બેડી યાર્ડમાં હરરાજી બંધ છતાં ખાનગી વેપારની છૂટછાટ

11 May 2021 05:35 PM
Rajkot Saurashtra
  • બેડી યાર્ડમાં હરરાજી બંધ છતાં ખાનગી વેપારની છૂટછાટ

નાણાંની જરૂર હોય તેવા ખેડુતો માટે ‘વૈકલ્પિક માર્ગ’ : કમીશન એજન્ટ મારફત વેપારીને સીધા વેચાણની છુટ અપાઈ: આજે પ્રથમ દિવસે જુદી-જુદી જણસીઓ સાથે 50 વાહનો ખડકાયા

રાજકોટ તા.11
કોરોના કહેરને કારણે ત્રણ-ચાર અઠવાડીયાથી બંધ રહેલા માર્કેટ યાર્ડમાં હવે કમીશન એજન્ટ વેપારી-મારફત ખાનગી ધોરણે વેપાર કરવાની છુટ આપવામાં આવી હતી. હરરાજી પ્રક્રિયા વિના જ ખેડુતોનો માલ વેચાઈ શકે તેવા વૈકલ્પિક માર્ગ અંતર્ગત આજે 40 થી 50 વાહનો ઠલવાયા હતા.

કોરોનાની નવી લહેર ઘણી ગંભીર માલુમ પડયા બાદ રાજય સરકારે બે અઠવાડીયા પૂર્વે મીની લોકડાઉન જાહેર કર્યુ ત્યારે તમામ યાર્ડ પણ બંધ રાખવાની સુચના આપી હતી.રાજકોટના બેડી યાર્ડમાં જોકે તે પૂર્વે જ સ્વૈચ્છીક લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. યાર્ડ-હરરાજી બંધ હોવાના કારણે અમુક કિસ્સામાં ખેડુતોની હાલત કફોડી હોવાના કિસ્સા ધ્યાને આવતા રાજકોટ યાર્ડ દ્વારા વૈકલ્પીક માર્ગ કાઢવામાં આવ્યો છે અને ખાનગી ધોરણે વેપારની છૂટ્ટ આપવામા આવી છે. રાજકોટ યાર્ડના સેક્રેટરી તેજાણીએ કહ્યું કે સતાવાર હરરાજી બંધ જ છે પરંતુ ખેડુતને માલ વેચવો હોય તો પોતાના દલાલનો સીધો સંપર્ક કરી શકે છે.દલાલ પછી સંબંધીત વેપારીઓને માલના નમુના બતાવીને તેનુ વેચાણ થઈ શકશે અને તેવા માલને યાર્ડમાં આવવા દેવાશે. જે વેપારીએ સીધો લઈ લેવાનો રહેશે. આજથી જ આ છૂટછાટ આપવામાં આવી છે.પ્રથમ દિવસે 40-50 વાહનો આવ્યા હતા. તેમાં ઘઉં, ચણા, સહીતની જુદી જુદી જણસીઓ હતી. આ વ્યવસ્થામાં હરરાજી થતી નથી. એટલે ભીડ એકઠી થવાનો સવાલ નથી. બીજી તરફ ખેડૂતને નાણાની જરૂર હોય તો તે પૂર્ણ થઈ શકે છે.

યાર્ડના વેપારીઓએ એવો સુર દર્શાવ્યો હતો કે હરરાજી થાય તો ભીડને કંટ્રોલ કરવી મુશ્કેલ બનવાનું સ્વાભાવીક છે.નાણાની જરૂર હોય તેવા ખેડુતો માટે વ્યવસ્થા સારી છે. 12 મી સુધી સરકારી નિયંત્રણો છે, એટલે યાર્ડ ખોલવાનો સવાલ નથી.કદાચ સરકાર છૂટ આપે તો પણ યાર્ડ ચાલુ થવા વિશે આશંકા છે. કારર કે વેપારીઓ-કમીશન એજન્ટો હજુ કામકાજ પૂર્વવત કરવાના મૂડમાં નથી. ચાર દિવસથી કોરોનાનું સંક્રમણ હળવુ થયુ હોવા છતાં માણસોની ભીડ અને નોર્મલ વેપાર થવાના સંજોગોમાં નવેસરથી જોખમ ઉભુ થઈ જ શકે છે. અનેક વેપારી-દલાલો તથા કર્મચારીઓ સંક્રમિત થયા જ હતા.

સુત્રોએ એમ કહ્યુ છે કે સરકાર માર્કેટ યાર્ડ ખોલવાની છૂટ્ટ આપે તો પણ કયારથી અને કેવી રીતે ખોલવુ તેનો નિર્ણય જે તે સમયે લેવાશે. અત્યારે આ દિશામાં કોઈ વિચારણા નથી. વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ કામગીરીમાં ટ્રાફીક વધી જવા લાગે તો તે વિશે પણ ફેર સમીક્ષા કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement