જામનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતી યુવતીને ખંભાળિયાના શખ્સે આપી ધમકી

17 May 2021 03:18 PM
Jamnagar Crime
  • જામનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતી યુવતીને  ખંભાળિયાના શખ્સે આપી ધમકી

આરોપીની પત્ની રિસાઈ ને સખી વન સ્ટોપ સેન્ટર માં આવ્યા પછી પોતાના ભાઈના ઘેર ચાલી જતા આરોપીએ ઉશ્કેરાઈ જઇ ધમકી આપી

જામનગર તા.17: જામનગરમાં સત્યમ કોલોનીમાં રહેતા અને સખી વન સ્ટોપ સેન્ટર ના મહિલા સભ્યને ખંભાળિયાના એક શખ્સે જુદાજુદા બે મોબાઇલ ફોન પરથી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. ધમકી આપનાર શખ્સ ની પત્ની રીસાઇને સખી વન સ્ટોપ સેન્ટર માં આવ્યા પછી પોતાના ભાઈના ઘેર રહેવા ચાલી ગઈ હોવાથી આરોપી ઉશ્કેરાયો હતો, અને ધાક ધમકી આપતાં પોલીસ ફરિયાદ કરાઇ છે.
જામનગરમાં સત્યમ કોલોની નજીક ઓશવાળ-4 માં રહેતા અને સખી વન સ્ટોપ સેન્ટર માં મહિલા સભ્ય તરીકે કાર્યરત એવા હેતલબેન ગીરીશભાઈ અમેથિયા એ સીટી બી ડિવિઝન પોલીસ મથક માં પોતાને જુદા-જુદા બે મોબાઇલ ફોન નંબર ઉપરથી અવાર નવાર હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં શીવમ સોસાયટીમાં રહેતા વિજય રતિલાલ માવદીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી વિજયની પત્ની અગાઉ રિસાઈને જામનગર આવી હતી, અને મામલો સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચ્યો હતો. દરમિયાન આરોપી વિજય ને જામનગર બોલાવ્યા પછી મહિલા સદસ્ય એવા હેતલબેને સમાધાન કરી બંનેને ખંભાળિયા પરત મોકલ્યા હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો અને પત્ની ફરીથી જામનગર સખી વન સ્ટોપ સેન્ટર માં રહેવા આવી હતી. અને ચાર દિવસ રોકાઈ હતી. દરમિયાન સમાધાન નહીં થતાં મહિલા પોતાના ભાઈના ઘેર જામનગરમાં રહેવા માટે ચાલી ગઈ હતી. જેથી આરોપી વિજય ઉશ્કેરાયો હતો, અને મહિલા સદસ્ય હેતલબેન ને મોબાઈલ ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કરતાં મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે આ મામલે આઈ.પી.સી. કલમ 507 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement