મા અમૃતમ કાર્ડના આધાર પર કોરોનાની સારવારનો પરિપત્ર જ સરકારે ન મોકલ્યો

11 May 2021 06:27 PM
Rajkot
  • મા અમૃતમ કાર્ડના આધાર પર કોરોનાની 
સારવારનો પરિપત્ર જ સરકારે ન મોકલ્યો

દર્દીઓ લૂંટાતા રહ્યા : સરકારે માત્ર જાહેરાત જ કરી : ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના હિતમાં તુરંત વ્યવસ્થા ઉભી કરવા કોંગ્રેસની કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા.11
રાજય સરકારે ત્રણ અઠવાડિયા પહેલા મા અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડધારકને કોરોના સારવાર મફત આપવાની કરેલી જાહેરાત બાદ હજુ સુધી કોર્પો. કે જિલ્લા તંત્રને પરિપત્ર ન મોકલતા આ જાહેરાત હવામાં જ રહી ગઇ છે. તો આ કપરા સંજોગોમાં તુરંત આ યોજનાનો લાભ લોકોને અપાવવા કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો છે.


વોર્ડ નં.1પના કોંગી કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા તથા મકબુલભાઇ દાઉદાણીએ આજે મ્યુનિ. કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા આ યોજના હેઠળ કોવિડ-19ના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે સારવાર મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને હાઇકોર્ટમાં સોગંદનામુ પણ કરવામાં આવેલ છે. પરંતુ આ બંને યોજના હેઠળના કાર્ડ ધરાવતા કોઇપણ પરિવારને રાજકોટની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી નથી તે હકીકત છે. રાજકોટની પ્રજા કોરોના કાળમાં ગંભીર સંકટમાંથી પસાર થઇ રહી છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ સરકાર અને મનપાની વિચિત્ર નીતિથી હેરાન થઇ રહ્યા છે. કોઇ ખાનગી હોસ્પિટલ આ કાર્ડ પર સારવારની હા પાડતી નથી. આથી કોર્પો. હેઠળના વિસ્તારોમાં તત્કાલ ખાનગી હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર ચાલુ કરે તેવી માંગણી કરી છે.


તે દરમ્યાન આજે પણ આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે રાજય સરકાર તરફથી આવી કોઇ લેખિત સુચના કે પરિપત્ર હજુ આવ્યા નથી. આથી ખાનગી હોસ્પિટલોને સત્તાવાર સૂચના આપી શકાતી નથી. જોકે પરિપત્ર માટે આજે પણ રાજય સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement