગતાના રજીસ્ટ્રેશન કરાવી લેતા આ ઘટનાના આરોગ્ય શાખામાં ઘેરા પડઘા પડયા છે.


આ ગંભીર ઘટના અંગેની ફરીયાદ મ્યુનિ. કમિશ્નર સુધી પહોંચી છે અને સવારના બદલે સાંજે કેમ રજીસ્ટ્રેશન ઓપન કરવામાં આવ્યું તેના જવાબ માંગવામાં આવે તેવી શકયતા છે. આ અંગે આરોગ્ય કેન્દ્ર સુત્રોમાંથી મળતી વિગતો મુજબ તા.1થી રોજ સવારે સરકારે જાહેર કરેલી સાઇટ પર મહાપાલિકા રજીસ્ટ્રેશન ઓપન કરે છે. 18 થી 44 વર્ષના વયજુથમાં આવતા લોકો રોજ સવારે 10 વાગ્યા આસપાસ રેલવેની તત્કાલ ટીકીટ લેવાની હોય તે રીતે ઓનલાઇન બેસી જાય છે. પરંતુ કેન્દ્રવાઇઝ વધુમાં વધુ 100નો સ્લોટ ગઇકાલ સુધી રાખવામાં આવ્યો હતો. આથી 50 સ્કુલ બિલ્ડીંગ મળી પાંચ હજાર આસપાસ રસીકરણનો ટાર્ગેટ હોય છે. જે સામે સ્લોટ નહીં મેળવી શકનારા લોકોની સંખ્યા ખુબ મોટી છે.


50 શાળા બિલ્ડીંગમાં મનપા દ્વારા આ વયજુથના લોકો માટે વેકસીનેશન ચાલી રહ્યું છે. કોર્પો.ના કુલ ર1 આરોગ્ય કેન્દ્રો આવેલા છે. જેમાં એક-એક કેન્દ્ર હેઠળ બેથી ત્રણ કેન્દ્ર નકકી કરાયા છે અને સવારે આ આરોગ્ય કેન્દ્રમાંથી રજીસ્ટ્રેશન ઓપન કરવામાં આવે છે. ગઇકાલે ખુદ કમિશનરે સવારે 10 વાગ્યા આસપાસ રજીસ્ટ્રેશન ઓપન થાય છે અને 10-15 મીનીટમાં ફુલ થઇ જાય છે તેનો સ્વીકાર કર્યો હતો. છતાં સ્ટોકના આધારે વ્યવસ્થા વધતી રહેશે તેમ પણ કહ્યું હતું.


આ વ્યવસ્થા ઓનલાઇન અને ફુલપ્રુફ છે પરંતુ રજીસ્ટ્રેશન સેશનમાં ચેડા કરીને ગોલમાલ થઇ શકે તે શંકાને સમર્થન આપતી ઘટના બની છે. વોર્ડ નં.15માં થોરાળા નજીક ચંપકભાઇ વોરા ડિસ્પેન્સરી આવેલી છે. આ આરોગ્ય કેન્દ્રમાંથી ગઇકાલે સવારે 10 વાગ્યા એક શાળા બિલ્ડીંગ કેન્દ્રનું રજીસ્ટ્રેશન ઓપન કરવામાં આવ્યું ન હતું. બપોર સુધી તો બધાને કોઇ ટેકનીકલ ફોલ્ટ હોવાની શંકા હતી. પરંતુ સાંજે 7.30 આસપાસ એકાએક આ કેન્દ્રમાંથી જે તે શાળાનું રજીસ્ટ્રેશન ઓપન કરવામાં આવ્યુ અને થોડી મીનીટમાં જ તે ફુલ થઇ ગયું હતું. એટલે કે જયારે કોઇ લોકોને જાણ ન હોય ત્યારે રજીસ્ટ્રેશન ખુલ્યુ અને પેક પણ થઇ ગયું. આથી ચોકકસ લાગતા વળગતા લોકોને મેસેજ આપીને સ્લોટ ફાળવી દેવાનો ખેલ થયાની શંકા છે. નવાઇની વાત એ છે કે આ જ આરોગ્ય કેન્દ્રમાંથી અન્ય બે સાઇટના રજીસ્ટ્રેશન સવારે જ ખોલવામાં આવ્યા હતા. જયારે એક જ કેન્દ્ર સાંજે ખોલાતા કોઇ સાંઠગાંઠ રચાયાની ફરીયાદ ઉઠી છે. આ પહેલા પણ અમુક કેન્દ્ર હેઠળ 100ના બદલે 200 સુધી સ્લોટ ફાળવી દેવાયાની ફરીયાદો આવી હતી. સ્લોટ મળ્યા બાદ આરોગ્ય વિભાગે વેકસીનેશન કરવું જ પડે છે. આ રીતે આરોગ્ય કેન્દ્રના કોઇ જવાબદારો દ્વારા જ આવી ગેરરીતિ કરવામાં આવતા ચકચાર જાગી છે. આ નવા વયજુથમાં વેકસીન માટેની ઓનલાઇન કતાર ખુબ મોટી હોય છે. સરકાર અને કોર્પો.એ નોંધણીના આધારે જ વેકસીન આપવાની સુચારૂ વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ પુરેપુરા કેન્દ્રના રજીસ્ટ્રેશન ટાઇમ ફેરવી નાખવાની ચેષ્ઠા બહાર આવતા અન્ય કોઇ કેન્દ્રમાં તો આ પ્રકારે ખેલ થતા નથી ને તે સવાલ ઉઠયો છે. ખાસ કરીને પૂર્વ ઝોનના આરોગ્ય કેન્દ્રોમાં આ પ્રકારની અનેક માથાકૂટ અને 45 વર્ષ ઉપરના લોકોના ટોકન માટે રોજ રકઝક થતી હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement