કલેકટર કચેરી સામે 400 બેડની વધુ એક સરકારી હોસ્પિટલ ઉભી કરવા માટે દરખાસ્ત

11 May 2021 05:22 PM
Rajkot Saurashtra
  • કલેકટર કચેરી સામે 400 બેડની વધુ એક સરકારી હોસ્પિટલ ઉભી કરવા માટે દરખાસ્ત

કોરોના જેવી મહામારી આવે તો પહોંચી વળવા આગોતરૂ આયોજન : મુખ્યમંત્રીનો હકારાત્મક સૂર

ગાંધીનગર તા.11
રાજકોટની હાલની નવી સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ચિક્કાર થઇ ગઇ છે. સિવિલના અન્ય રોગના દર્દીઓને રેલવે હોસ્પિટલમાં ખસેડવા પડયા છે. ત્યારે ભવિષ્યમાં કોરોના જેવા ખતરનાક રોગોની સુનામી આવી પડે તો તેને પહોંચી વળવા રાજય સરકાર અત્યારથી જ આગોતરૂ પ્લાનીંગ કરવા જઇ રહી છે. જિલ્લા કલેકટર કચેરી રાજકોટની સામે આવેલ મનુબેન ઢેબર સેનીટોરીયમવાળી સરકારી જમીનમાં 400 બેડની અદ્યતન તમામ સગવડતાઓ ધરાવતી વધુ એક સિવિલ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી હાલ નિર્ણાયક ચર્ચાઓ થઇ છે. આ મુદ્દે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે અને મુખ્યમંત્રી પણ આ મામલે હકારાત્મક હોવાનું પણ ગાંધીનગરના ટોચના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.


રાજકોટ શહેર-જિલ્લામાં માર્ચ-એપ્રિલ દરમ્યાન કોરોના પીક ઉપર હતો. બેડ, વેન્ટિલેટર, ઓકસીજન માટે લોકો રઝળપાટ કરતા હતા. સિવિલ હોસ્પિટલ ચિક્કાર થઇ ગઇ હતી. આ તમામ સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા પરિસ્થિતિ કંટ્રોલ કરવા રાત-દિવસ કામગીરી કરવામાં આવી હતી. કોરોના જેવી કોઇ મહામારી ભવિષ્યમાં આવી પડે તો તેને પહોંચી વળવા સરકાર અત્યારથી હરકતમાં આવી છે. રાજકોટની હાલની સિવિલ ઉપરાંત વધારાની એક 400બેડની સિવિલ હોસ્પિટલમાંથી નવી ઉભી કરવા સરકાર તડામાર તૈયારી કરી રહી છે.


રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની સામેના ભાગે આવેલ જામટાવર રોડ પરના સરકારી માલિકીના મનુબેન ઢેબર સેનેટોરીયમવાળી કલેકટર-સરકારની માલિકીની જમીનમાં આ તદન નવી અને તમામ સુવિધાઓવાળી નવી સિવિલ બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જમીન પર સિવિલ જેવી જ નવી વધુ એક 400 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવે તો ભવિષ્યમાં જો કોઇ કોરોના મહામારી જેવી ઘાતક બિમારી આવી પડે તો સ્થિતિને પહોંચી વળવા આ આગોતરૂ આયોજન કરવામાં આવનાર છે. આ વાત સરકાર ગંભીરતાપૂર્વક ઘ્યાને લઇ રહી છે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ રાજકોટમાં વધુ એક સિવિલ 400 બેડની તમામ સુવિધાવાળી તૈયાર થાય તે માટે હકારાત્મક સુર વ્યકત કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.


Related News

Loading...
Advertisement