જામનગર જિલ્લા જેલના 32 કેદીઓને જામીન પર મુકત કરાયા

17 May 2021 03:15 PM
Jamnagar Crime
  • જામનગર જિલ્લા જેલના 32 કેદીઓને જામીન પર મુકત કરાયા

જામનગર તા.17: કોરોનાને કારણે ગત વર્ષની માફક જામનગર જિલ્લા જેલમાંથી 32 કેદીઓને વચગાળાના જામીન પર મુકત કરવામાં આવતા તેઓ પોતાના ઘરે પરત થયા હતા. જિલ્લા જેલમાંથી હજુ વધુ કેદીઓ આગામી દિવસોમાં આ રીતે મુકત થશે. તેમજ સાત વર્ષથી વધુ અને આજીવન કેદની સજાવાળા દર્દીઓની લાંબાગાળાની પે-રોલ રજા પણ મંજૂરી માટે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મુકાઇ ચુકી છે. જેમાં પણ નિર્ણય આવ્યે સંખ્યાબંધ કેદીઓ રજા પર ઘરે જઇ શકશે.
કોરોનાના સંક્રમણની ગંભીર અસર ગુજરાતમાં પણ વર્તાઇ રહી છે. જેલમાં પણ કોરોનાના કેસો આવ્યા છે ત્યારે જામનગર જિલ્લાની હાઇ પવાર કમિટિની બેઠકમાં તા.12મે ના રોજ લેવાયેલા નિર્ણય મુજબ જામનગરની જિલ્લા જેલમાં રહેલા ભરણપોષણના ગુનામાં સાદી કેદની સજા ભોગવતા 19 કેદીઓ તથા નાના-નાના ગુનાઓમાં જેલમાં ગયેલા કાચાકામના 13 કેદીઓ મળીને કુલ 32 કેદીઓને વચગાળાના જામીન પર મુકત કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં હાઇ-પાવર કમિટીની ભલામણ અનુસાર પાત્રતા ધરાવતા કેદીઓને મુકત કરવામાં આવશે. તેમજ સાત વર્ષથી ઉપરની અને આજીવન કેદની સજા પામેલા પાકા કામના કેદીઓ પૈકી લાંબા સમય માટે પે-રોલ રજા ઉપર જવા માંગતા હોય તેવા કેદીઓની અરજી મેળવીને જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાં આવી છે. તાજેતરમાં ઇન્જેકશનોના કાળા બજાર, હેરાફેરી, નકલી દવાઓની હેરાફેરી કે દવાઓની કાળાબજારીના આરોપીઓ આવો લાભ મેળવવાને પાત્ર રહેશે નહીં. તેમ જિલલા જેલ અધિક્ષક પી.એચ.જાડેજાએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement